સુરત: સુરત શહેરમાં ધનતેરસની આગલી રાત્રે ત્રણ ધર્મસ્થાનકોનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. રાતના અંધારામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરત મનપાના દબાણ ખાતાની ટીમે આ મિશન પાર પાડ્યું હતું. દાયકાઓ જુના આ ધર્મ સ્થાનકો રિંગરોડ પર ટ્રાફિકમાં અડચણ રૂપ સાબિત થતા હતા, જેના લીધે અનેકોવાર અહીં અકસ્માતની ઘટનાઓ બનતી હતી, જેના પગલે સુરત મનપા દ્વારા રાતના અંધારામાં ધાર્મિક સ્થાનકોના ડિમોલીશનનું મિશન પાર પાડવામાં આવ્યું છે.
આ ડિમોલીશન ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા રીંગરોડ પર રાત્રિના 11 વાગ્યાથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધની આશંકાના પગલે મહિધરપુરા અને સલાબતપુરા પોલીસ દ્વારા દરગાહના મુંજાવર અને કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકવાલા સહિત આઠેક જણાની અટકાયત કરી લેવાઈ હતી.
24 કલાક ટ્રાફિકથી ધમધમતા શહેરના રિંગરોડ પર છેલ્લાં ઘણા સમયથી બે દરગાહ અને એક મંદિરને લીધે અકસ્માત તેમજ ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવતી હતી. જોકે, ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન દરગાહ અને મંદિરના ડિમોલીશન માટે સુરત મનપા દ્વારા મક્કમ નિર્ણય લેવાયો હતો અને શુક્રવારે મોડી રાત્રે ત્રણેય ધર્મ સ્થાનોનું ડિમોલીશન કરાયું હતું.
ગોલ્ડન પોઈન્ટ પાસે ફ્લાયઓવર બ્રિજને અડીને આવેલા મહાકાળી માતાના મંદિર તથા એપીએમસી જુના ફૂલ બજાર સામે આવેલી દરગાહ ઉપરાંત વણકર સંઘ સામે આવેલી દરગાહના ડિમોલીશન માટે શુક્રવારે રાત્રે 11 વાગ્યાથી જ ક્વાયત શરૂ કરી દેવાઈ હતી. ધાર્મિક સ્થળોના ડિમોલીશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત અન્ય તમામ તકેદારી સેન્ટ્રલ ઝોન દ્વારા રાખવામાં આવી હતી. સવારે 4 વાગ્યા સુધી ડિમોલીશનની કામગીરી ચાલી હતી. ડિમોલીશન કામગીરી પુરી થયા બાદ મનપા દ્વારા તરત જ તે સ્થાને રસ્તો પણ બનાવી દેવાયો હતો. આ સંપૂર્ણ કામગીરી દરમિયાન રિંગરોડને કોર્ડન કરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
એક હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા
રિંગરોડ પર આવેલી બે દરગાહ અને મહાકાળી માતાજીના મંદિરના ડિમોલીશનની કામગીરી અત્યંત સંવેદનશીલ હોય મનપા દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ હતી. રાત્રે લગભગ 11 વાગ્યાથી જ સમગ્ર રિંગરોડ વિસ્તારમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ રિંગરોડ પર ગોલ્ડન પોઈન્ટથી માંડીને કિન્નરી ટોકિઝ સુધીના તમામ પોઈન્ટ પર બેરિકેડ સાથે 1 હજાર પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. 5 કલાક સુધી ડિમોલીશન કામગીરી ચાલી ત્યારે આ પોલીસ જવાનો આખી રાત ખડેપગે ઉભા રહ્યાં હતાં. રસ્તાને અવરજવર અને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.