દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણમાં 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે વિવિધ હોટલ (Hotel) સંચાલકો પર્યટકોને (Tourist) આકર્ષવા 10 હજારથી લઈને 30 હજારના પેકેજ સાથે આકર્ષી રહ્યા છે. જો કે હજી સુધી એક્સાઈઝ વિભાગ દ્વારા અપાતી પરવાનગી અને પોલીસ વિભાગ (Police Department) દ્વારા જાહેર કરતા રૂટની ગાઈડલાઈન હજી સુધી બહાર નહીં પાડતા હોટલ સંચાલકોની સાથે અન્ય આયોજકો અવઢવમાં મુકાયા છે.
નવા વર્ષના વધામણા અને જુના વર્ષની વિદાય આપવાનો દિવસ એટલે 31 મી ડિસેમ્બર. સમગ્ર દેશ અને વિદેશોમાં આ દિવસને લોકો અતિ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવતા હોય છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ કોરોનાની જરૂરી ગાઈડલાઈન સાથે 31 મી ડિસેમ્બરની ઉજવણી થવા જઈ રહી છે. આ વર્ષે દમણના હોટલ સંચાલકો સુરત, બરોડા, અમદાવાદ, મુંબઈ અને મહારાષ્ટ્રથી આવતા પર્યટકોને આકર્ષવા વિવિધ પ્રકારના પેકેજ બનાવી તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં દેવકાની વિવિધ હોટલમાં 10 હજારથી લઈને 30 હજારના પેકેજ પર્યટકોને મળી રહેશે. જેમાં હોટલમાં રહેવાની સાથે લન્ચ, ડિનર તથા ઉજવણીની રાત્રે લીકર અને ડિનર રહેશે. દરેક પેકેજ કપલને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. જો કે, ગૃપ પેકેજ માટે દરેક હોટલ તેમની રીતે ડિસ્કાઉન્ટ સાથે પેકેજ બનાવી આપવાનું કામ કરી રહ્યા છે.
જો, કે, 31 મી ડિસેમ્બરને હવે ફક્ત 3 દિવસ રહ્યા હોય ત્યારે હજી સુધી એક્સાઈઝ વિભાગ દ્વારા જારી કરવામાં આવતી પરવાનગી અને પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા રૂટ અને પાર્કિંગ અંગે કોઈપણ પરિપત્ર બહાર નહીં પાડતા હોટલ સંચાલકોની સાથે આયોજકો અવઢવમાં મુકાયા છે. આ સાથે જ સંઘપ્રદેશ પ્રશાસને પણ કોરોનાને લઈને એક ગાઈડલાઈન જારી કરી સ્કૂલ, કોલેજ, મોલ, હોટલ તથા અન્ય એકમોને કોરોનાની ગાઈડ લાઈનને શખ્તપણે પાલન કરવા તાકીદ કરી છે. જે જોતા 31 ડિસેમ્બરની ઉજવણી કદાચ ફિકી સાબિત થાય એવી આશંકા હાલ તો સેવાય રહી છે.
આ અંગે દમણ હોટલ એ.સો.ના ઉપપ્રમુખ હરેશ ટંગાલે જણાવ્યું કે, દરેક હોટલમાં અલગ સુવિધા અને આયોજન સાથે પર્યટકોને આકર્ષક પેકેજ આપવામાં આવી રહ્યા છે. જે જોતા બુકિંગ તો એકંદરે સારૂ હોય. પરંતુ હજી સુધી એક્સાઈઝ વિભાગ દ્વારા જે પરવાનગી આપવામાં આવતી હોય છે. એ હજી આપવામાં આવી નથી. જે બુધવાર અથવા તો ગુરૂવાર સુધીમાં મળી જશે એવી આશા તેમણે વ્યક્ત કરી છે.