સુરત: (Surat) સુરત-મુંબઈના હીરા વેપારીઓ અને હોંગકોંગના (Hong Kong) હીરા વેપારીઓની (Diamond Dtraders) સતર્કતા અને એક સંપથી મોટું ઊઠમણું થતું રહી ગયું હતું. મૂળ રાજસ્થાનના જયપુરનો વતની 32 વર્ષીય જૈન હીરા દલાલ મુંબઈથી હીરા લઈ હોંગકોંગમાં વેપારીઓને વેચતો હતો. ત્રણ – ચાર વર્ષ વેપાર બરાબર ચાલ્યો હોવાથી ભરોસો રાખી સુરત -મુંબઈના 29 વેપારીઓએ 16 કરોડના હીરા વેચવા માટે આ દલાલને (Broker) આપ્યા હતાં. પણ સમયસર પેમેન્ટ નહીં મળતાં વેપારીઓને શંકા જાગી હતી. હીરા દલાલ ડિસ્કાઉન્ટમાં હોંગકોંગમાં માલ કાપી ભાગી આવ્યાની વિગતો મળતાં લેણદારોએ તેને મુંબઇ એરપોર્ટ બહાર પકડી લીધો હતો.
હીરા દલાલે કોને હોંગકોંગમાં માલ આપ્યો એની વિગતો મેળવી હોંગકોંગના વેપારીઓને સમજાવતા એમણે માલ પરત આપી દેવાની ખાતરી આપી હતી. હોંગકોંગમાં હીરા દલાલે જ્યાં માલ કાપ્યો એ પૈકી 90 ટકા વેપારીઓએ દલાલને પેમેન્ટ કર્યું નહીં કર્યું હોવાથી આ ઊઠમણું થતાં થતાં રહી ગયું હતું. જોકે હીરા દલાલ જૈને વેચાણ કિંમત કરતા ઓછા ભાવે કેટલોક માલ વેચ્યો હોવાથી સુરત – મુંબઈના હીરા વેપારીઓને 20 ટકા નુકશાન થયું હતું. પણ સ્થાનિક હીરા વેપારીઓ અને હોંગકોંગના વેપારીઓના સંકલન અને સમજદારીને લીધે હીરા વેપારીઓને મોટું નુકસાન થતાં રહી ગયું હતું.
એક જ નાણાકીય વર્ષમાં લેબગ્રોન ડાયમંડનો વેપાર ડબલ થઈ 1.3 બિલિયનનો થયો
સુરત: ભારતના વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ સાથે નવી દિલ્હીમાં લેબગ્રોન ડાયમંડને લગતા નીતિ વિષયક નિર્ણય અંગેની બેઠક યોજ્યા પછી જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ફાળો વધીને 15 ટકા થયો છે. એક જ નાણાકીય વર્ષમાં લેબગ્રોન ડાયમંડનો વેપાર ડબલ થઈ 1.3 બિલિયનનો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ 636.25 મિલિયન ડોલર હતો. તેમાં 2021 -22 માં 105.63 ટકાનો વધારો નોંધાયો હતો. નજીકના વર્ષોમાં ભારતનો લેબગ્રોન ડાયમંડનો વેપાર 150 મિલિયન કેરેટ સાથે 40,000 કરોડ સુધી પહોંચી શકે છે અને આ ઇડસ્ટ્રી એક લાખ લોકોને રોજગારી પૂરી પાડશે. લેબગ્રોન ડાયમંડ (CVD, HPHT) માટે અને લેબગ્રોન જવેલરી માટે સરકાર અલગથી એચએસએન કોડ નક્કી કરશે. 2021-2026 ના ફોરેન ટ્રેડ એગ્રિમેન્ટમાં લેબગ્રોન ડાયમંડનો સમાવેશ કરાશે. સરકાર એક્સપોર્ટ વધારવા પ્રારંભિક એક વર્ષ માટે ડ્યૂટીમાં રાહત આપી શકે છે. લેબગ્રોન મશીનરી મેન્યુફેકચર્સને પ્રોડક્ટ લિંક સબસીડીનો લાભ મળશે. એમાં શરત એ રહેશે કે, 50 કરોડનું મૂડી રોકાણ અને 100 કરોડનું ટર્ન ઓવર હોવું જોઈએ.