સુરત (Surat) : પૂણામાં હીરાનું (Diamond) કારખાનુ ચલાવતા વેપારી (Trader) પાસેથી 15 દિવસ પહેલા હીરા લઇ ગયેલા બે યુવકો ફરીવાર આવ્યા હતા, બંનેએ ઉધારીમાં હીરાની માંગણી કરી હતી, પરંતુ વેપારીએ ના પાડતા બંનેએ ચપ્પુ વડે હુમલો (Attack) કરીને ત્રણ પોલિશ્ડ હીરા તેમજ રોકડા રૂા. 45 હજાર લઇને રિક્ષામાં ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પૂણા પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- 15 દિવસ પહેલા જ હિરા લઇ ગયેલા બે યુવકો ચપ્પુ લઇને આવ્યા અને 45 હજાર લૂંટી ભાગી ગયા
- બંને યુવકોએ ઉધારીમાં હિરા માંગ્યા, પંરતુ વેપારીએ નહીં આપતા તેની ઉપર ચપ્પુથી હુમલો કર્યો
- બંને યુવકોએ રીન્કુ પ્રકારના હીરા જોવા માંગ્યા ને બાદમાં ચપ્પુથી હુમલો કરી ફરાર થઇ ગયા
પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલી જિલ્લાના વતની અને સુરતમાં સારોલીના ન્યુ સારોલી નગરીમાં રહેતા વિજયભાઇ અરજણભાઇ મોર પૂણાના સીતાનગર પાસે હીરાનું કારખાનું ચલાવે છે. 15 દિવસ પહેલા બે યુવકો તેમની પાસે આવ્યા હતા અને રૂા.2000ની કિંમતના રીંન્કુ પ્રકારના પોલિશ્ડ હીરા લઇ ગયા હતા. મંગળવારે બપોરના સમયે વિજયભાઇ કારખાને હતા ત્યારે આ બંને યુવકો ફરીવાર આવ્યા હતા.
તેઓએ રીન્કુ પોલિશ્ડ હીરા માંગ્યા હતા. વિજયભાઇએ એક પેકેટમાંથી ત્રણ હીરા તેઓને બતાવ્યા હતા. બંને અજાણ્યાએ ઉધારીમાં હીરા આપવાનું કહ્યું હતું પરંતુ વિજયભાઇએ હીરા આપવાની ના પાડી દીધી હતી. આ વાતને લઇ બંને ઉશ્કેરાયા હતા. બંને પૈકી એક યુવકે વિજયને ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. વિજયભાઇએ ચપ્પુ પકડવા જતા તેઓને બંને હાથમાં ઇજા થઇ હતી. આ વાતનો લાભ લઇને અજાણ્યાએ વિજયભાઇના ગળા તેમજ પેટના ભાગે પણ ચપ્પુથી હુમલો કર્યો હતો અને તેમના ડ્રોઅરમાંથી રૂા.45 હજાર રોકડા લઇને ફરાર થઇ ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં વિજયભાઇ બંનેને પકડવા માટે બહાર આવ્યા હતા. ત્યારે આ બંને જણા નંબરપ્લેટ વગરની રિક્ષામાં ભાગી ગયા હતા. વિજયભાઇએ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઇને 45 હજાર રોકડા તેમજ રીન્કુ પોલિશ્ડ હીરા સહિતની લૂંટની ફરિયાદ આપતા પૂણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.