સુરત (Surat) : વરાછા, હીરા બજારમાં (Diamond Market) 1.74 કરોડનું પેમેન્ટ નહીં મળતા ડાયમંડના વેપારીઓ (Diamond Traders) દોડતા થઇ ગયા હતા. દરમિયાન દેવાદાર વેપારી દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા આ મામલો વરાછા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.
- પોણા બે કરોડનું પેમેન્ટ નહીં કરનાર પાલના હીરા વેપારીનો આપઘાતનો પ્રયાસ
- વરાછા પોલીસે એકત તરફી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી હોવની ચર્ચા
- યુવાન વેપારીએ ચાર કરોડ ચૂકવી દીધા હોવા છતાં ત્રાસ અપાતા આપઘાતનો પ્રયાસ કરાયો હોવાની વાત
રાજેશ રંગીલદાસ દમણિયા (રહે. જ્યુપીટર કેમ્પસ, રાજહંસ થિયેટરની બાજુમાં, પાલ) દ્વારા ઝેર પી લેવામાં આવતા હીરા બજારના વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હોવાની વિગત જાણવા મળી છે. આ આખા પ્રકરણમાં ચોંકાવનારી બાબત એ છે કે આપઘાતનો પ્રયાસ કરનાર રાજેશ દમણિયાએ સવા ચાર કરોડ જેટલી રકમ ચૂકવી હોવા છતા ડાયમંડના વેપારીઓ દ્વારા તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસ દ્વારા પણ આ મામલે વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવતા એક તરફી ફરિયાદ કરાઇ હોવાની ચર્ચા છેડાઇ છે.
આ મામલે પોલીસ ફરિયાદમાં જે વિગત જણાવવામાં આવી છે તેમાં મનીષ બાબુ ઝડફીયા જે શ્યામ ડીયામ નામથી હીરાનો વેપાર કરે છે અને તે યમુના ચોક, મોટા વરાછા, રીવર પેલેસ -2 મુકામે રહે છે. તેમના દલાલ નિલેશ વઘાસિયાએ રાજેશ દમણિયા સાથે પરિચય કરાવ્યો હતો. રાજેશે સમયસર પેમેન્ટ આપવાનુ જણાવીને 112 કેરેટ હીલા લીધા હતા. જેની કિંમત 40.56 લાખ જેટલી થાય છે.
દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે રાજેશે મનીષ ઝડફીયાએ આ ઉપરાંત અન્ય હીરા વેપારી પાર્થ વિનુભાઇ રૈયાણી પાસેથી 110.85 કેરેટના રૂ. 49.88 લાખ હીરા, પરેશ બાબુ ગાબાણી પાસેથી 18 કેરેટના રૂ. 6.43 લાખના હીરા, અંકિત નારણ કુકડીયા અને હિતેશ મનજી માવાણી પાસેથી 372.91 કેરેટના 1.30 કરોડના હીરા લીધા હતા. જે પૈકી અંકિત કુકડીયા અને હિતેશ માવાણીને રોકડા રૂ. 3.76 લાખનું પેમેન્ટ અને રાજેશે પોતાનો રહેણાંક ફ્લેટ રૂ. 40 લાખના ભાવે અંકિત કુકડિયા નામે વેચાણ આપ્યો હતો. જયારે બાકી મનીષ ઝડફીયા સહિત અન્ય તમામ વેપારીઓને રૂ. 1.74 કરોડનું પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હતો.