સુરત(Surat) : રશિયા અને યુક્રેન (RussiaUkraineWar) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો આખી દુનિયાને જોવા મળી રહી છે. તેનાથી સુરત પણ બાકાત નથી. સુરતના કેમિકલ ઉદ્યોગની (Chemical Industry) સાથે-સાથે હીરા ઉદ્યોગ (Diamond Industry) પર પણ તેની અસરો જોવા મળી રહી છે. રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે અમેરિકાએ (America) રશિયાના હીરા પર પ્રતિબંધ (Ban) મુક્યો છે. તેના કારણે સુરતના હીરા ઉદ્યોગ માટે રફ હીરા મેળવવામાં અને તેના વેચાણમાં સમસ્યાઓ થઈ રહી છે.
- સુરતના હીરા ઉદ્યોગમાં સમસ્યા વધવાની સંભાવના
- રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે રફ હીરા મળવામાં આમેય મુશ્કેલી હતી તેમાં યુદ્ધ લંબાઈ જતા તકલીફ વધી ગઈ
- હીરા ઉદ્યોગકારો યુદ્ધ પતે તેની રાહ જોતાં હતા તેવામાં હવે યુક્રેનની અપીલને પગલે નવા પ્રશ્નો ઊભા થવાની શક્યતા
યુદ્ધ વહેલામાં વહેલી તકે થાળે પડે તેની સુરત-મુંબઈના વેપારીઓ રાહ જોઈ રહ્યા હતા. યુદ્ધ થાળે પડવાના હાલ કોઈ લક્ષણ દેખાતા નથી તેવામાં યુક્રેને અમેરિકા-યુરોપ સહિતના દેશોને રશિયાના પાસેથી હીરા નહીં ખરીદવા માટે અપીલ કરી છે. જો વિશ્વના દેશો યુક્રેનની વિનંતી માને તો રશિયાના હીરા કોઈ ખરીદશે નહીં તેની સીધી અસર સુરત-મુંબઈના હીરા ઉદ્યોગ પર પડશે તેના કારણે વેપારીઓ ચિંતીત છે.
સુરતના હીરા ઉદ્યોગના સાથે સંકળાયેલાઓ પાસેળી મળતી માહિતી અનુસાર સુરતના હીરા ઉદ્યોગમાં રશિયાની અલરોઝા માઈન્સમાંથી મોટા પાયે રફ હીરા મંગાવામાં આવે છે. અમેરીકાએ રશિયાની માઈન્સમાંથી ઉત્પાદીત હીરા પર પ્રતિબંધ મુકતા હીરા ઉદ્યોગકારોને અન્ય દેશ તેમજ માધ્યમોથી હીરાની વ્યવસાય કરવો પડી રહ્યો છે. તેવામાં અમેરીકાએ પોતાને ત્યાં રશિયાના હીરા ખરીદવા માટે પ્રતિબંધ મુકતા સુરતના ઉદ્યોગકારોને હીરા વેચાણ કરવામાં પણ સમસ્યા સર્જાઈ રહી છે.
વેપારી સૂત્રોએ કહ્યું કે, જો યુક્રેનની વિનંતીને માન આપીને અમેરિકા અને યુરોપીયન દેશો રશિયાની રફમાંથી પોલિશ્ડ થયેલા હીરા ખરીદવાનું બંધ કરશે તો સુરતના હીરા ઉદ્યોગકારોને ખૂબ મોટો ફટકો પડશે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાંથી જ ભારતમાં રશિયાની ખાણોમાંથી નીકળેલી રફનો મોટો જથ્થો હતો. આ હીરા પોલિશ્ડ થયા બાદ યુરોપીન માર્કેટમાં વેચાવા માટે તૈયાર છે. જો અમેરિકા બાદ યુરોપીયન દેશો પ્રતિબંધ મુકશે તો સુરત-મુંબઈના હીરાના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે.