બારડોલી: (Bardoli) સુરત જિલ્લામાં (Surat District) કોરોનાના કેસોમાં (Corona Case) વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બારડોલીમાં પણ કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. 14મીએ બે સત્તાવાર કેસ સામે આવ્યા બાદ શનિવારે વધુ ત્રણ કેસ સામે આવતાં લોકોમાં પણ દહેશત ફેલાઈ છે. વિતેલા 24 કલાકમાં જિલ્લામાં કોરોનાના પાંચ કેસ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
નવરાત્રિ દરમિયાન ભેગી થયેલી ભીડ અને આવનારા તહેવારોને લઈને પણ કોરોના વકરવાની સર્જાય છે. સમગ્ર સુરત જિલ્લામાં હાલમાં કુલ 16 એક્ટિવ દર્દીઓ છે. શરૂઆતથી અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં કુલ 32,177 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને 486 લોકોનાં મૃત્યુ થયાં છે. જેની સામે બારડોલી તાલુકાની વાત કરવામાં આવે તો અહીં કામરેજ બાદ સૌથી વધુ 5115 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 82 લોકોના સરકારી ચોપડે મોત થઈ ચૂક્યાં છે. જો કે, ત્રીજી લહેરના ભય વચ્ચે બારડોલીમાં કોરોનાના કેસો ધીમી ગતિએ વધી રહ્યા હોવાનું સરકારી રિપોર્ટ પરથી લાગી રહ્યું છે. ગત 14મીના રોજ 2 કેસ આવ્યા બાદ શનિવારે વધુ ત્રણ કેસ નોંધાતાં લોકોમાં સામી દિવાળીએ ફફડાટ ફેલાયો છે.
જિલ્લામાં એકસાથે 5 કેસ નોંધાયા
સુરત: સુરત જિલ્લામાં ફરી કોરાના કેસ રફતાર પકડી રહ્યાં છે. વિતેલા 24 કલાકમાં જિલ્લામાં કોરોનાના પાંચ કેસ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં બારડોલી તાલુકામાં 3 અને મહુવા તેમજ માંડવી તાલુકામાં 1-1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.આ સાથે જિલ્લામાં કોરોના કુલ કેસની સંખ્યા 32,177 થઇ છે. જિલ્લામાં કોરોનામાં મરણાંક 486 તેમજ કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 31,675 થઇ છે. તેવી જ રીતે જિલ્લામાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા16 છે. જયારે વિતેલા 24 કલાક દરમિયાન કોરોનામાંથી સાજા થયેલા 4 પેશન્ટને રજા આપવામાં આવી છે.