સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વહેલી સવારે સુરત વરાછા મેઇન રોડ (Varachha Main Road) વૈશાલી ત્રણ રસ્તા , આર્શિવાદ હોટલની સામે બ્રિજ ઉતરતા રોડ ઉપરથી ડ્રાઈવર સુજીતસીંગ ઉર્ફે વિશાલસીંગ શ્રીરામલખનસીંગ રાજપુત (ઉ.વ.24 રહે. બોમ્બે હોટલની પાછળ, વાપી તથા મુળ સાહીગંજ, જોનપુર, યુ.પી.) તથા રાહુલ ઉર્ફે રાહુલ ટકલો ભાગવતભાઇ અહેરવાડ યાદવ (ઉ.વ.21, જાગૃતિ કોમ્પ્લેક્ષ, વેડ રોડ, સુરત તથા મુળ ઝાંસી, યુ.પી.) ને ટાટા કાર્ગો ટ્રક (GJ-15-YY-8314) સાથે ઝડપી પાડ્યા હતા. ટ્રકમાંથી 14.14 લાખની કિમતની દારૂની (Alcohol) કુલ 11,232 બોટલ મળી આવી હતી.
- ટાટા કાર્ગો ટ્રકમાંથી દમણથી આવેલો 14.14 લાખની કિંમતનો દારૂ પકડાયો
- ક્રાઈમ બ્રાંચે ટ્રક સાથે મળી કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- દમણથી ટ્રકમાં ઘુસાડવામાં આવી રહેલો દારૂ ઝડપાયો
આરોપીની પુછપરછ કરતા વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલ પાસે રહેતા “વિજય અરજણભાઇ પરમાર તથા ભરતભાઇ છગનભાઇ મેવાડાએ દારૂ / બીયરનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી અરૂણસીંગ (રહે.વાપી) એ ટ્રકની વ્યવસ્થા કરી દમણ ખાતેથી વિરેન્દ્રકુમાર ઉર્ફે રાજુ પંડીત તથા પરમેશ્વર ઉર્ફે સાહદુ પાસેથી દારૂનો જથ્થો ટ્રકમાં ભરાવી આપ્યો હતો. વિજય અરજણભાઇ પરમાર, ભરતભાઇ છગનભાઇ મેવાડા (બન્ને રહે , વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલ પાસે), અરૂણસીંગ (રહે.વાપી), પરમેશ્વર ઉર્ફે સાહદુ પાંડે તથા વિરેન્દ્રકુમાર ઉર્ફે રાજુ પંડીતને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે ટ્રક, દારૂ મળીને આશરે કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માથામાં લગાડવાની પીનથી સાડીના વેપારીના ઘરનું તાળું તોડી 27 લાખની ચોરી
સુરત: અમરોલી ખાતે રહેતા અને સાડીનો વેપારી કરતા વેપારીના ઘરમાંથી ગઈકાલે બપોરે કોઈ અજાણ્યાએ માથામાં લગાવવામાં આવતી પીન વડે તાળું ખોલી રૂમના તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ 5.85 લાખ મળી કુલ 27.21 લાખની ચોરી કરી હતી. અમરોલી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
અમરોલી સ્ટાર રેસીડેન્સીમાં રહેતા 53 વર્ષીય કરશનભાઈ લક્ષ્મીદાસ કોટેચા સાડીની દુકાન ચલાવે છે. કરશનભાઈનો દિકરો અને પુત્રવધુ બે દિવસથી ગોવા ફરવા ગયા છે. ગઈકાલે બપોરે કરશનભાઈ દુકાનમાં હતા ત્યારે તેમની પત્ની ઘરને તાળું મારી દુકાને આવ્યા હતા. રાત્રે કરશનભાઈ અને તેમની પત્ની બંને દુકાન બંધ કરીને ઘરે આવ્યા ત્યારે દરવાજાનું લોક ખુલ્લુ હતું અને માથામાં લગાવવાની પીન લોકમાં હતી. જેથી તેમને રૂમમાં જઈને જોતા તિજોરી ખુલ્લી હતી. તેમના દિકરા નિકુંજના રૂમમાં જઈને જોતા તેના રૂમની તિજોરી પણ ખુલ્લી હતી. લોકરમાં ચેક કરતા સોના-ચાંદીના દાગીના અને ધંધાના રોકડ રૂા. 5.85 લાખ મળી કુલ 27.21 લાખ રૂપિયાની મત્તાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેમણે આજુબાજુમાં પુછતા પરંતુ બનાવ બાબતે કોઈને જાણ નહોતી. તિજોરીમાં ચેક કરતા તેમના સોના-ચાંદીના દાગીના અને તેમના દ્વારા અમરોલી પોલીસને જાણ કરતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.