સુરત(Surat) : સામાન્ય રીતે કોઈ પણ ચીજવસ્તુ પર ટેક્સ વધારવામાં આવે તો લોકો અને વેપારીઓ દુ:ખી થઈ જાય છે. વેપારીઓ સરકારને ટેક્સ ઘટાડવા માટે વિનંતીઓ કરે છે. મોંઘવારી વધી જવાના ડરથી સામાન્ય નાગરિકો પણ અકળામણ અનુભવે છે ત્યારે તાજેતરમાં સુરતમાં વિચિત્ર દ્રશ્યો જોવા મળ્યા. કેન્દ્ર સરકારે ડાયમંડ પર જીએસટીના દરમાં વધારો કરતા સુરતના હીરા ઉદ્યોગકારો દુ:ખી થવાના બદલે ખુશ થયા છે.
સ્થાનિક હીરા ઉદ્યોગે (Diamond Industry) કેન્દ્ર સરકાર પાસે છેલ્લા બે વર્ષથી માંગ કરી હતી કે કટ અને પોલિશ્ડ ડાયમંડ (Cut And Polished Diamond) પરનો જીએસટીનો (GST) દર વધારવામાં આવે. કટ અને પોલિશ્ડ ડાયમન્ડ પર જીએસટીનો દર ઓછો હોવાથી તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય સેક્ટર પર જીએસટીનો દર વધુ હોવાથી મેળ બેસતો ન હતો તેથી કેપિટલ બ્લોક (Capital Block) થતી હતી. દર વધવાથી કેપિટલ ઓછી બ્લોક થશે. કટ અને પોલિશ્ડ ડાયમન્ડ પર જીએસટીનો દર વધતા ડાયમન્ડ ઉદ્યોગકારોમાં ખુશી ફેલાઈ છે. પહેલા જીએસટી દર 0.25 ટકા હતી તે વધારીને 1.50 કરવામાં આવી છે.
- 0.25 ટકાની જીએસટી વધારવા માટે અગાઉ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બે વર્ષથી માંગણી કરવામાં આવી રહી હતી
- જીએસટીના ઓછા દરને કારણે હીરા ઉદ્યોગકારોના આશરે 2500થી 3000 કરોડની કેપિટલ બ્લોક થઈ ગઈ છે
- હવે કેપિટલ બ્લોક ઓછી થશે: દિનેશ નાવડીયા
જીજેઇપીસીના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે, જ્યારથી જીએસટી લાગુ થઈ ત્યારથી કટ અને પોલિશ્ડ ડાયમન્ડ પર 0.25 જીએસટી હતી. જ્યારે તેની સાથે સંકળાયેલા અન્ય સેગમેન્ટ પર 5 ટકાથી લઈને 18 ટકા સુધી જીએસટીનો દર હતો. તેના કારણે મેળ બેસતો ન હોવાથી કેપિટલ બ્લોક થઈ જતી હતી. જ્યારથી જીએસટી લાગુ થયું છે ત્યારથી અત્યાર સુધી સુરતના ડાયમન્ડ ઉદ્યોગકારોના આશરે 2500 થી 3000 કરોડ રૂપિયાની કેપિટલ બ્લોક થઈ છે. તેનાથી અંતે ઉદ્યોગકારોને નુકસાન જતું હતું.
તેને ધ્યાનમાં લઈને સુરતના ડાયમન્ડ ઉદ્યોગકારો છેલ્લા બે વર્ષથી કેન્દ્ર સરકાર પાસે માંગણી કરતા હતા કે કટ અને પોલિશ્ડ ડાયમન્ડ પર જીએસટીનો દર વધારવામાં આવે. વારંવારની માંગણી હવે રંગ લાવી છે. આખરે કેન્દ્ર સરકારે આજ રોજ સુરતના ડાયમન્ડ ઉદ્યોગકારોની માંગણી સ્વીકારી છે અને કટ તથા પોલિશ્ડ ડાયમન્ડ પર જીએસટીનો દર 0.25 ટકાથી વધારીને 1.50 કરવામાં આવ્યો છે. તેનાથી એ ફાયદો થશે કે હવે સુરતના ઉદ્યોગકારોની કેપિટલ ઓછી બ્લોક થશે.