SURAT

સુરતના સરથાણા વિસ્તારમાં રત્નકલાકારના પુત્રએ ઓફિસમાં જ ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઊભી કરી દીધી!

સુરત: (Surat) સુરત છેલ્લા ઘણા વર્ષોથી નશાના દલદલમાં ફસાઈ રહ્યું છે. સુરતમાં ડ્રગ્સનો (Drugs) જે રીતે વપરાશ થઈ રહ્યો છે અને ખેપિયા પકડાઈ રહ્યાં છે તે જોતાં સુરતમાં ડ્રગ્સની હેરાફેરી કરવાને બદલે રત્નકલાકારના પુત્રએ સીધી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (Laboratory) જ ઊભી કરી દીધી હતી. બે દિવસ પહેલા રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા પ્રવિણ વાનાને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. પ્રવિણે જેનું નામ આપ્યું તે આરોપીને પણ પોલીસે ઝડપી પાડતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરથાણામાં રત્નકલાકારના (Diamond Worker) પુત્રએ ઓનલાઇન કાપડ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરવાના આડમાં શોર્ટકટમાં લાંબા-ટુંકા રૂપિયા રળી લેવા ડ્રગ્સ બનાવવા માટેની લેબોરેટરી શરૂ કરી હતી. લેબોરેટરીનું સેટઅપ જોઈને પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત 9 તારીખે એસઓજીએ નિયોલ ચેક પોસ્ટ પાસેથી પ્રવિણકુમાર બલવંતારામ બિસ્નોઇને ઝડપી પાડીને તેની પાસેથી 5.85 લાખની કિંમતનું મેથાએમ્ફેટામાઇન (એમડી) ડ્રગ્સ પકડી પાડ્યું હતું. તેની પુછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો સરથાણા વિસ્તારમાં રહેતા જૈમીન સવાણીએ મંગાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે જૈમિનને વોન્ટેડ જાહેર કર્યો હતો. બાદમાં એસઓજીએ જૈમીન સવાણીની તપાસ કરતા તે પોતાના વતન ભાવનગરના ઉમરાળા ગામમાં હોવાની માહિતી મળી હતી.

જેના આધારે પુણા પોલીસ અને એસઓજીની એક ટીમે જૈમીન સવાણીને વતન ઉમરાળાથી દબોચી લીધો હતો. જૈમીનની પુછપરછ દરમિયાન તેને કરેલી કબૂલાત બાદ પોલીસ ચોંકી ગઈ હતી. જૈમીને સરથાણા ખાતે રાજવી શોપીંગ સેન્ટરમાં ઓનલાઈન કાપડ સહિતના વસ્તુઓ માટેની ઓફિસ શરૂ કરી હતી. હકીકતમાં આ ઓફિસની આડમાં તે એમડી ડ્રગ્સ બનાવવા માટેની લેબોરેટરી શરૂ કરી હતી. ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલા જૈમીને બનાવેલો લેબોરેટરી સેટ જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. તેને યુટ્યૂબ ઉપર જોઈને તથા કેટલાક લોકોને પુછીપુછીને આ લેબોરેટરીનો સેટઅપ શરૂ કર્યો હતો.

ઓનલાઇન કાપડ સહિતની વસ્તુઓના વેપારની આડમાં ડ્રગ્સની લેબ ધમધમતી હતી
જૈમીન પોતે જ એમડી ડ્રગ્સનો બંધાણી હતો. ઓનલાઇન કાપડ સહિતની વસ્તુઓના વેપારની આડમાં તેનું વેચાણ કરવા તેમજ પોતાની ઓફિસમાં જ એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી તૈયાર કરી હતી. પોલીસે સરથાણામાં રાજવી શોપીંગ સેન્ટરમાં આવેલી જૈમીનની ઓફિસમાં તપાસ કરી હતી અને ત્યાંથી કેમિકલ તથા લેબોરેટરીના સાધનો, લીકવીડ સહિતની વસ્તુઓ કબજે કરી હતી.

