SURAT

દિલીપ કુમાર સુરતમાં આવવાનું વચન પાળવા સાયરાબાનુ સાથે ચાલુ ટ્રેનમાં ચડ્યા હતા

સુરત: (Surat) ‘જ્યારે અમે સીમ્ગા સ્કૂલ માટે ચેરિટી ભેગી કરવા સુરતના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે તેમનો ઉત્સાહ અનોખો હતો. દિલીપકુમાર પહેલથી જ કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે પછી હોસ્પિટલના કામ માટે નિ:શુલ્ક આવવા તૈયાર હતાં. અમે અહેમદ પટેલના માધ્યમથી દિલીપકુમારનો (Dilip Kumar) સંપર્ક કર્યો. અમારે સીમ્ગા સ્કૂલને ભાડાના મકાનમાંથી પોતાના મકાનમાં લાવવી હતી. ખર્ચો મોટો હતો. પરંતુ દિલીપકુમાર અમારી સાથે હતાં. સુરત યંગ મુસ્લિમ ગ્રેજ્યુએટ એસો.ના પ્રમુખ સૈયદ સાથે હું જ્યારે પહેલી વખત દિલીપકુમારને મળ્યો ત્યારે જ તેમણે સીમ્ગા સ્કુલ માટેનું તમારું શું આયોજન છે તે જાણી લીધું હતું. દિલીપકુમારે બંગલા પર મુલાકાત આપીને ખૂબ જ નિખાલસતા અને એક કોમનમેનની જેમ વાતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને પૂછ્યું હતું કે, 200 વિદ્યાર્થીઓની સ્કૂલને મોટી બનાવવા માટે તમારી પાસે શું પ્લાન છે?. દિલીપકુમારે અમને જાણે કે સ્કૂલ મોટી કરવા માટે તૈયાર કર્યાં હતાં.અમે બાદમાં સુરતમાં સ્કૂલના ભંડોળ માટે ‘શબ્બીરકુમાર નાઈટ’નું આયોજન કર્યું. જગ્યા માટે અમને તત્કાલિન મંત્રી બાબુ સોપારીવાળા અને હાફીઝ બ્રધર્સવાળા મહેમુદ મણિયારનો સાથ મળ્યો. એક મહિનામાં તમામ આયોજનો કરી ફરીથી જ્યારે દિલીપ કુમારને બતાવવા ગયા ત્યારે તેમણે સુરતમાં સીમ્ગા સ્કૂલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેવો વાયદો આપ્યો હતો.દિલીપકુમાર પોતાના વચનના પાક્કા હતાં. સુરત આવવા માટે વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે પણ તેમણે સમય કાઢ્યો અને ટ્રેન ચાલુ થઈ ગઈ હોવા છતાં પણ તેઓ પત્ની સાયરાબાનુ સાથે ચાલતી ટ્રેનમાં સુરત આવવા માટે ચડી ગયા હતાં.’

બોલીવુડના એક્ટિંગ કિંગ દિલીપકુમાર વિશે વાતો કરતાં કરતાં કોંગ્રેસ અગ્રણી કદીર પીરઝાદાની (Kadir Pirzada) આંખો ભીની થઈ ગઈ હતી. પીરઝાદાએ યાદો વાગોળતાં કહ્યું કે, 1985માં સીમ્ગા સ્કૂલનો અમે જ્યારે કાર્યક્રમ કર્યો ત્યારે સુરતમાં એરપોર્ટનો વિકાસ થયો ન હતો. દિલીપકુમાર પત્ની સાયરાબાનુ સાથે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં આવવાના હતાં. ચાલુ ટ્રેને ચડેલા દિલીપકુમારે બાદમાં સુરતમાં એક રાત રોકાણ પણ કર્યું હતું અને શબ્બીરકુમાર નાઈટમાં સુધી ભાષણ પણ કર્યું હતું. દિલીપકુમારને કારણે જ સીમ્ગા સ્કૂલ માટે અમે 17 લાખ રૂપિયા ભેગા કરી શક્યાં હતાં. આ મોટી આવક હતી. દિલીપકુમારની બીજા દિવસે સુરત ઓફિસર્સ જીમખાનામાં સુરતના ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવાર સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી. જેમાં તત્કાલિન પો.કમિ. મનમોહન મહેતા તેમજ તત્કાલિન કલેકટર અજય ભારદ્વાજ પણ પરિવાર સાથે હાજર રહ્યાં હતાં.

વર્ષ-2000માં દિલીપકુમાર કદીર પીરઝાદાની પુત્રીના લગ્નમાં આવી બીજીવાર સુરતના મહેમાન બન્યા હતા

કદીર પીરઝાદાએ કહ્યું હતું કે, સીમ્ગા સ્કૂલના કાર્યક્રમ બાદ દિલીપકુમાર મને મુંબઈ લઈ ગયા હતાં. ત્યાં તેમના બંગલામાં ડીનર કર્યું હતું. ત્યારબાદ સંબંધ એવો ગાઢ બની ગયો કે જાણે અમે પારિવારિક મિત્રો બની ગયા. દિલીપ કુમાર 2000ની સાલમાં બીજીવાર સુરતના મહેમાન બન્યા હતા. ‘મારી પુત્રીના લગ્નપ્રસંગે આમંત્રણ માટે ફોન કર્યો ત્યારે દિલીપકુમારે એકપણ ક્ષણ વિચાર કર્યા વિના તરત જ સુરત આવવા માટે તૈયારી બતાવી હતી અને અહેમદ પટેલના પ્રયાસોને પગલે તેઓ લગ્નના દિવસે સ્પેશિયલ ફ્લાઇટમાં એસ્સાર કંપનીના એમડી રૂઇયા સાથે સુરત આવ્યા હતા. તે દિવસે રાજેશ ખન્ના પણ સુરત આવ્યા હતા. દિલીપકુમાર તે સમયે હોલિડે ઈન હોટલમાં રોકાયા હતાં. રાજેશ ખન્ના હોટલમાં દિલીપકુમારને મળવા માટે પણ ગયા હતાં.

સુરતમાં ખૂબ પોટેન્શિયલ છે, તેવું દિલીપકુમારે 2000ની સાલમાં કહ્યું હતું

કદીર પીરઝાદાએ કહ્યું હતું કે, દિલીપ કુમાર પહેલીવાર સુરતમાં સન-1985માં આવ્યા હતા. તે સમયે સુરતમાં એરપોર્ટ કાર્યરત નહોતું. સુરતની ગણના પણ તે સમયે ગંદા શહેર તરીકે થતી હતી. જોકે, જ્યારે દિલીપકુમાર સુરતના લોકોને મળ્યા ત્યારે સુરતીઓના સ્વભાવથી ખુબ ખુશ થયા હતા. ત્યારબાદ બીજી વખથ તેઓ સન-2000માં સુરતના મહેમાન બન્યા હતા. બીજી વાર તેઓ લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહ્યા બાદ સાંજે એરપોર્ટ પર જઇ રહ્યા હતા, ત્યારે સુરતનો વિકાસ જોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, ‘1985નું સુરત અને હાલનું સુરત ખૂબ બદલાઇ ગયું છે. સુરતમેં બહુત પોટેન્શિયલ છે.1985 મેં જબ સુરત કો દેખા તબ કા સુરત અલગ થા ઔર અબ કા સુરત અલગ હૈ’.

Most Popular

To Top