SURAT

બે જ દિવસમાં દારૂના અડ્ડા બંધ કરાવી સુરત પોલીસે એ સાબિત કરી દીધું કે..

સુરત (Surat) : અમદાવાદના (Ahmedabad) બોટાદના (Botad) બરવાળામાં (Barwada) થયેલા લઠ્ઠાકાંડની (Laththa Kand) અસર સુરતમાં વર્તાઇ છે. પોલીસ કમિશનર અજય તોમરે (CP Ajay Tomar) ખાસ કરીને સચિન જીઆઇડીસી, લિંબાયત, ડીંડોલી અને ઉધના પીઆઇને બોલાવીને દેશી દારૂના પીઠા બંધ કરાવવા માટે આદેશ આપ્યા હોવાની વિગત જાણવા મળી છે. તેમાં 221 જેટલા કુલ કેસ પીસીબી પીઆઇ ભાટિયા દ્વારા છેલ્લા બે દિવસમાં કરવામાં આવ્યા છે. તેમાં કુલ 1667 લિટર દેશી દારૂ જેની કિંમત 33340 જેટલી થવા પામે છે. આ કેસમાં 221 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત છેલ્લા બે દિવસમાં વિદેશી દારૂ પણ 2375 બાટલીઓ સાથે 2.37 લાખની મત્તા પકડવામાં આવી હોવાની વિગત પીસીબીએ જણાવી છે. કુલ 22 આરોપીઓ વિદેશી દારૂની લેવડ દેવડમાં પકડાયા છે. જયારે સાડા ચાર લાખની મત્તા સીઝ કરવામાં આવી છે.

3 મહિનામાં દેશી દારૂમાં 3013 આરોપી તથા 473 આરોપીઓ વિદેશી દારૂમાં પકડાયા
છેલ્લા 3 મહિનામાં દેશી દારૂના કુલ 5.54 લાખનો પકડવામાં આવ્યો તેમાં કુલ 3000 આરોપીઓને પકડવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. જયારે વિદેશી દારૂમાં છેલ્લા 3 મહિનામાં 385 કેસોની સામે 473 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આમ છેલ્લા 3 મહિનામાં પીસીબી અને ડીસીબી દ્વારા કરવામાં આવેલી ડ્રાઇવમાં આ સફળતા મળી છે.

સુરતના તમામ અડ્ડા ડીસીબી-પીસીબીએ બંધ કરાવી દીધા
સુરત : સુરત શહેરમાં ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાઇ શકે તેમ છે. તેમાં કાંઠા વિસ્તારના ગામોમાં બે હજાર કરતા વધારે દારૂની ભઠ્ઠી હોવાની વાત છે. સુરતની આસપાસના ગામડાઓમાંથી 40 જેટલા બુટલેગર સુરતમાં દેશી દારૂ ઠાલવી રહ્યા હોવાની ચર્ચા છે. જો કે, અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયા પછી પીસીબી અને ડીસીબી બ્રાન્ચોએ હાલમાં તો પગ તળે રેલો આવતાની સાથે જ તમામ દારૂના અડ્ડા બંધ કરાવી નાંખ્યા છે. એક અંદાજ પ્રમાણે દેશી દારૂના સુરતમાં નાના મોટા ગણીએ તો પંદર હજાર કરતા વધારે અડ્ડા હોવાનો અંદાજ છે. જિલ્લા કોંગ્રેસ આગેવાન દર્શન નાયકે આ મામલે ત્વરીત કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટર અને પોલીસને આવેદનપત્ર આપ્યુ છે. સુરતમાં ચાલીસ કરતા વધારે દેશી દારૂના મુખ્ય કર્તાહર્તા છે તેની વિગત આ પ્રમાણે છે. આ લોકોના હપ્તા 20થી 80લાખ વચ્ચે હોવાની વાત છે.

આ બુટલેગરોના અડ્ડા અત્યાર સુધી ધમધમતા હતા

  • અત્યાર સુધી કાલુ ડૂંડી ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતો હતો.
  • નાનીયાનું વર્ચસ્વ કાંઠા વિસ્તારમાં છે. તે પોલીસનો વચેટિયો છે.
  • ડિંડોલીમાં વિક્કી અને લિંબાયતમાં જીતુ રામજાને ખુલ્લેઆમ દારૂ વેચે છે.
  • પાંડેસરામાં અનિલ અને રાજૂ માલ્યો મોટુ માથુ માનવામાં આવી રહ્યા છે.
  • ખટોદરામાં કલ્પેશ ડાજિયો અને પરેશ દેશી દારૂમાં તોતિંગ હપતા ચૂકવે છે.
  • આ ઉપરાંત ઉધનામાં તિલક અને માલિયા મોટા માથા માનવામાં આવી રહ્યા છે.
  • ખટોદરાનો રાજેશ બેરોકટોક ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે.

મામલો શાંત નહીં થાય ત્યાં સુધી નવાપુર અને દમણની લાઇન પણ બંધ
સુરત શહેરમાં એક અંદાજ પ્રમાણે એક અઠવાડિયા સુધી કશે પણ દેશી દારૂ મળશે નહીં. ડીજી આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવેલી અધિકારીઓને કડક શબ્દોમાં તમામ અડ્ડા બંધ કરવા માટે આદેશ આપ્યા છે. નહીંતર આકરી કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે જણાવાયું છે. દરમિયાન પીસીબી અને ડીસીબીએ શહેરમાં તમામ દેશી અને વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવી નાંખ્યા હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે બધા અડ્ડા બંધ કરાવી એટલું તો સાબિત કરી દીધું કે પોલીસ ધારે તો શહેરમાં એક ટીપું દારૂ પણ નહીં મળે અને અત્યાર સુધી જે કંઈ દારૂ વેચાતો હતો તે પોલીસના મેળાપીંપણામાં જ વેચાતો હતો.

Most Popular

To Top