વલસાડ: (Valsad) સુરતના ત્રણ પિતરાઈ ભાઈ સુરતથી બુલેટ લઈને દમણ (Daman) ફરવા માટે આવ્યા હતાં. દમણ મોજ-મજા કરીને ફરી સુરત ફરી રહ્યા હતા, ત્યારે તાલુકાના ભગોદ કોસ્ટલ હાઇવે ઉપર બમ્પર પાસે બુલેટ સ્લીપ થઈ જતા ત્રણે જણા નીચે પટકાયા હતા. જેમાં બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઇજા થતાં સારવાર અર્થે ૧૦૮ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે (Police Station) નોંધાઇ છે.
- વલસાડના ભગોદ કોસ્ટલ હાઇવે (Coastal Highway) ઉપર બાઈક સ્લીપ થતા બે ભાઈ મોતને ભેટ્યા
- સુરતના અંત્રોલી નજીક રહેતો યુવાન પિતરાઈ ભાઈઓ સાથે દમણ ફરવા ગયો હતો અને સાંજે ફરતા અકસ્માત સર્જાયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના કડોદરા અંત્રોલી નજીક રાધે રેસીડેન્સીમાં રહેતો ભવાનીસિંહ શંભુસિહ ગઢવી વડોદરાની ધરમ સન્સ મિલ્સમાં મેનેજર તરીકે છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે. એના ત્રણ પિતરાઈ ભાઈ ખુશવીરસિંહ દેવસિંહ ગઢવી, અરવિંદસિંહ દેવરાજસિંહ રાઠોડ અને ભરતસિંહ ભવાનીસિંહ ગઢવી આ ત્રણે જણા ગતરોજ રોયલ એનફિલ્ડ બુલેટ લઈને દમણ ફરવા માટે આવ્યા હતા. આખો દિવસ દમણમાં મોજ-મજા કરીને ગતરોજ સાંજે ફરી સુરત જવા માટે રવાના થયા હતા. તેઓ પારનદીના પુલ પરથી ભગોદ તરફ જતા કોસ્ટલ હાઈવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે ખુશવીરસિંહ બુલેટ ચલાવતો હોય પોતાનું બુલેટ પુરઝડપે હંકારી લાવી બમ્પર પાસે બુલેટ સ્લીપ થઈ જતા ત્રણે જણા નીચે પટકાયા હતાં.
અકસ્માતને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જ્યારે અકસ્માતમાં ત્રણને ગંભીર ઇજા થઇ હોય બુલેટ ચાલક ખુશવીર સિહ અને પાછળ બેસેલો અરવિંદ સિંહ આ બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ભરતસિંહને ઇજા થતાં સારવાર અર્થે ૧૦૮ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.
ચીખલીના સાદકપોરમાં કાર ડીવાઇડર સાથે અથડાતા ચાલકનું મોત
ઘેજ : ચીખલી નજીકના સાદકપોર-ગોલવાડમાં રાત્રી દરમ્યાન કાર ડીવાઇડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં સમરોલીના 34 વર્ષીય કાર ચાલકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ દર્પણકુમાર રમેશભાઇ ચાવડા (ઉ.વ. 34 રહે. સમરોલી કલ્યાણનગર તા. ચીખલી) ગતરોજ બપોરના સમયે પિપલગભણ તેના મિત્રના ઘરે જવાનું કહી તેની મારૂતિ ઝેન એસ્ટીલો કાર જી.જે. 21 એએ 1389માં નીકળ્યો હતો. આ દરમ્યાન રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં ચીખલી ખેરગામ રોડ ઉપર સાદકપોર ગોલવાડમાં કાર ડીવાઇડર સાથે અથડાતા ઇજાગ્રસ્ત હાલતમાં 108ના માધ્યમથી સારવાર અર્થે આલીપોર અને વધુ સારવાર અર્થે સ્પંદન હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામનારે પોતાની કાર પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી ડીવાઇડર સાથે અઠડાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોએ જણાવતા તે હકીકત મુજબની ફરિયાદ મૃત્યુ પામનારના પિતા રમેશભાઇ ચાવડાએ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.