સુરત (Surat) : વરાછામાં હીરાના કારખાનામાં (Diamond Factory) કામ કરતી યુવતીને સાથી કર્મચારીએ જ લગ્નની લાલચ આપીને પ્રાઇવેટ ઓફિસ તેમજ કામરેજની ઓયો હોટેલમાં લઇ જઇ બળાત્કાર (Rape) ગુજાર્યો હતો, બાદમાં યુવતીને બીજી જ્ઞાતિની છે, તારી સાથે લગ્ન નહીં કરુ કહીને તરછોડી દેવાઇ હતી. આ બાબતે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- યુવક યુવતીને કામરેજની ઓયો હોટેલ તેમજ મિત્રોની પ્રાઇવેટ ઓફિસે લઇ જઇને બળાત્કાર કર્યો
- ‘તું બીજી જ્ઞાતિની છે, તારા સાથે લગ્ન નહીં કરું’ કહી યુવતીને તરછોડી દેતાં યુવક સામે પોલીસ ફરિયાદ
પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી દિપાલી (ઉ.વ.25) (નામ બદલ્યુ છે) વરાછામાં હીરાના કારખાનામાં ડેટા ઓપરેટીંગનું કામ કરે છે. આ દરમિયાન તેની મુલાકાત હીરાના કારખાનામાં કામ કરતા રાજદિપ મનસુખભાઇ સુતરીયા (રહે. વિરાટ નગર સોસાયટી, કાપોદ્રા)ની સાથે થઇ હતી. રાજદિપ અને દિપાલી વચ્ચે મિત્રતા થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. રાજદિપે દિપાલીને લગ્નની લાલચ આપીને બહાર એક મિત્રની પ્રાઇવેટ ઓફિસે મળવા માટે લઇ ગયો હતો અને ત્યાં દિપાલીની સાથે લગ્નની લાલચે બળાત્કાર ગુજારાયો હતો. ત્યારબાદ રાજદિપ દિપાલીને કામરેજની ઓયો હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં પણ ત્રણથી ચાર વાર બળાત્કાર ગુજારાયો હતો. આખરે દિપાલીએ લગ્ન માટે કહેતા રાજદિપનું વર્તન બદલાઇ ગયું હતું, રાજદિપે દિપાલીને કહ્યું કે, તું બીજી જ્ઞાતિની છે, તારા સાથે લગ્ન નહીં કરું’ કહીને તરછોડી દીધી હતી. આ બાબતે દિપાલીએ પોતાના પરિવારને જાણ કરીને પોલીસમાં ફરિયાદ આપતા સરથાણા પોલીસે જયદિપ સુતરીયાની સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
યુવતીની છેડતી કરીને યુવાને કહ્યું: ‘તારા પપ્પા અને બહેનને એક્સિડેન્ટમાં ખતમ કરી નાંખીશ’
સુરત: પુણા ગામમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરમાં ઘૂસીને પાડોશી યુવકે અડપલાં કર્યાં હતાં. સગીરાએ બૂમાબૂમ કરતાં પાડોશી યુવકે ધમકી આપી કે, તારા પપ્પા અને નાની બહેન એકલા જ રિક્ષામાં જાય છે. છેડતીનો ભોગ બનેલી સગીરાએ તેના મામા-મામીને જાણ કરતાં પાડોશી યુવકને ઠપકો અપાયો હતો, અને પોલીસને હવાલે કરી દેવાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પુણા ગામમાં રહેતી 17 વર્ષિય સગીરા નામે કાજલ (નામ બદલ્યું છે) નજીકમાં આવેલી સ્કૂલમાં જ ધો.12માં અભ્યાસ કરે છે. આ સ્કૂલમાં તેની નાની બહેન પણ અભ્યાસ કરે છે. જ્યારે તેના પિતા રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસથી કાજલની તબિયત ખરાબ હોવાથી તે સ્કૂલે ગઇ ન હતી. બુધવારે સવારના સમયે કાજલ ઘર નજીકથી પસાર થઇ ત્યારે નજીકમાં જ રહેતા પરેશ ચંદુ સાલ્વીએ કાજલને રોડ ઉપર આંતરી હતી અને કહ્યું કે, આજકાલ તું દેખાતી નથી..? કાજલ કોઇપણ જવાબ આપ્યા વગર ઘરે જતી રહી હતી. ઘરમાં તેનાં દાદી બીજા માળ ઉપર કપડાં સૂકવી રહ્યાં હતાં ત્યારે આ પરેશ ઘરની અંદર બળજબરીથી ઘૂસી આવ્યો હતો અને કાજલની બાથ ભરી અડપલાં કરી ચુંબન કરી લીધું હતું. કાજલે બૂમાબૂમ કરતાં પરેશે ધમકી આપી કે, તારા પપ્પા અને તારી નાની બહેન સવારે એકલા જ સ્કૂલે જાય છે, ક્યાં એક્સિડેન્ટમાં ખતમ થઇ જશે ખબર નહીં પડે. ગભરાયેલી કાજલે તેનાં મામા-મામીને જાણ કરી હતી, અને બાદ કાજલના પિતાને પણ જાણ કરાઇ હતી. સાંજના સમયે કાજલનાં મામા-મામી પરેશના ઘરે ગયાં હતાં, પરંતુ પરેશે તેના ઘરના દરવાજાને અંદરથી લોક મારી દીધો હતો. આ સાથે જ પોલીસ કંટ્રોલમાં જાણ કરી દેવાઇ હતી. ત્યારે પરેશે તેના ઘરનો દરવાજો ખોલ્યો હતો. કાજલના મામાએ તેને ઠપકો આપતાં પરેશ કાજલના મામાની સાથે જ ઝઘડો કરવા લાગ્યો હતો અને નીચે પડી ગયો હતો, ત્યારે તેને માથામાં ઇજા થતાં લોહી નીકળ્યું હતું. આ દરમિયાન પુણા પોલીસનો સ્ટાફ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેઓ પરેશને રિક્ષામાં બેસાડી પોલીસમથકે લઇ ગયા હતા. આ બનાવ અંગે કાજલે પરેશની સામે પોલીસ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી પરેશની ધરપકડ કરી હતી.