સુરત: (Surat) ઉત્રાણ ખાતે રહેતા રત્નકલાકારનો લગ્નમાં (Marriage) ડાન્સ કરવા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને ગઈકાલે બે જણાએ રત્નકલાકાર ઉપર જીવલેણ હુમલો કરતા ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
ઉત્રાણ ખાતે હળપતિવાસમાં રહેતી 23 વર્ષીય જાગૃતિબેને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં તેમના રત્ન કલાકાર પતિ નિતેશભાઇ પટેલની હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જાગૃતિ અને તેની નણંદ એકાદ મહિનાથી તેની માસી સાસુ ઉષાબેન ગોંડલીયા (રહે. પૂણાગામ) સાથે રહે છે. ગઈકાલે સાંજે જાગૃતિની માતાને ફોન કરીને વિશાલ ઉર્ફે વિશુ બચુભાઇ પટેલ અને જયેશ બળવંતભાઇ વસાવા (બન્ને રહે. હળપતિવાસ, રામપાઠ ઉત્રાણ) એ નિતેશને ચપ્પુના ઘા મારી દીધા હોવાની જાણ કરી હતી.
નિતેશને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉત્રાણ પોલીસે આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, થોડા દિવસ પહેલા એક લગ્નમાં ડાન્સ કરવા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને વિશાલ ઉર્ફે વિશુએ તેના મિત્ર જયેશ વસાવા સાથે મળીને નિતેશને જમણા હાથના ખભાના ભાગે તથા પેટના ભાગે આંતરડામાં છરો મારી જીવલેણ હુમલો કર્યો હતો. ઉત્રાણ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.