10 ધોરણ પાસ જૈમીને યુ-ટ્યુબ ઉપરથી એમડી ડ્રગ્સ બનાવવાનું શીખ્યો હતો
પોલીસના જણાવ્યા પ્રમાણે જૈમીન પોતે ડ્રગ્સની લતે લાગી ગયો હતો અને તે આ વ્યસન માટે રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવતો હતો. સાથે સાથે ક્યારેક પોતાના મિત્રોને વેચી દઇને કમાણી પણ કરી લેતો હતો. થોડા જ સમયમાં વધારે રૂપિયા જોઇને જૈમીનની દાનત બગડી હતી. તેને જાતે જ પોતે ડ્રગ્સ બનાવીને વેચવાનો વિચાર કરી યુ-ટ્યુબ ઉપર એમડી ડ્રગ્સ કેવી રીતે બને તેના વીડિયો જોયા હતા. આ માટે જૈમીને જરૂરી કેમીકલ અને બીજા પાવડર મંગાવીને પોતાની ઓફિસમાં જ લેબોરેટરી ઊભી કરી હતી.

જૈમીન એક વખત પ્રયોગ ફેઈલ જતા કેમિકલ એક્સપર્ટની શોધમાં હતો
જૈમીન સવાણીએ એમ.ડી. ડ્રગ્સ બનાવવા માટે તેની ઓફિસમાં જ લેબોરેટરી બનાવી હતી. બે મહિના શરૂ કરેલી આ લેબોરેટરીમાં તેને એકાદ મહિના પહેલા ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ત્યારે તે ફેઈલ થતા તેને ફરી વખત બનાવવા પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ આ વખતે તેને કેમિકલ એક્સપર્ટની શોધખોળમાં હતો.

કબજે કરવામાં આવેલો મુદ્દામાલ

  • મોનીમિથાઈલ અમાન કેમિકલ પાઉડર ૨૨.૫૦૦ કિલો્ ગ્રામ
  • મેથાનોલ એઓ ૧૫૧ લીકવીડ ૧.૭૫ લીટર
  • કેમિકલ પાઉડર ૨૦૦ ગ્રામ
  • કાચના નાના મોટા બિકર નંગ-૩
  • કાચના અલગ અલગ આકારના ફ્લાસ્ક નંગ-૨
  • કાચના એડોપ્ટર નંર-૧
  • કાચની કસનળી નંર-૧
  • કાચના કનેક્ટર નંગ-૩
  • ઈલેકટ્રિક સગડી, ઈલેકટ્રિક મોટર, ઈલેકટ્રિક વજન કાંટો
  • ચીપીયો, હોલ્ડર, સપોર્ટર, નોઝલ, ફ્લેઈમ, કાચના બુચ

પંદર હજારના કેમિકલમાંથી જૈમીન સવાણી કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવાનો હતો
એસઓજી પોલીસે જૈમીન સવાણી પાસેથી પકડેલા કેમિકલ અને પાઉડરની કિંમત આશરે પંદરથી વીસ હજાર રૂપિયા છે. આ કેમિકલ અને પાવડરનું મિશ્રણ બનાવી તેમાંથી જો પ્રયાસ સફળ જતે તો ૮ થી ૧૦ કિલો ડ્રગ્સ બનાવ્યું હોત. અને 1 કિલો ની કિંમત આશરે એક કરોડ ગણીએ તો આઠથી દસ કરોડ રૂપિયા તેનાથી તે કમાયો હોત.

આ રીતે કેમિકલોના મિશ્રણથી માઈનસ 20 તાપમાનમાં એમડી ડ્રગ્સ તૈયાર થાય
એમડીએમએ ને 3.4 મીથીલીન ડાઈઓશી મીથએમ્ફેટેમાઈન નામથી જાણી શકાય છે. જેનું પ્રોફાઈલીંગ ઇસ્ટાસી ટેબ્લેટ તરીકે થયું છે. ગેરકાયદેસ ઇસ્ટાસીનું ત્રણ પ્રકારે બનાવી શકાય છે. જેમાં ઉત્પાદન કરવાની સૌથી જાણીતી પદ્ધતિ રીડક્ટીવ એમીનેશન પીએમકેનું મીથાઈલએમાઈન જોડે પ્લેટીનમ ઓક્સાઈડ અથવા સોડીયમ બોયેહાયડ્રાઈડ સાથે માઈનસ 20 તાપમાને કરવાથી એમડી ડ્રગ્સ તૈયાર થાય છે.

હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં વપરાતું હવે સામાન્ય લોકો સુધી પહોંચ્યું છે
એમડી ડ્રગ્સને ઇસ્ટાસી/ગોળી દવા તરીકે ઓળખવામાં આવે છે. જે સંક્ષ્લેશીત દવા છે. જેનું સેવન કરવાથી મનની સ્થિતિ અથવા મીજાજ બદલાઈ જાય છે. અને ઇન્દ્રીય વડે આજુબાજુ પરિસ્થિતિ તથા વસ્તુઓનું ભાન ભુલી જવાય છે. એ એવું રાસાયણ છે જે તાત્કાલીક સ્ફુર્તિ આપે તથા , ઉત્તેજક, માદક દવા જેવું છે. જે આપણી લાગણી તેમજ શક્તિ વધારે છે. તેમજ મનનો વિકાર લાવે છે. સમય જતા સંવેદનાવાળું તંત્ર નબળું પડતું જાય છે. શરૂઆતમાં આ રસાયણીક પદાર્થ નાઈટક્લબમાં તથા નાઈટ ડાન્સ પાર્ટી, રેવ પાર્ટીમાં જાણીતું હતું. પરંતુ હાલમાં તેને દવા ઇસ્ટાસી અથવા ગોળી તરીકે બહોળા પ્રમાણમાં લોકોને અસર કરે છે.

લોકો આ રીતે ડ્રગ્સનું સેવન કરે છે
ઘણા લોકો એમડી ડ્રગ્સને દવા તરીકે અથવા ટેબલેટ તરીકે ઉપયોગ કરે છે. તો ઘણા લોકો તેનું પ્રવાહી બનાવીને ગળી જાય છે. જ્યારે ઘણા દવાનો પાવડર બનાવીને નાકમાંથી સુંઘીને લે છે. એમડી ડ્રગ્સનું જાણીતુ બાજુ નામ છે મોલી જે શુદ્ધ સ્ફટીકના રૂપમાં પાવડર તરીકે મળે છે.

એમડી ડ્રગ્સની શરીર પર અસરો
એમડી ડ્રગ્સના રસાયણ અથવા દવા (મોલી) એ મગજના ત્રણ રસાયણને સક્રિય કરે છે. જેમાં ડોયામાઈન, નોરેપાનેફટીન, સેરોટોનીન છે. ત્રણેય મગજના રસાયણ સક્રિય થવાથી હ્દયના ધબકારા વધી જાય છે. બ્લડ પ્રેસર પણ વધે છે. જે લોકોના હ્દય તથા લોહીનું વહન કરતી નળીઓમાં પ્રેબ્લેમ કરે છે. જેનાથી મીજાજ, ભુખ અને શરીરના જુદા જુદા કાર્ય કરવાની અવયવ પર અસર પડે છે. આ સિવાય ચક્કર આવવા, સ્નાયુ ખેંચાવા, ઝાંખુ દેખાવવના જેવી સમસ્યા પણ થાય છે.

ગેરકાયદે રીતે એમડી ડ્રગ્સ કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે
એમડી ડ્રગ્સ રાસાયણ કોઈપણ વ્યક્તિ બનાવી શકે છે. તેના માટે કોઈ મોટા સાધનની જરૂર હોતી નથી. ત્રણ પ્રકારના કેમીકલ્સને મિશ્રણ કરીને નાની જગ્યા પર પણ ગેરકાયદેસર રીતે બનાવી શકાય છે. આ પ્રકારના રાસાયણો બનાવવા માટે સરકારની મંજુરી તથા લાયસન્સ જરૂરી છે. ગેરકાયદેસર બનાવાય તો તેના પર કાર્યવાહી થવી જોઈએ.

  • પ્રો. ડો.બી.ટી. ઠાકર (વીએનએસજીયુ વરીષ્ઠ રસાયણ વિજ્ઞાની)

Most Popular

To Top