સુરત: (Surat) શહેરના કતારગામ ખાતે રહેતા ડાયમંડ વેપારીએ (Diamond Trader) કામરેજમાં રહેતી એક સંતાનની માતા 24 વર્ષીય પરિણીતાને નોકરી અપાવવાના બહાને અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે બોલાવી હતી. જ્યાંથી વેપારી પરિણીતાને તેની એસયુવી કારમાં બેસાડી ઇચ્છાપોર-ભેસાણ રોડ પર આવેલા ખેતરમાં લઈ જઈ કારમાં જ દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, કતારગામ ડભોલીરોડ પર આવેલી દેવદર્શન સોસાયટીમાં રહેતો મનિષ ડુંગરભાઈ રોય કતારગામમાં જ ડાયમંડનો વેપાર કરે છે. મનિષ વિરુધ કામરેજની પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કામરેજ ખાતે રહેતી 24 વર્ષીય કામિની (નામ બદલ્યું છે) એક સંતાનની માતા છે. કામિનીને પંદર દિવસ પહેલા મનિષે વિઝીટીંગ કાર્ડ આપી નોકરી માટે ઓફર કરી હતી. ગઈકાલે કામિનીએ મોબાઈલ નંબર પર મનિષનો સંપર્ક કર્યો હતો.
મનિષે તેને મળવા માટે બપોરે અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે બોલાવી હતી. કામિની કામરેજથી રિક્ષામાં બેસીને અડાજણ આવી હતી. ત્યાંથી મનિષની એસયુવી કારમાં બેસી હતી. મનિષ તેને કારમાં ઇચ્છાપોર-ભેંસાણ રોડ પર આવેલા એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં કારમાં જ પરિણીતા સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં જો કોઈને કઈ કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અડાજણ પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી આરોપી મનિષની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.
બળાત્કાર કરવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ
સુરત : પ્રેમસંબંધ પુરો થઇ ગયા બાદ ભૂતપૂર્વ પ્રેમિકાના અંગત પળોના ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને બળાત્કાર કરવાના કેસમાં ડિઝાઇનરને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ મહિધરપુરા વિસ્તારમાં ડિઝાઇનરનું કામ કરતા યુવકે પોતાની ભૂતપૂર્વ પ્રેમિકાને બોલાવીને તેની સાથે બળાત્કાર કરી અંગતપળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ડિઝાઇનરની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ડિઝાઇનર તરફે વકીલ સમર્થ કાપડીયાએ દલીલો કરી હતી કે, બળાત્કારની તારીખથી પોલીસ ફરિયાદ સુધીના સાડા ચાર મહિનામાં ડિઝાઇનર અને યુવતી વચ્ચે વાતચીત થઇ હતી, પોલીસ ફરિયાદમાં પણ પીડિતાએ બળાત્કારનો કોઇ ઉલ્લેખ કર્યો નથી, પીડિતાએ સ્મીમેર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ માટે ના પાડી દીધી હતી. મોબાઇલમાંથી અશ્લીલ ફોટા તથા વીડિયો આવેલા છે, તેવો સ્પષ્ટ અભિપ્રાય એફએસએલના અધિકારીએ આપ્યો નથી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ડિઝાઇનરને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.