સુરત: આવતીકાલે રવિવારે તા. 17 ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું (SDB) સુરતમાં ઉદ્દઘાટન કરવાના છે તે પહેલાં સુરતમાં યોજાયેલા એક જ્વેલરી એક્ઝિબિશનમાં કિંમતી ધાતુઓમાંથી બનાવાયેલી સુરત ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ (SDB Replica) રજૂ કરાઈ હતી, જેને જ્વેલર્સ અને મુલાકાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું હતું.
વૈશ્વિક ફલક પર સુરતનો ઝળહળાટ વધારનાર સુરત ડાયમંડ બુર્સને લઈને વિશ્વભરમાં ઉત્સાહ છે. પેન્ટાગોન કરતાં મોટા કોમર્શિયલ બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. આ પ્રસંગે દેશ વિદેશના 30,000 મહેમાનો હાજરી આપવાના છે. સુરતને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે ત્યારે આ અગાઉ સુરતના સરસાણા ખાતે યોજાયેલા એક જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ડાયમંડ બુર્સની હીરા, સોના અને ચાંદી વડે બનેલી આબેહૂબ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની છે.
શહેરના એક ઝવેરાત ઉત્પાદકે સોના, ચાંદી અને હીરાના ઉપયોગથી બે કિલોની સુરત ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવી છે. આ પ્રતિકૃતિ બનાવનાર ઝવેરી જતીન કાકડિયાએ કહ્યું કે, ‘સુરત ડાયમંડ બુર્સ એક આઈકોનિક બિલ્ડિંગ છે. તેના લીધે સુરત, ગુજરાત સહિત સમગ્ર દેશનું નામ વૈશ્વિક નકશા પર ઝળહળ્યું છે. જેથી આ પ્રતિકૃતિ બનાવી છે.
7 રાજ્યોના કારીગરોએ ભેગા મળી 60 દિવસમાં પ્રતિકૃતિ તૈયાર કરી
કાકડીયાએ વધુમાં કહ્યું કે આ પ્રતિકૃતિ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપે છે. આ પ્રતિકૃતિ ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને તૈયાર કરી છે. પ્રતિકૃતિમાં બુર્સ જેવો રંગે ઢોળવા કોપર, ઝિંક અને એલોઈ સહિત 5 ધાતુનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે. જ્યારે 102 કેરેટના 6,886 હીરા છે.
પંચધાતુમાંથી પ્રતિકૃતિ બનાવાઈ છે
પ્રતિકૃતિ બનાવનાર ઝવેરી કાકડીયાએ કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના હોવાની જાહેરાત થયા બાદ આ પ્રતિકૃતિ બનાવવાનું નક્કી કરાયું હતું. આ પ્રતિકૃતિ પંચ ધાતુમાંથી બનાવાઈ છે.