સુરત: (Surat) શહેરના પાલ રોડ પર ખુલ્લાં ખેતરોમાં નોનવેજની રેસ્ટોરન્ટના (Non-Veg Restaurant) કારણે ન્યૂસન્સ થયું હોવાની જૈન સમાજ અને પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહની રજૂઆત બાદ સફાળા જાગેલા રાંદેર ઝોનના તંત્રએ 15 જેટલા રેસ્ટોરન્ટને ગેરકાયદે સ્ટ્રક્ચર ઊભું કરવા મુદ્દે ભીંસમાં લઇ ડિમોલિશનની (Demolition) નોટિસ આપી છે. તેમજ ડિમોલિશન કરાશે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હોય, આ મુદ્દે રાંદેર ઝોનમાં (Rander Zone) વસતા અને ભાજપ (BJP) સાથે જ સંકળાયેલા કોળી પટેલ સમાજમાં રોષની લાગણી જન્મી છે. તેથી આ ડિમોલિશનને અટકાવવાની રજૂઆત સાથે સુરત મનપા (Corporation) કમિશનરથી માંડીને તમામ પદાધિકારીઓને આવેદન પાઠવાયું હતું.
- નોનવેજના રેસ્ટોરન્ટના ડિમોલિશનની નોટિસ મુદ્દે રજૂઆત કરવા આવેલા ભાજપના નેતાઓને પણ અટકાવાતાં રોષ ભભૂક્યો : સ્થાયી સમિતિ સમક્ષ હૈયાવરાળ કાઢી ‘અમે આપના કાર્યકરો નથી કે અમને અટકાવો છો’
- ઝોને ડિમોલિશનની નોટિસ આપી છે. ત્યારે આ નોટિસનો વિરોધ કરવા આવેલા પૂર્વ કોર્પોરેટરના પતિ અને અન્ય નેતાઓને સ્થાયી સમિતિ ચેરમેને માર્મિક કહ્યું: તમે મજબૂત રહેજો
- આ રોડ પર મોટા ભાગની રેસ્ટોરન્ટ કોળી પટેલ સમાજના લોકોની રોજીરોટી છે
જો કે, રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાઓ મહેશ પટેલ અને અન્યોને અટકાવાયા હતા તેમજ માત્ર પાંચ જ વ્યક્તિ રજૂઆત કરવા જઇ શકશે તેવું સિક્યુરિટી દ્વારા કહેવાતાં નેતાઓનો રોષ બેવડાયો હતો તેમજ સ્થાયી સમિતિ ચેરમેનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય તેમ અમને અટકાવવામાં આવે તે કેવી રીતે ચાલે અમે તો ભાજપના કાર્યકરો છીએ. દરમિયાન આ આગેવાનોએ ખુલ્લી વાત કરતાં કહ્યું હતું કે, આ રોડ પર મોટા ભાગની રેસ્ટોરન્ટ કોળી પટેલ સમાજના લોકોની રોજીરોટી છે.
નોનવેજની રેસ્ટોરેન્ટ ઠેર ઠેર ચાલે જ છે. અને આ તો ખુલ્લી જગ્યામાં ખાગની માલિકીની જમીન પર છે. આમ છતાં તેને હટાવવા માટે જે તખ્તો ગોઠવાયો છે. તેનાથી ઘણા લોકોની રોજીરોટી છીનવાતી હોય અમે ડિમોલિશન થવા દઇશું નહીં. જો કે, મનપાના જ વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની નોટિસ પાઠવાઇ હોવા છતા સ્થાયી સમિતિ ચેરમેને સૂચક રીતે રજૂઆતકર્તાઓને કહ્યું હતું કે, તમે ‘તમારી રીતે મજબૂત રહેશો’ તેથી તર્કવિતર્ક ઊઠ્યા હતા.