દમણ : (Daman) સંઘ પ્રદેશ દમણના કોસ્ટગાર્ડ (Cost Guard) એર સ્ટેશન (Air Station) વિસ્તારમાં દીપડા (Panther) જેવું હિંસક પ્રાણી (Wild Animal) દેખાતા પ્રશાસને લોકોને ચેતવણી (Alert) આપી સુરક્ષિત (Safe) રહેવાની સલાહ આપી છે.
- દમણના કોસ્ટગાર્ડ એરસ્ટેશન વિસ્તારમાં દીપડો દેખાયો
- પ્રશાસને પત્ર જાહેર કરી લોકોને સાવચેત અને સુરક્ષિત રહેવા ચેતવણી આપી
- દમણના ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રાએ પત્ર જાહેર કર્યો
- રાત્રિના સમયે ઘરથી બહાર નહીં નીકળવા લોકોને સલાહ
- નાના બાળકોને ઘરની બહાર રમવા પણ નહીં મોકલવા ચેતવણી
- રાત્રિ દરમિયાન જાહેરમાં ઉંઘવું નહીં તેવું સૂચન પણ પત્રમાં કરાયું
- દીપડા જેવા જંગલી જનાવરને પકડવા પાંજરું મુકાયું
દમણના ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રાએ લોકોને સલાહ આપતો એક પત્ર જારી કરી જણાવ્યું કે, દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશન વિસ્તારમાં દીપડા જેવું હિંસક પ્રાણી જોવા મળ્યું છે. ત્યારે લોકોએ સુરક્ષિત રહેવા માટે પોતાના ઘરમાંથી રાત્રીના સમયે એકલા નીકળવું નહીં, નાનાં બાળકોને ઘરની બહાર એકલા રમવા માટે મોકલવા નહીં, ઘર કે ટેરેસ અને અન્ય ખુલ્લી જગ્યાએ રાત્રી દરમ્યાન સૂવું નહીં તથા ઘરેલુ પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે. આ સાથે દીપડા જેવા જંગલી જાનવરને પકડવા માટે કોસ્ટગાર્ડ એર સ્ટેશન વિસ્તારમાં પાંજરું મૂકી તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે જ્યાં સુધી ઉપરોક્ત જંગલી જાનવર પકડાય નહીં ત્યાં સુધી સાવચેતી સાથે સુરક્ષિત રહેવા માટે પ્રશાસને લોકોને અપીલ કરી છે.
શાળાની પરીક્ષાઓ પુરી થવા સાથે જ વેકેશન શરૂ થઈ ગયા છે, ત્યારે સુરતીઓ પસંદગીના નજીકના ફરવાના સ્થળ દમણમાં જવાના પ્લાનિંગ કરતા હોય છે ત્યારે દમણ પ્રશાસન દ્વારા જારી કરાયેલા એલર્ટે બધાને ચિંતામાં મુકી દીધા છે. દીપડો દમણમાં જાહેરમાં ફરતો દેખાયો તે ચિંતાજનક બાબત છે. સુરતીઓ ખૂબ જ સાવચેતીપૂર્વક દમણનો પ્રવાસ ખેડવો પડશે.
તમને જણાવી દઈએ કે હવે દક્ષિણ ગુજરાતના જંગલો છોડી દીપડા શહેરી વિસ્તારોમાં પણ દેખાવા લાગ્યા છે. બે દિવસ પહેલાં જ કીમમાં દીપડો દેખાયો છે. અહીં રેલવે ટ્રેક પર દીપડાની કપાયેલી હાલતમાં લાશ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. સામાન્ય રીતે ડાંગના જંગલોની આસપાસના ગામડાંઓમાં દીપડા જોવા મળતા હતા પરંતુ તે હવે જંગલ અને ગામ છોડી કીમ અને દમણ જેવા શહેરોમાં પણ દેખાવા લાગતા વન વિભાગ અને તંત્રની ચિંતામાં વધારો થયો છે.