National

8મી નવે.ના રોજ નોટબંધીને 5 વર્ષ પુરા થયા પરંતુ સુરતના ધંધા-રોજગારને હજુ કળ વળી નથી

સુરત: (Surat) 8 નવેમ્બર (November) 2016ના રોજ રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોક્કસ કારણો જણાવી નોટબંધી (Demonetization) લાગુ કરી હતી અને ભારતીય ચલણમાં 500 અને 1000ની ચલણી નોટો ચલણમાં અમાન્ય ઠેરવી બેંકોમાં જમા કરાવવા મુદ્દત આપતા બેંકો (Bank) બહાર આ નોટો જમા કરાવવા લાંબી કતારો લાગી હતી. નોટબંધી લાગુ કરવા માટે વડાપ્રધાને જે કારણો આપ્યા હતા તેમાં કાળા નાણાનો ઉપયોગ ઉગ્રવાદ, આતંકવાદ, નકલી નોટ અને કાળુ નાણુ એકઠુ કરવા માટે જણાવવામાં આવ્યા હતા. પરંતુ આ કારણો પૈકી એકપણ કારણ કારગર નિવડયુ નથી. નકસલવાદી અને આતંકવાદી ઘટનાઓ તેને લીધે અટકી નથી, ડુપ્લિકેટ નોટ પકડાવાની ઘટનાઓ પણ વધી છે. કાળુ નાણુ ભેગુ કરવાની ઘટનાઓ પણ રેવન્યુ રેકોર્ડે વધી છે. 99.98 ટકા 500 અને 1000ની નોટ બેંકિંગ સીસ્ટમમાં પરત આવી જતા કાળુ નાણુ પકડાઇ જવાની વાત પણ સફળ રહી નથી. નોટબંધીની એકમાત્ર સફળતા એ રહી કે દેશમાં ડિજીટલ ટ્રાન્જેક્શનમાં વધારો થયો લોકો ડિજીટલ ટ્રાન્જેક્શનની સીસ્ટમમાં ટેવાયા બીજી તરફ રાષ્ટ્રીયકૃત અને પ્રાઇવેટ બેંકોએ ગ્રાહકો પાસે ડિજીટલ ટ્રાન્જેક્શન ચાર્જ વસુલવાનું શરૂ કર્યું અને હવે તે સીસ્ટમ બની ગઇ છે.

જો કે નોટબંધી લાગુ થયા પછી સૌથી વધુ અસર સુરતના કાપડ, હીરા, રીયલ એસ્ટેટ અને રીટેલ સેક્ટર પર પડી હતી. ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા અને નોટબંધીની અસર વચ્ચે 1 જુલાઇ 2017ના રોજ જીએસટી લાગુ થતા બમણો ફટકો પડયો હતો. તેની અસરમાંથી બહાર આવવા સુરતના ઉદ્યોગોને 2થી 3 વર્ષનો સમય લાગ્યો હતો. સીએઆઇટીના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે નોટબંધી પ્રારંભમાં ઉદ્યોગો માટે મોટુ આર્થિક સંકટ લાવી હતી વેપાર અસ્ત-વ્યસ્ત થઇ ગયો હતો. જો કે તેનો મોટો એક લાભ એ થયો હતો કે દેશના અઢી કરોડ વેપારીઓ ડિજીટલ ટ્રાન્જેક્શન પેમેન્ટ સીસ્ટમમાં જોડાઇ ગયા હતા. કેશ ટ્રાન્જેક્શન ઓછુ થતા કાચા અને પાકાનો વેપાર હવે જીએસટી લાગુ થયા પછી પાકામાં ફેરવાઇ ગયો છે. જો કે હજી પણ બેંકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ થકી ટ્રાન્જેક્શન કરવા માટે 1થી 2 ટકાનો ટ્રાન્જેક્શન ચાર્જ વસુલ કરે છે તે વધારે પડતો છે તેમાં સરકારે રાહત આપવી જોઇએ.

નોટબંધી પછી સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં કેશ ટ્રાન્જેક્શન માત્ર 30 ટકા રહી ગયું
નોટબંધીની સૌથી મોટી સફળતા ડિજીટલ ટ્રાન્જેક્શનના સ્વરૂપમાં રહી છે. સુરતમાં તેને લીધે બ્લેક મનીનું રોટેશન કાપડ, હીરા અને રીયલ એસ્ટેટ ઉદ્યોગમાં ઓછુ થયું છે. કાપડ અને હીરામાં અગાઉ કાચા અને પાકામાં સોદા થતા હતા તેને બદલે હવે 90 ટકા સોદા પાકામાં થઇ રહ્યા છે. સુરતની લીડ બેંકના પ્રવકતાઓનું કહેવુ છે કે સુરતનું રોજનું ટ્રાન્જેક્શન 800થી 1200 કરોડનું હતું તેમાં 60 ટકા ટ્રાન્જેક્શન આરટીજીએસ, એનઇએફટી, વોલેટ અને નેટ બેંકિંગથી થઇ રહ્યું છે. કાર્ડ ટ્રાન્જેક્શન પણ વધ્યું છે બેંકોએ વાઇફાય પેમેન્ટ સીસ્ટમ લાગુ કરી છે જેમાં માત્ર કાર્ડ અડાડવાથી 4 હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ થઇ શકે છે. બેંકોમાં ચેક ટ્રાન્જેક્શનની સંખ્યા 20થી 30 ટકા રહી ગઇ છે તેને લીધે બેંકોનું આ કામ માટેનું ભારણ ઓછુ થયું છે.

Most Popular

To Top