ગાંધીનગર: (Gandhinagar) આયકરના ગુપ્તચર તંત્રએ સુરતમાં (Surat) હીરાની (Diamond) લે-વેચ કરતી પેઢી સામે દરોડાની કાર્યવાહી હાથ ધરીને અંદાજિત 2742 કરોડના હીરાના વેચણાના સોદા શોધી કાઢ્યા છે. સુરત – નવસારી મોરબી – વાંકાનેર અને મુંબઈમાં આયકર દરોડાની (Income Tax Department Raid) કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત મોરબીમાં આ જ ગ્રુપની ટાઈલ્સની ફેકટરી સામે પણ દરોડાની કાયવાહી હાથ ધરાઈ હતી, જેમાં 81 કરોડની બિન હિસાબી આવક શોધી કાઢવામાં આવી હતી.
- સુરત – નવસારી મોરબી – વાંકાનેર અને મુંબઈમાં આયકર વિભાગના દરોડા
- મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા
- મોરબીમાં 81 કરોડની બિન હિસાબી આવક શોધી કાઢવામાં આવી હતી
આયકરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે દરોડાની કાર્યવાહી દરમ્યાન મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. આ ઉપરાંત ડિજીટલ ડેટા પણ જપ્ત કરાયો છે. આયકર તપાસ દરમ્યાન 518 કરોડના હીરાના લે વેચના દસ્તાવોજો મળી આવ્યા છે. આ ઉપરાંત ગ્રુપ દ્વારા હીરાની રફ વેચીને 95 કરોડની આવક ઊભી કરી દીધી છે. જ્યારે આ પેઢી દ્વારા 2742 કરોડના હીરાનું વેચાણ દર્શાવવામાં આવ્યું છે. આ કિસ્સામાં પેઢી દ્વારા હીરાની ખરીદી રોકડમાં દર્શાવવામાં આવી છે. જો કે તે ખાલી બિલીંગ એન્ટ્રી પડાવવા માટે બિલો મેળવવામાં આવ્યા છે. ખાસ કરીને આ પેઢી દ્વારા વિદેશથી રફ આયાત કરીને તેમની હોંગકોંગની ઓફિસ દ્વારા પોલીશ્ડ હીરાનું વેચાણ દર્શાવવામાં આવ્યું છે. જો કે હોંગકોંગનો કારોબાર પણ સુરતમાંથી ચલાવવામાં આવે છે. આ બાબતે તપાસ કરતાં પેઢીએ 189 કરોડની આયાત બતાવી છે. જ્યારે તેની સામે પોલીશ્ડ હીરાનું 1040 કરોડનું વેચાણ કર્યુ છે.
મોરબીમાં આ જ ગ્રુપની ટાઈલ્સની ફેક્ટરીની 81 કરોડની બિન હિસાબી આવક શોધી કાઢવામાં આવી
હીરાની પેઢીનું રિયલ એસ્ટેટમાં પણ રોકાણ હોવાનું બહાર આવ્યું છે. જેમાં 80 કરોડની બિન હિસાબી આવક પેઢીએ મેળવી છે. આ પેઢીની મોરબીમાં આવેલી ટાઈલ્સ ફેક્ટરીના વ્યવહારો તપાસ કરતાં તેમાંથી 81 કરોડની બિન હિસાબી આવક શોધી કાઢવામાં આવી છે. હીરાની પેઢીના સંચાલકોની 1.95 કરોડની જવેલરી જપ્ત કરાઈ છે. 10.89 કરડોના 8900 કેરેટના હીરાનો જથ્થો જપ્ત કરાયો છે.