સુરત: (Surat) વૈશ્વિક બજારમાં હીરાની માંગ સારી છે. તેથી સ્થાનિક ઉત્પાદકો મોટી માત્રામાં હીરાનું (Diamond) પ્રમાણપત્ર મેળવવા વિદેશની લેબોરેટરીમાં મોકલી રહ્યાં છે. જોકે, વિદેશી લેબોરેટરી પાસે કામ વધી જતાં સમયસર હીરા પરત મળી રહ્યાં નથી. હાલ દોઢ મહિના સુધી હીરા પરત મળી રહ્યાં નથી. તેના લીધે વ્યાજ પર વેપાર કરતા હીરાના વેપારીઓ (Traders) પર આર્થિક બોજ વધી રહ્યો છે. પહેલા હીરા ઉદ્યોગકારો ફક્ત નેચરલ ડાયમંડ સર્ટિફિકેશન માટે મોકલતા હતા જોકે હવે સીવીડી પણ મોકલે છે.
હીરાના વેપારી અને સુરત ડાયમંડ એસોસિએશનના સભ્ય ગૌરવ શેઠીએ જણાવ્યું હતું કે, વિદેશની લેબોરેટરીમાં મોકલવામા આવેલા હીરાની સર્ટીફિકેશનની સમયમર્યાદા નિશ્ચિત હોતી નથી. અત્યારે કોઈ હીરા મહિને તો કોઈ દોઢ મહિને પરત આવી રહ્યાં છે. જો વિદેશી લેબોરેટરી માલ રીટર્ન ક્યારે થશે તેની જાણકારી અગાઉથી આપી દે તો રાહત થાય. જીજેઈપીસીના રિજયનલ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ કહ્યું કે, ભૂતકાળમાં માત્ર કુદરતી હીરા જ પ્રમાણપત્ર માટે મોકલવામાં આવતા હતા, પરંતુ હવે સીવીડીનો વેપાર વધતા તે પણ વિદેશી લેબોરેટરી પાસે મોકલવામાં આવી રહ્યાં છે. તેથી લેબોરેટરી પર કામનો બોજો વધ્યો હોય વિલંબ થઈ રહ્યો છે. જોકે થોડા દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થાય તેવી સંભાવના છે.
ખાનગી અને સહકારી બેંકો સોમવારથી બપોરે 3 સુધી જ ચાલુ રહેશે
સુરત: શહેરમાં કોરોના સંક્રમણના કેસો તિવ્ર ગતિએ વધતા વેપાર ઉદ્યોગ પર અસર પડી છે. તે સિવાય બેન્કોના કામકાજને પણ અસર થઈ છે. બેન્કના કર્મચારીઓ રોજ હજારો ગ્રાહકોના સીધા સંપર્કમાં આવી રહ્યાં હોય કોરોના સંક્રમણની શક્યતા વધી છે. જેને લીધે સોમવારથી બેન્કોએ કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ખાનગી અને સહકારી બેન્કોએ પોતાની મેળે જ સવારે 9.45થી બપોરે 3 વાગ્યાનો સમય કર્યો છે. જ્યારે રાષ્ટ્રીયકૃત બેન્કો પહેલાની જેમ જ કામ કરશે. બેંકિંગ સેક્ટરના સુત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં 45 જાહેરક્ષેત્રની, સહકારી અને ખાનગી બેન્કોની 350 શાખાઓ કાર્યરત છે. છેલ્લાં બે અઠવાડિયામાં અનેક બેન્કકર્મીઓ પણ કોરોનાનો શિકાર બન્યા છે. જેના લીધે સાવચેતીના પગલાં લેતા શહેરની સહકારી અને ખાનગી બેન્કોએ કામકાજનો સમય સવારે 9.45થી બપોરે 3 સુધીનો કરી દીધો છે.
બેન્કોએ પોતાના ખાતેદારોને મેસેજ કરીને ઓનલાઇન બેંકિંગ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ અંગે બેન્કિંગ સૂત્રો જણાવે છે કે, શહેરની મોટી કો-ઓપરેટીવ અને ખાનગી બેન્કોએ પોતાની રીતે સમય ઘટાડ્યો છે. તેનું એક કારણ એ છે કે બેન્કોના ઘણા કર્મચારીઓ સંક્રમિત થયા છે. માત્ર 40 ટકા કર્મચારીઓ સાથે બેન્કિંગ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીયકૃત બેન્કો માટે હજુ સુધી સમયમાં ફેરફાર અંગે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામા આવી નથી.