SURAT

સુરતમાં માત્ર 7 દિવસમાં 249 પરિવારે રત્નકલાકારનાં મૃત્યુ કોરોનાથી થયા હોવાની રજૂઆત કરી

સુરત: કોરોના (Corona)ની પ્રથમ અને બીજી લહેર (first & second wave)માં હીરા ઉદ્યોગ (diamond industry) સાથે સંકળાયેલા રત્નકલાકારો (diamond worker) અને હીરાદલાલોના પરિવારોને વ્યાપક અસર થઇ છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સુરતમાં સમગ્ર કોરોનાકાળ દરમિયાન કેટલા હીરા વેપારી, હીરા દલાલ અને રત્નકલાકારોનાં કોરોનાથી મૃત્યુ (death) થયાં તેની સરવેરૂપી અપીલ બહાર પાડવામાં આવી હતી.

આ અપીલમાં માત્ર 7 દિવસમાં 249 પરિવારે તેમનાં ઘરના મોભી એવા રત્નકલાકારનાં મૃત્યુ કોરોનાથી થયા હોવાની પુરાવાઓ સાથે રજૂઆત કરી છે. એવી જ રીતે 21 હીરાદલાલના પરિવારોએ પણ આ પ્રકારની રજૂઆત ડાયમંડ એસો.ને કરી છે. એટલે કે, 7 દિવસમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 270 લોકોનાં મોત સુરતમાં કોરોના સંક્રમણને લીધે થયા હોવાની આરટીપીસીઆર ટેસ્ટ સાથેની વિગતો લોકોએ રજૂ કરી છે. જો કે, હીરા ઉદ્યોગના જાણકારો કહે છે કે, ડાયમંડ એસો.ની અપીલ હજી તમામ રત્નકલાકારો અને હીરા વેપારી તથા દલાલો સુધી પહોંચી નથી. જો આ માહિતી યોગ્ય ફોરમથી મોકલવામાં આવે તો મૃત્યુ આંક વધી શકે છે. ઘણા રત્નકલાકારો અને દલાલના પરિવારો વતને પલાયન કરી ગયા છે. તે પરિવારોની માહિતી હજી મળી શકી નથી.

હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને જેમનાં કોરોનાથી મૃત્યુ થયા હોય તેમના પરિવારને જ્વેલરી જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે. કોરોનાથી હીરા ઉદ્યૌગ સાથે સંકળાયેલા અનેક લોકોનાં મૃત્યુ થયાં છે. જેનાથી અનેક પરિવારો નોંધારા થયા છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને મદદ કરવા માટે જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફંડ દ્વારા તેમને આર્થિક રીતે મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરતમાં સરવે માટે ડાયમંડ એસોસિએશનને કહેવામાં આવ્યું હતું. સુરતમાં વસતા અને હીરા વ્યવસાય સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ જેમ કે રત્નકલાકાર, મેનેજર, દલાલ, નોકરી કરતા હોય તેવી કોઈપણ જ્ઞાતિના વ્યક્તિનું કોરોનાથી અવસાન થયું હોય અને મૃત્યુ થનાર વ્યક્તિના પરિવારમાં કોઈપણ વ્યક્તિ કમાવાવાળું ન હોય તો તેવા પરિવારને મદદ કરવામાં આવશે.

સરવેની કામગીરી ચાલી રહી છે: દામજી માવાણી

ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે, ‘હાલ સુરત દ્વારા સરવેની કામગીરી ચાલી રહી છે. સુરતમાં 270 રત્નકલાકારનાં મૃત્યુ થયાં છે. જેમની યાદી તૈયાર કરી મુંબઈ મોકલવામાં આવશે. ત્યાર બાદ નક્કી કરાશે કોને કેટલી સહાય કરવાની છે. ’

Most Popular

To Top