સુરત: (Surat) રફ ડાયમંડ (Diamond) ઇમ્પોર્ટર 600 કંપનીઓના 3000 કરોડના બિલ ઓફ એન્ટ્રી પ્રકરણમાં હીરા આયાતકારોને (Importer) રાહત મળવાના સંકેત મળ્યા છે. આઈડીપીએમએસ (ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ એન્ડ મોનિટરીંગ સિસ્ટમ) કંપની અને રિઝર્વ બેન્કની એક બેઠકમાં આ સમસ્યાના ઉકેલ લાવવા માટે બે પદ્ધતિ પર ચર્ચા કરવામાં આવી છે, જે પૈકી કોઈ એક સિસ્ટમની મદદથી હીરાના પેમેન્ટ (Payment) રિલીઝ કરવા બેન્કોને ટૂંક સમયમાં સૂચન કરવામાં આવશે.
રફ હીરાની ખરીદી વિદેશી કંપની અથવા ખાણ કંપનીઓ પાસેથી કરવામાં આવતી હોય છે, જેનું પેમેન્ટ બેન્કિંગ સિસ્ટમથી સુરત,મુંબઇ સહિત દેશના આયાતકારો બેન્કિંગ સિસ્ટમથી કરે છે. કસ્ટમમાંથી આયાતી હીરા મુક્ત થતી વેળા બિલ ઓફ એન્ટ્રી જનરેટ થાય છે જે કસ્ટમ, ડીજીએફટી સહિત 7 એજન્સીઓ પાસેથી પસાર થઈ છેલ્લે રિઝર્વ બેન્કના પોર્ટલ પર અપલોડ થાય છે, જે એન્ટ્રી રફ ઇમ્પોર્ટરની બેન્કના અધિકારીઓ જોયા પછી જ વિદેશી કંપનીઓને પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે.3 જૂનથી 3 જુલાઈ દરમિયાન કરોડોની કિંમતના 3 હજાર હીરાના પાર્સલની બિલ ઓફ એન્ટ્રી રિઝર્વ બેન્કની પોર્ટલ પર અપલોડ થઇ ન હતી.
તેને લીધે કંપનીઓને પોતાની શાખ બગડવા સાથે લેટ પેમેન્ટનું વ્યાજ ભરવાનો વારો આવ્યો હતો. 100 કરોડથી વધુનું વ્યાજ આયાતકારોના માથે ચઢ્યું હતું. તેના ઉકેલ માટે જીજેઈપીસીએ કોમર્સ સેક્રેટરીને રજૂઆત કરતા આખરે ડેટા મેનેજ કરતી સંસ્થા આઈડીપીએમએસ અને રિઝર્વ બેન્કના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જીજેઈપીસીના રિજિનલ ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, રિઝર્વ બેન્કના અધિકારીઓએ આઈડીપીએમએસના અધિકારીઓને ટેક્નિકલ સમસ્યાનો ઉકેલ લાવી રફ ઇમ્પોર્ટરનું પેમેન્ટ રિલીઝ કરવા સૂચના આપી દીધી છે. આગામી બે-ત્રણ દિવસમાં 3000 કરોડથી 10 હજાર કરોડનું પેમેન્ટ ક્લિયર થાય તેવી આશા છે.
સીજીએસટી વિભાગે વિશાલ ગાંધીની ધરપકડ કરીને 11 કરોડના બિલિંગ કેસનો પર્દાફાશ કર્યો
સુરત:સેન્ટ્રલ જીએસટી વિભાગે ગઈકાલે સુરતમાં 13 સ્થળો પર દરોડા પાડીને 41 કરોડ રૂપિયાથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચોરી શોધી કાઢી હતી. આ કેસમાં બે બોગસ પેઢી ઉભી કરી ક્રેડિટ ઉસેટી લેનાર વિશાલ ગાંધી નામના એક કૌભાંડીની ધરપકડ કરવામાં આવી છે. અને તેને કોર્ટે જેલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. બોગસ બીલિંગ કૌભાંડમાં હવે વિભાગ આ નકલી કંપનીઓ પાસેથી બીલ ખરીદનારાઓ સામે કાર્યવાહી કરશે. પ્રાથમિક તપાસમાં વિભાગે 100 થી વધુ કાપડના વેપારીઓ અને બિલ્ડરોના નામ શોધી કાઢયા છે. આગામી દિવસોમાં વિભાગ તેમને સમન્સ મોકલી પૂછપરછ કરશે. હાલમાં, વિભાગે તેમની ક્રેડિટ બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સીજીએસટી વિભાગે કૌભાંડના ઓપરેટર વિશાલ ગાંધીની ધરપકડ કરીને 11 કરોડના બિલિંગ કેસનો પર્દાફાશ કર્યો છે. હવે વિભાગે આ બનાવટી કંપનીઓ પાસેથી બોગસ બીલ ખરીદનારાઓની શોધ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં 100 કાપડ વેપારીઓ, યાર્ન વેપારીઓ અને બિલ્ડરોના નામ સામે આવ્યા છે. વિભાગે તેમના ખાતા બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ બધાને નોટિસ આપ્યા બાદ બોલાવવામાં આવશે,તે પછી ટેક્સ રિકવરીની કાર્યવાહી કરવામાં આવશે