SURAT

સુરતમાં અચાનક બેભાન થઈ જતાં 2 યુવક સહિત ત્રણનાં મોત

સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન (Unconscious) થઈ જતાં 2 યુવક સહિત ત્રણનાં મોત (Death) થયા હતા. જેમાં વરાછામાં દારૂ (Alcohol) પીધા બાદ સૂઈ ગયેલો 28 વર્ષીય યુવક ફરી ઉઠ્યો ન હતો. તેમજ હજીરા ખાતે કંપનીમાં કામ કરતો 40 વર્ષીય યુવક ઢળી પડતાં મોત નિપજ્યું હતું અને કાપોદ્રામાં ઘરમાં કામ કરતી 42 વર્ષીય મહિલાને ચક્કર આવીને ઢળી પડતાં હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી.

  • શહેરમાં અચાનક બેભાન થઈ જતાં 2 યુવક સહિત ત્રણનાં મોત
  • વરાછામાં દારૂ પીધા બાદ સૂઈ ગયેલો 28 વર્ષીય યુવક ફરી ઉઠ્યો ન હતો

મળેલી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની ભૂપેન્દ્રકુમાર ગંગાપ્રસાદ યાદવ (28 વર્ષ) હાલ વરાછા મીનીબજાર પાસે કમલા સ્ટ્રીટમા ભાઈઓ સાથે રહેતો હતો. ભૂપેન્દ્રકુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરી વતનમાં રહેતા પરિવારને આર્થિરીતે મદદરૂપ થતો હતો. ગુરુવારે સાંજે 4 વાગ્યાના અરસામાં ભૂપેન્દ્રકુમાર દારૂ પીધા બાદ સૂઈ ગયો હતો. ત્યારબાદ 7 વાગ્યાના સુમારે તેના ભાઈએ ભૂપેન્દ્રકુમારને ઉઠાડ્યો હતો. પરંતુ તે ઉઠ્યો ન હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ભૂપેન્દ્રકુમારની પત્નીને 8 માસનો ગર્ભ છે.

બીજા બનાવમાં જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા ગંગાનગર સોસાયટી વિભાગ-2માં 40 વર્ષીય ધવલ માધવભાઈ દેસાઈ માતા, પત્ની અને આઠ મહિનાના દીકરા સાથે રહેતો હતો. ધવલ દોઢ વર્ષથી એલએન્ડટી કંપનીમાં સિનિયર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે સાંજે ધવલ નોકરી પર કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને ખાસી આવવાની સાથે ગભરામણ થવા લાગી હતી અને ત્યારબાદ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. છાતીમાં દુખાવા બાદ ધવલ એકાએક ઢળી પડ્યો હતો. જેથી અન્ય કર્મચારીઓ ધવલને લઈને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે ધવલને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

ત્રીજા બનાવમાં મૂળ સાવરકુંડલા અમરેલીના વતની મીનાબેન જીતેન્દ્રકુમાર સાગઠિયા (42 વર્ષ) હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ શ્રીનાથ સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી. મીનાબેન તેમજ તેમના પતિ ઘરમાં કપડા સિવવાનું કામ કરતા હતા. શુક્રવારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મીનાબેન ઘરનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક ચક્કર આવતા નીચે ઢળી પડ્યા હતા. જેથી મીનાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે તમામ બનાવમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

Most Popular

To Top