SURAT

‘ઘરની બહાર નીકળશો નહીં’, સુરતના તંત્રએ લોકોને કેમ કરી આવી અપીલ?

સુરત(Surat): આકરો ઉનાળો (Summer) શરૂ થઈ ગયો છે. છેલ્લાં એકાદ અઠવાડિયાથી સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સૂર્ય (Sun) અગનગોળા વરસાવી રહ્યો છે. આકરા તાપના લીધે લોકો બિમાર પડી રહ્યાં છે. સતત પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠયા છે. તાપમાનનો પારો ઉંચો જવા સાથે બફારો એટલો બધો વધી ગયો છે કે લોકોએ આખી રાત એસી ચલાવવા પડી રહ્યાં છે.

  • સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ
  • સુરતમાં સૂર્ય અગનગોળા વરસાવી રહ્યો છે: હીટવેવથી બચવા બપોરે બહાર જવાનું ટાળો
  • શરીરમાં પાણીની માત્રા ન ઘટે એ માટે પૂરતું પાણી પીવું, ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો

રાતે બફારો અનુભવાઈ રહ્યો છે તો બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. જેના કારણે સતત વાહનોની ધમધમતા મુખ્ય માર્ગો ઉપર પણ વાહનોની અવરજવર ઘટી ગઈ છે. લોકો બપોરના આકરા તડકામાં બહાર જવાનું ટાળી રહ્યાં છે, ત્યારે આજે તા. 17 એપ્રિલે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેતા લોકોએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. હીટવેવની (HeatWave) અસર વર્તાઈ રહી છે, ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટે હીટવેવથી બચવા ગાઈડલાઈન જાહેર કરી છે.

ગરમીનો પારો 40 પાર, બફારો અસહ્યનીય
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે તા. 17 એપ્રિલે શહેરનું મહત્તમ તાપમાન 40 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોધાયું હતું. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 46 ટકા અને હવામાં ભેજનું દબાણ 1010.9 મીલીબાર રહેવા પામ્યું છે. શહેરમાં સવારથી 5 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાઈ રહ્યો છે. સુરત જિલ્લામાં હાલના દિવસોમાં હીટવેવની અસર જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (Disaster Management Centre) દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ?

  • પુરતું પાણી પીઓ : તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુ પાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે.
  • બને તેટલું ઘરની અંદર રહો.
  • હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
  • તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો. તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો.
  • પ્રાથમિક સારવારની તાલીમ મેળવો, વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજન વાળા લોકો માટે વિશેષ કાળજી લો, કારણકે તેઓ વધુ પડતી ગરમીનો શિકાર બને છે.

હીટવેવ દરમિયાન શું ના કરવું જોઈએ?

  • તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 12:00 કલાકથી 03:00 કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.
  • પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
  • આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રીંકસ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.
  • ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો.
  • બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.
  • અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિન જરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો.

Most Popular

To Top