સુરત(Surat): જંગલી હિંસક પશુઓ હવે માનવવસ્તી સુધી ધસી આવ્યા છે. ડાંગ (Dang) અને નવસારી નજીકના (Navsari) જંગલોમાં (Forest) દેખાતો દીપડો (Panther) હવે છેક સુરત શહેર સુધી પહોંચી ગયો છે. શુક્રવારે વહેલી સવારે સુરતના ડાયમંડ બુર્સની (Surat Diamond Burse ) પાસે એક જંગલી દીપડો (leopard) જોવા મળ્યો છે. વહેલી સવારે આ દીપડો સુરત ડાયમંડ બુર્સની બાજુમાં આવેલા ખજોદ (Khajod) ગામના બ્રાહ્મણ ફળિયામાં ફરતો દેખાયો છે. સવારે 5.30 વાગ્યાના અરસામાં દીપડો બ્રાહ્મણ ફળિયાના એક મકાન નજીક કારની પાછળ શિકાર શોધતો નજરે પડે છે. આ વીડિયો (Video) સામે આવતા જ ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે. તાત્કાલિક ગ્રામજનોએ ભેગા થઈ હથિયારો લઈ ગામ પાછળના ખેતરોમાં દીપડાની શોધ ચલાવી હતી, પરંતુ તે મળ્યો નહોતો. ખેતરોમાં ઠેરઠેર દીપડાનાં પંજાના નિશાન જોવા મળ્યા હતા. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા પાંજરું મૂકવાની દિશામાં તજવીજ શરૂ કરાઈ હતી.
સામાન્ય રીતે દીપડો ડાંગ, નવસારીના અંતરિયાળ જંગલોમાં જોવા મળતો હોય છે. ડાંગ, ચીખલી, મહુવાના જંગલોમાંથી ક્યારેક દીપડા માનવ વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં વિચરતા જોવા મળે છે. ક્યારેક કૂતરા, ગાય જેવા પશુના શિકાર પણ ગામડાંઓમાં દીપડા કરતા હોય છે, પરંતુ જંગલથી દૂર સુરત શહેરમાં પણ હવે દીપડા દેખાતા હોય લોકો ગભરાઈ ગયા છે. થોડા દિવસ પહેલાં હજીરા પાસે દીપડો જોવા મળ્યા બાદ હવે સુરતના ખજોદ ગામમાં દીપડો જોવા મળ્યો છે.
શુક્રવારે વહેલી સવારે 5.30 કલાકે ખજોદ ગામના બાણફળિયામાં દીપડો જોવા મળ્યો છે. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ખજોદના ગ્રામજનોએ વનવિભાગને આ અંગે જાણ કરી છે. ગામના સાંઈ યુવક મંડળ ટ્રસ્ટના આગેવાનો પ્રકાશ પટેલ, પ્રકાશ કોન્ટ્રાક્ટર અને યશવંત પટેલે લેખિતમાં પ્રાદેશિક વન અધિકારીને ગામમાં પાંજરું મુકવા વિનંતી કરી છે.
આગેવાનોએ રજૂઆત કરી છે કે બાણફળિયામાં માનવવસ્તી નજીક દીપડાની અવરજવર દેખાય છે. ખેતરમાંથી દીપડો પશુ કે પક્ષીના શિકાર સાથે છલાંગ લગાવી ખેતરોમાં જવા માટે રસ્તાનો ઉપયોગ કરતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. શુક્રવારે સવારે દીપડાને ગ્રામજનોએ નજરે જોયો છે. તપાસ કરતા દીપડાના ખેતરમાં પગલાં પણ દેખાયા છે. આ ઘટનાને પગલે ગ્રામજનો ગભરાઈ ગયા છે. તેથી તાત્કાલિક ગામમાં પાંજરું મુકી દીપડાને પકડી લેવા વિનંતી કરાઈ છે.
બુર્સની બાજુમાં દીપડાની હલચલથી હીરા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો
સુરતના હીરાઉદ્યોગકારોનો અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સ ખજોદ-સરસાણામાં જ આવેલો છે. અહીં ગુજરાત સરકાર ડ્રીમ સિટી માટે જમીન ફાળવી છે, તેમાં જ સુરત ડાયમંડ બુર્સ સાકાર થયું છે. પેન્ટાગોન કરતા વિશાળ સુરત ડાયમંડ બુર્સને ટૂંક સમયમાં ખુલ્લું મુકવામાં આવનાર છે. અહીં હાલમાં પણ રોજ સૈંકડો મજદૂરો કામ કરતા હોય છે. હીરા ઉદ્યોગકારોએ ઓફિસોમાં ફર્નિચરનું કામ શરૂ કરી દીધું છે, ત્યારે બુર્સથી 1 કિલોમીટર દૂર ખજોદ ગામના બાણફળિયામાં દીપડો દેખાતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વળી, બાણ ફળિયા અને ડાયમંડ બુર્સ વચ્ચે માત્ર ખેતરો છે. જ્યાં ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સના મજદૂરો રહેતા હોય છે. જણાવી દઈએ કે સુરત ડાયમંડ બુર્સ થી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે આભવા અને ખજોદ ગામના ખેતરો છે, અહીં દીપડો દેખાયો તે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. અહીંથી સુરત શહેરના વેસુ તરફ દીપડો આવે તેવી દહેશત પણ રહેલી છે.