Dakshin Gujarat Main

હીરા વેપારીના લાખોના હીરા તફડાવનાર સુરતનો ચીટર રૂપિયા આવતા અહીં જલસા કરવા પહોંચી ગયો

નવસારી: (Navsari) નવસારીમાં હીરા વેપારીને છેતરી 28.34 લાખના હીરા (Diamond) લઈ ફરાર થયેલાં સુરતના એક આરોપીને ગોવાથી અને બીજા આરોપીને રાજસ્થાનથી નવસારી એલ.સી.બી. પોલીસે (Police) ઝડપી પાડી 28.34 લાખના હીરા કબજે કર્યા હતા. સાથે જ પોલીસે મુખ્ય આરોપીના 7 દિવસના રિમાંડ અને સહઆરોપીના 2 દિવસના રિમાંડ મેળવ્યા હતા. નિખીલ હીરા વેપારી પાસેથી લાખો રૂપિયાના હીરા પડાવી ગોવા (Goa) જતો રહેતો હતો. ગોવામાં જે સ્થળે વિદેશીઓ વધુ આવતા હોય છે ત્યાં જઈ રોકાતો હતો અને ત્યાં ફરતો હતો. જ્યાં ગોવામાં રાજસ્થાનના જોધપુરમાં રહેતા મોહિત સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ તેઓએ નવસારીના હીરા વેપારી સાથે છેતરપિંડી આચરી હતી.

મૂળ બનાસકાંઠા ધાનેરા તાલુકાના વાલેર ગામે અને હાલ નવસારી માણેકલાલ રોડ પ્રિયદર્શની પાર્ક સોસાયટી આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા હીરા વેપારી ભુરાભાઈ કાનાભાઈ દેસાઈ હીરાનું કારખાનું ચલાવે છે. ભુરાભાઈ નવસારી ધોબીવાડ મહાકાલી બેંકની નજીક આવેલ મહાવીર ચેમ્બર્સની બાજુમાં આવેલી ઓફિસમાં હીરા દલાલ આતીશભાઈ અને હીરા વેપારી નિખીલ પટેલને મળ્યા હતા. જ્યાં આતીશભાઈએ નિખીલને 70 થી 75 લાખના હીરા ખરીદવા છે તેમ જણાવ્યું હતું. ગત 10મીએ સવારે ભુરાભાઈ રૂ. 28,34,080ના પોલીશ્ડ હીરા લઈ આતીશભાઈની ઓફિસે ગયા હતા. જ્યાં નિખીલ બરાબર હીરા દેખાતા નથી, જેથી હું અજવાળામાં જઈ હીરા ચેક કરી લઉં તેવું જણાવી ઓફિસમાં લગાવેલા કાપડના પડદા પાછળ જઈ હીરા લઇ નાસી ગયો હતો. આ ગુનામાં પોલીસે આતીશ શાહ અને દિનેશ પાલની ધરપકડ કરી હતી. જ્યારે નિખીલ 28.34 લાખના હીરા લઈ ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે સુરત શહેરમાં હીરા વેપારીને છેતરવાના ગુનાનો આરોપી અને સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવેલા આરોપી એક એક જ હોવાથી તેનો ફોટો ભુરાભાઈને બતાવતા તેમણે ખરાઈ કરી હતી. જેના આધારે પોલીસે આરોપીઓના મોબાઈલ નંબર મેળવી એનાલીસીસ કરતા એક આરોપી ગોવા તથા એક આરોપી રાજસ્થાન ખાતે હોવાનું જણાયું હતું.

જેથી નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ગોવાના આરમબોલ બીચ ઉપરથી મુખ્ય સુત્રધાર અમરેલીના લાઠીના આસોદર ગામે અને હાલ સુરતના મોટા વરાછા મહાદેવ ચોક પાસે આનંદ વાટિકા સોસાયટીમાં રહેતા દિપક ઉર્ફે નિખીલ પટેલ ઉર્ફે અજય વાવડીયા મધુભાઈ દેવાણી (પટેલ)ને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કરી 7 દિવસના રિમાંડ મેળવ્યા હતા. રિમાંડ દરમિયાન પોલીસે પૂછપરછ કરતા રાજસ્થાન જોધપુરમાં રહેતા મોહિત ઓમપ્રકાશ સેન સાથે ગુનાને અંજામ આપી 28,34,080 રૂપિયાના 99.52 કેરેટ/સેન્ટના હીરા ગોવા ખાતે તેના ભાડાના મકાનમાં છુપાવ્યા હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે રાજસ્થાનના જોધપુર ઉમેદ હોસ્પિટલ સરકારી કવાર્ટસમાં રહેતા મોહિત ઓમપ્રકાશ સેનને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી 2 દિવસના રિમાંડ મેળવ્યા હતા. સાથે જ પોલીસે ગોવા ખાતે દીપક ઉર્ફે નીખીલ પટેલ ઉર્ફે અજય વાવડીયાના ઘરે જઈ 28,34,080 રૂપિયાના 99.52 કેરેટ-સેન્ટ હીરા કબજે કર્યા હતા.

હીરા વેપારીને ટાર્ગેટ બનાવી નિખીલે સુરત, ભાવનગરમાં ચાર ગુના કર્યા
પોલીસે ઝડપી પાડેલા દીપક ઉર્ફે નિખીલ પટેલ ઉર્ફે અજય વાવાડીયા વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ મથકે ગુનાઓ નોંધાયા હતા. જેમાં 2018માં સુરત શહેર કાપોદ્રા પોલીસ મથકે, ભાવનગર નિલમબાગ પોલીસ મથકે તેમજ 2021માં સુરત શહેર વરાછા પોલીસ મથકે ગુનાઓ નોંધાયા હતા. નિખીલ માત્ર હીરા વેપારીઓને ટાર્ગેટ કરતો હતો. તે વિવિધ નામો ધારણ કરી હીરા વેપારીઓ સાથે મુલાકાત કરતો હત. અને તે હીરા વેપારીઓને વિશ્વાસ અપાવી તેઓ પાસેથી હીરા લઈ ફરાર થઇ જતો હતો. જેથી દીપક ઉર્ફે નિખીલ પટેલ ઉર્ફે અજય વાવડીયા વિરૂદ્ધ છેતરપિંડીના 4 ગુનાઓ નોંધાયા છે.

Most Popular

To Top