સુરત: (Surat) કાપડના વેપારમાં (Trader) નુકસાની જતા દેવું ચૂકવવા માટે માસીયાઇ ભાઇના કારખાનામાંથી જ હીરા ચોરી (Diamond Theft) કરીને દેવું ભરવાનું વિચારી રૂા.24.12 લાખના હીરાની ચોરી કરનાર યુવકને ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) પકડી પાડ્યો હતો. આ યુવકે પોતાનો ચહેરો ઓળખાઇ નહીં તે માટે છત્રી (Umbrella) લઇને આવ્યો અને ચાવીથી મુખ્ય દરવાજો ખોલીને અંદરનું ડ્રોઅર કાપ્યા બાદ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
- કાપડના ધંધામાં નુકસાનીનું દેવુ ચૂકવવા 24.12 લાખના હીરાની ચોરી કરનાર માસીનો ભાઇ પકડાયો
- આરોપી ઓળખાઇ નહીં તે માટે માથા ઉપર છત્રી ઢાંકીને આવ્યો હતો
- ડુપ્લીકેટ ચાવીથી કારખાનું ખોલી ડ્રોઅરનું લોક અંદરથી કાપીને 24.12 લાખના 122 કેરેટ હીરા લઇ ગયો હતો
- વિજયને કાપડના વેપારમાં નુકસાન થતાં તે હીરાના વ્યવસાયમાં આવ્યો હતો, હીરા શીખવા માટે ભૌમિકની ઓફિસે આવતો હતો
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે મોટા વરાછા અબ્રામા રોડ અમુત રેસીડેન્સી ખાતે રહેતા ભૌમિક પરબત સોજીત્રા (ઉ.વ.૩૩) વરાછા મીનીબજાર ચોક્સી બજારમાં હીરાની ઓફિસ ધરાવે છે. બે દિવસ પહેલા તેની ઓફિસમાં કોઇ અજાણ્યો આવ્યો હતો. આ યુવક છત્રી લઇને આવ્યો હતો અને ઓફિસ ખોલીને અંદરથી ડ્રોઅર કાપી નાંખ્યું હતું, ત્યારબાદ ઓફિસમાંથી રૂા. 24.12 લાખની કિંમતના 122 કેરેટ હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બાબતે ભૌમિકભાઇએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે પોલીસે કાપોદ્રાના કાપોદ્રા રચના સર્કલ પાસેથી વિજયકુમાર મુકેશભાઇ ધડુક (રહે.લક્ષ્મીબા રો હાઉસ, સીમાડા ગામ, સુરત)ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂા.24.12 લાખના હીરા પકડી પડ્યા હતા.
પોલીસની પુછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, વિજય ફરિયાદી ભૌમિકના માસીનો પુત્ર થાય છે. ચાર મહિના પહેલા વિજયને કાપડના વેપારમાં મોટુ નુકસાન થયું હતું. ત્યારબાદ તે હીરાના વ્યવસાયમાં આવ્યો હતો અને હીરા શીખવા માટે ભૌમિકની ઓફિસે આવતો હતો. વિજય પિતરાઇ ભાઇ થતો હોવાથી ભૌમિકે કારખાનાની એક ચાવી વિજયને આપી હતી. ભૌમિકના કારખાનામાં લાખો રૂપિયાના હીરા પડ્યા હોવાથી વિજયએ દેવું ભરપાઇ કરવા માટે ભૌમિકની ઓફિસને નિશાન બનાવીને ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલીને મુખ્ય ઓફિસનું ડ્રોઅર ખોલી તેમાંથી હીરા ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી વરાછા પોલીસને સોંપવાની તજવીજ કરી હતી.