સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર (Corporator) અને સુરત શહેર કોંગ્રેસમાં વિવિધ પદ પર કામ કરી ચુકેલા દિનેશ કાછડિયાએ (Dinesh Kachadiya) સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલના કામથી પ્રેરાઈને તેમજ અરવિંદ કેજરીવાલના સંબોધનથી પ્રોત્સાહિત થઈને સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સામાજીક આગેવાન દિનેશભાઈ કાછડીયા પોતાના કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઈટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
જણાવી દઈએ કે સુરતમાં આપની જીત બાદ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતના લોકોનો આભાર માનવા સુરત પધારેલ હતા અને સરથાણા જકાતનાકા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપમાં રહેલા સારા અને દેશસેવા કરવા માંગતા સ્વચ્છ છબી ધરાવતા ઈમાનદાર આગેવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું હતું. જેને પગલે દિનેશ કાછડિયા આપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પહેલાં કાછડિયાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પત્ર લખી પોતાના રાજીનામા અંગેની જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે પાંચ વખત અલગ અલગ સ્તરે ચૂંટણી લડવાનો કોંગ્રેસ પક્ષે તેમને અમૂલ્ય અવસર આપ્યો પરંતુ છેલ્લી ચૂંટણી લડ્યા પછી તેમને મળેલી હારના પરિણામો જોઈને એવું લાગ્યું કે તેમની કંઈક કચાસ રહી ગઈ અને પાર્ટીને તેના પ્રમાણમાં તેઓ પરત આપી શક્યા નથી. તેથી તેઓ રાજીનામું આપી રહ્યાં છે. જણાવી દઈએ કે દિનેશ કાછડિયા આ વખતે મહાનગર પાલિકાની ચૂંટણીમાં વરાછા વિસ્તારમાંથી ઉમેદવાર હતાં.
કાછડિયાએ પત્રમાં શું લખ્યું?
દેશની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી એતિહાસિક કોંગ્રેસ (Congress) પાર્ટીએ મારા રાજનીતિક જીવનને ઘણું બધું આપ્યું છે. પાંચ વખત અલગ અલગ સ્તરે ચૂંટણી લડવાનો મને અમૂલ્ય અવસર આપ્યો, સાથે સંગઠનમાં વિવિધ પદ આપીને કામ કરવાનો મોકો આપ્યો. કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લી ચૂંટણી લડ્યા પછી મને મળેલી હારના પરિણામો જોઈને દિલથી એવું લાગ્યું કે આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને જે તકો આપી તેના પ્રમાણમાં મારી કંઈક કચાસ રહી ગઈ અને પાર્ટીને તેના પ્રમાણમાં હું પરત આપી શક્યો નથી. આથી હું કોંગ્રેસના તમામ પદ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું જાહેર કરું છું.