સુરત: મૂળ ભાવનગરના હીરા ઉદ્યોગકાર બેલડી સુરેશ લાખાણી (ભોજપરા) અને દિનેશ લાખાણીની કંપની મારુતિ ઇમ્પેક્સના મુખ્ય કર્તાહર્તા સુરેશ લાખાણીને બ્રેઈન સ્ટોક આવતાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગારિયાધાર, લાઠી, મહુવા અને સુરત સહિત કંપનીના જોબવર્ક સહિતનાં તમામ 100 નાનાં-મોટાં ખાતાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં 15,000 રત્નકલાકારની રોજીરોટી જોખમમાં મુકાઇ છે.
- મારુતિ ઈમ્પેક્સના કર્તાહર્તા સુરેશ લાખાણીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો
- હીરાની અગ્રણી પેઢીના 100 જેટલા નાના-મોટા ખાતાં 4 મહિના બંધ રાખવાનો નિર્ણય
- સુરેશ લાખાણીને પેરાલિસિસ ઈફેક્ટની સારવાર માટે મુંબઈની અંબાણી હોસ્પિટલમાં દાખલ
કંપની વતી મેનેજરનો એક ઓડિયો બુધવારે વાયરલ થતાં મારુતિ ઇમ્પેક્સના કારીગરોમાં ફફડાટ ફેલાયો છે. કંપનીના મેનેજરે 4 મહિના તમામ કારખાનાં બંધ રહેશે, જેમને જ્યાં કામ મળે ત્યાં બેસી જવું, રાહ એ ન જોવી એવો ઓડિયો મેસેજ રત્નકલાકારોને મોકલ્યો હતો.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતને માહિતી મળતાં સુરેશ લાખાણી (ભોજપરા)નો સંપર્ક કરવા પ્રયાસ કરતાં તેમના ભાઈ દિનેશ લાખાણીએ સુરેશભાઈને બ્રેઈન સ્ટોક આવ્યો છે, તેઓ કંપનીનો સંપૂર્ણ ઇન્ટરનેશનલ વેપાર અને સ્થાનિક વેપાર જોતા હતા. સંપૂર્ણ માર્કેટિંગ તેઓ જોતા હોવાથી ફાયનાશિયલ બાબતોને લઈ 4 મહિના ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેનેજમેન્ટ સ્ટાફ રાખ્યો ન હોવાથી આ સ્થિતિ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જાણકારો કહે છે કે, વિદેશમાં રફની ખરીદી અને તૈયાર હીરાનું વેચાણ કામકાજ તેઓ જાતે જોતા હતા. માત્ર ડાયમંડ એસોટિંગ માટે તેમણે ટેક્નિકલ સ્ટાફ રાખ્યો હતો. સુરેશ લાખાણી (ભોજપરા)ને બ્રેઈન સ્ટોક આવતાં મુંબઈમાં રહેતા તેમના પરિવારનાં સભ્યો કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને બ્રેઈન સ્ટોકને લીધે પેરાલિસિસ ઇફેક્ટ થઈ હોવાનું નિદાન થયું હતું.
મારુતિ ઇમ્પેક્સ નેચરલ ડાયમંડના વેપારમાં મોટી કંપની ગણાય છે. વિશ્વના જાણીતા દેશોમાં કંપની ઓફિસ ધરાવે છે. તેઓ સુરતના કતારગામ વસ્તાદેવડી રોડ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે.
સુરેશ લાખાણી 100 જેટલાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે
મારુતિ ઇમ્પેક્સના માલિક સુરેશ લાખાણી સૌરાષ્ટ્ર અને સુરત મળી 100 જેટલાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે. દિવાળી પછી તેઓ કેશોદમાં યુનિટ શરૂ કરવા આયોજન કરી રહ્યા હતા. તેઓ ભાવનગર, બોટાદ, અમરેલી, ગારિયાધાર, લાઠી, લીલીયા, વલભીપુર, મહુવા, સુરતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ, મુંબઈ BKC ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસ ઉપરાંત 5 દેશમાં ઓફિસ ધરાવે છે.
સુરેશ લાખાણીએ ભાવનગરમાં યોજેલા સમૂહલગ્ન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન બન્યા હતા
સુરેશ લાખાણીની છબી રોબિન હૂડ જેવી હતી. તેઓ સમાજમાં દાતા તરીકે પણ જાણીતા છે. ભાવનગરમાં યોજેલા 500 યુગલના સમૂહલગ્ન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન બન્યા હતા. તેઓ આગામી લગ્ન સમારોહમાં 1000 યુગલ માટે આયોજન કરી રહ્યા હતા, પણ બ્રેઈન સ્ટોકને લીધે પેરાલિસિસનો ભોગ બનતાં એ આયોજન હાલ અટકી પડ્યું છે.