સુરત: સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) આવનારા સમયમાં દુનિયાની નવમી અજાયબી બનશે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil) સુરત ડાયમંડ બુર્સના સંચાલકો સાથે બેઠક યોજી ઔપચારિક મુલાકાત બાદ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મેટ્રો રેલ પ્રોજેક્ટ સહિત અનેક વિકાસનાં કામો આદરણીય પ્રધાનમંત્રીના કારણે શક્ય બન્યા છે. વિશ્વમાં અમેરિકાના પેંટાગોનમાં જ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે. હવે સુરત ડાયમંડ બુર્સ આવનારા સમયમાં દુનિયાની (World) નવમી અજાયબી બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને નિર્માણ કાર્યનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. સુરત સહિત સમગ્ર ગુજરાતનો જે ઝડપી વિકાસ થઈ રહ્યો છે તે પ્રધાનમંત્રીને આભારી છે. સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેશ અને દુનિયામાં ગુજરાતની નવી ઓળખ પ્રસ્થાપિત કરવાની કામગીરી હોય, AIIMS હોસ્પિટલ હોય, ખારા પાણીને મીઠું બનાવવાનું હોય, ગીરનારનો રોપ-વે હોય, સી પ્લેન હોય, સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની કામગીરી હોય, મેટ્રો રેલ પ્રોજેક્ટ સહિત અનેક વિકાસનાં કામો આદરણીય પ્રધાનમંત્રીના કારણે શક્ય બન્યા છે. વિશ્વમાં અમેરિકાના પેંટાગોનમાં જ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે.
65 લાખ સ્ક્વેર ફૂટની પેંટાગોનની આ ઓફિસ બિલ્ડિંગ કરતાં પણ મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતમાં બની રહી છે. 66 લાખ સ્ક્વેર ફૂટ કરતાં પણ મોટી સુરત ડાયમંડ બુર્સની આ ઓફિસ બિલ્ડિંગ આવનારા સમયમાં દુનિયાની નવમી અજાયબી બનશે તેમાં કોઈ બેમત નથી. સુરતની આ નવી ઓળખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે જ શક્ય બની છે. જ્યાં એક ફ્લાઈટનાં ફાંફાં હતાં તે સુરતમાં આજે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. આજે સુરતના ડાયમંડના ઉદ્યોગપતિઓ ડાયમંડના કામ અર્થે બેલ્જિયમ, રશિયા, અમેરિકા, યુરોપ જાય છે. પરંતુ આવનારા સમયમાં વિશ્વના ઉદ્યોગપતિઓને સુરત આવવું પડશે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરત ડાયમંડ બુર્સના સંચાલકો સાથે બેઠક યોજી હતી. ડાયમંડ બુર્સના આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, સાંસદ દર્શના જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ, ધારાસભ્ય હર્ષ સંઘવી, સંગીતા પાટીલ, વિવેક પટેલ, કાંતિભાઈ બલર, પ્રવીણ ઘોઘારી, તત્કાલીન મેટ્રો રેલ પ્રોજેક્ટના મુખ્ય અધિકારી મહેન્દ્ર પટેલ, ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.