સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થયા બાદ બે આધેડનાં મોત નીપજ્યાં હતાં. મગદલ્લા અને ઈચ્છાપોર ગામમાં બે ટ્રક ડ્રાઈવરના (Driver) અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યાં હતાં.
મળેલી માહિતી મુજબ મૂળ ઝારખંડના વતની અને હાલ મગદલ્લા અંબુજા ફેક્ટરી સિમેન્ટ લિમિટેડ અભિષેક ટ્રાન્સપોર્ટ ખાતે રહેતો સરજુપ્રસાદ નીરૂ મહંતો (ઉં.વ.47) ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ગુરુવારે બપોરે સરજુપ્રસાદને અચાનક ધ્રુજારી આવી ઠંડી લાગવા લાગી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે 108 એમ્બુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે સરજુપ્રસાદને મૃત જાહેર કર્યો હતો.
બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઈચ્છાપોર ગામ ખાતે રહેતા રામુ કવલ સરોજ (ઉં.વ.50) ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ગુરુવારે સાંજે હજીરા અદાણી ખાતે પાર્કિંગમાં ટ્રક પાર્ક કરી રામુ કેબિનમાં સૂતેલો હતો. દરમિયાન અન્ય મિત્રોએ તેને ઉઠાડતાં ઊઠ્યો ન હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બેભાન દીકરીને પિતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા પરંતુ બચાવી શકાય નહીં
સુરત: સચિનમાં 4 વર્ષની બાળકીનું ઝાડા ઊલટીમાં મોત નિપજ્યું હતું. બેભાન દીકરીને પિતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા પરંતુ બચાવી શકાય નહીં. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ છત્તીસગઢના વતની સોહન યાદવ સચિન વિસ્તારમાં આવેલ શિલાલેખ સોસાયટીમાં બે સંતાન સહિતના પરિવાર સાથે રહે છે.
સોહન કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોહનના સંતાન પૈકી પરિવારમાં 4 વર્ષની એકની એક દીકરી ભૂમિને ગુરુવારે સાંજે ઝાડા ઊલટી થવા લાગ્યા હતા. જેથી પરિવારજનો તેને સારવાર માટે ઘર પાસેના ખાનગી દવાખાનામાં લઈને ગયા હતા. ત્યાંથી દવા લાવ્યા બાદ તેની તબિયત સારી હતી. પરંતુ થોડા સમય બાદ અચાનક ભૂમિની તબિયત લથડતાં તે બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવારજનો ભૂમિને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.