સુરત: (Surat) કામરેજ ઉંભેળ ગામ નજીક ટ્રક (Truck) ચાલકે ટક્કર મારતા કડીયા કામ કરતા આધેડનું મોત નિપજ્યું હતું. મોત બાદ કામરેજ પોલીસ લાશને પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ (Hospital) લઇ ગઇ હતી જ્યાં મૃતદેહ મુકાયાની નોંધ થઇ ગયાના અઢી કલાક બાદ પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. અઢી કલાક સુધી મૃતદેહ રઝળ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો.
નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કતારગામ શાંતિનગર સોસાયટી ખાતે રહેતા અને કડીયા કામ કરતા બટુક શિવાભાઇ ઘિયાડ (ઉ.વ.65) ગઇ 28મીના રોજ તેમના કૌટુંબીક પરષોત્તમભાઇ સાથે કામરેજથી કડોદરા ભત્રિજાની દુકાને જઇ રહ્યા હતા. દરમિયાન તેમની બાઇકને ઉંભેળ નજીક ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ગંભીર ઇજાને પગલે બટુકભાઇને સારવાર માટે લાલ દરવાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગઇકાલે સાંજે તેમનું મોત થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કામરેજ પોલીસ સ્મીમેર હોસ્પિટલ લઇ ગઇ હતી. જોકે અઢી કલાક સુધી મૃતદેહ રઝળ્યા બાદ પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો. વધુમાં મૃતક બટુકભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આપઘાત કરવા ડુમસ બીચ પર પહોંચેલા યુવકને પોલીસે બચાવી લીધો
પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ઘર કંકાસમાં ડિપ્રેશનમાં આવી આપઘાત (Suicide) કરવા ડુમસ બીચ પર પહોંચેલા યુવકને ડુમસ પોલીસની ટીમે બચાવી લીધો હતો. પોલીસને ટીમ (Police Team) પેટ્રોલીંગ દરમિયાન યુવકને જોઈ ગઈ હતી. યુવકને તાત્કાલિક સારવાર કરાવી બચાવી લેવાયો હતો. અને બાદમાં તેના પરિવાર અને મિત્રોને બોલાવી સોંપવામાં આવ્યો હતો.
ડુમસ ખાતે દરીયા ગણેશ બીચ તેમજ ગોલ્ડનબીચ પર અત્યારે ચોમાસામાં દરિયાનો કરંટ વધારે હોવાથી ઘણી વખત દરિયાના વિશાળ મોજા આવે છે. અને ક્યારેક ન્હાવા પડેલા લોકોને દરિયો અંદર ખેંચી જતા દુર્ઘટના સર્જાય છે. કોઇ અણબનાવ ન બને જે અંગે તકેદારીના ભાગરૂપે ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસના માણસો અહીં હાજર રહે છે. ડુમસ પોલીસ ઇન્સ્પેક્ટર અંકિત સોમૈયાની સખત સુચનાથી સર્વેલન્સ પીએસઆઈ એમ.એચ.સાંકળીયા અને તેમની ટીમના માણસો બીચ ઉપર સતત પેટ્રોલીંગ કરતા હોય છે. દરમિયાન આજે સવારે એક યુવાન ગોલ્ડન બીચના પાળાની પાછળના ભાગે અવાવરૂ જગ્યામાં એકલો બેઠો હતો. તેની પાસે જઇને ચેક કરતાં તે યુવાને પોતાના હાથમાં કોઇ ધારદાર વસ્તુ મારી દિધી હતી. અને તેના હાથમાંથી લોહી નિકળી રહ્યું હતું.
પોલીસે તેને પુછતા પોતે આપઘાત કરવા માટે પોતાની જાતે હાથ પર ઘા માર્યાનું કહ્યું હતું. જેથી ડુમસ પોલીસ દ્વારા તરત જ તેને નજીકની હોસ્પિટલ સુલતાનાબાદ આરોગ્ય કેંદ્ર ખાતે પ્રાથમીક સારવાર કરાવવામાં આવી હતી. ત્યારબાદ પીઆઈ અને પીએસઆઈ દ્વારા યુવાનને જરુરી સાંત્વના આપવામાં આવી હતી. આ યુવક પાંડેસરા ખાતે રહે છે. પોતે અભ્યાસ કરવાની સાથે કામ પણ કરે છે. ઘરકંકાસથી કંટાળી ડિપ્રેશનમાં આવીને તેને આ પગલું ભર્યું હતું. પોલીસે યુવકના પરિવારજનોને બોલાવી તેમની વચ્ચે યોગ્ય કાઉંસીલીંગ કર્યું હતું. અને અંતે યુવકને તેના મિત્રો-પરિવારને સોંપ્યો હતો. ડુમસ પોલીસની સતર્કતાએ યુવકનો જીવ બચાવ્યો હતો.