SURAT

સુરત: પૂણા પાસે કાર લે વેચનો ધંધો કરનારે બે પિસ્ટલ ખરીદી, કારણ જાણી ચોંકી જશો

સુરત: (Surat) પૂણાગામ ખાતે કાર (Car) લે વેચનો ધંધો કરતા દલાલે માથાભારે ગ્રાહકો (Customers) સામે પ્રભાવ પાડવા શોખ ખાતર બે પિસ્ટલ (Pistol) ખરીદી હતી. આ બંને પિસ્ટલ તેના મિત્રો પાસે રાખવા માટે આપી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચે બે મિત્રોને પકડતા તેમણે મધુ ભુવાનું નામ આપતા તેની પણ ધરપકડ કરી હતી. આ સિવાય હથિયાર આપનાર બે ને વોન્ટેડ જાહેર કરાયા હતા.

  • પૂણા પાસે કાર લે વેચનો ધંધો કરનારે માથાભારે ગ્રાહકો પર પ્રભાવ પાડવા બે પિસ્ટલ ખરીદી
  • બંને પિસ્ટલ બે મિત્રોને રાખવા માટે આપતા તેઓ પણ ભેરવાયા
  • એક પિસ્ટલ ચીકલીગર પાસેથી અને બીજી જુનાગઢથી ખરીદી હતી

ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પૂણા ગામ કારગીલ ચોકમાં રહેતા અને ગાડી લે વેચનો ધંધો કરતો મધુ ઉર્ફે માધો ભુવા નામના વ્યક્તિએ બે પિસ્ટલો તેના મિત્રો સતીષ સવસવીયા અને પ્રફુલ ભાણાને રાખવા માટે આપી છે. અને હાલમાં તેઓ સીમાડા ચાર રસ્તા પાસે સેતુબંધ એપાર્ટમેન્ટ સામે પાર્કીંગ પાસે ઉભા હોવાની બાતમી મળી હતી. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વોચ ગોઠવીને એક વ્યક્તિને કોર્ડન કરી તેનું નામ પુછતા પોતે સતીષ દેવરાજભાઈ સવસવીયા (ઉ.વ.46, રહે.રીવેરા પેલેસ, મોટા વરાછા) હોવાનું અને હિરાની દલાલી કરતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી એક પિસ્ટલ અને 3 કાર્ટીઝ મળી આવી હતી.

બીજા વ્યક્તિનું નામ પુછતા પ્રફુલભાઈ ઉર્ફે ભાણો છગનભાઈ કોલડીયા (ઉ.વ.41, રહે.રોયલ પાર્ક સોસાયટી, પૂણાગામ) હોવાનું અને પોતે આરી મશીન ઉપર મજુરી કરતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી એક પિસ્ટલ મળી આવી હતી. ત્યાં હાજર ત્રીજા વ્યક્તિનું નામ પુછતા મધુ ઉર્ફે માધુ કનુભાઈ ભુવા (ઉ.વ.31, રહે.રૂક્ષમણી સોસાયટી, પૂણાગામ) અને કાર લે વેચનું કામ કરતો હોવાનું કહ્યું હતું. ક્રાઈમ બ્રાંચે તેમની પુછપરછ કરતા સતીષ અને પ્રફુલને આ પિસ્ટલ મધુ ભુવાએ આપી હતી. મધુ ભુવાની પુછપરછ કરતા તે કાર લે વેચનો ધંધો કરે છે. ઘણા માથાભારે લોકો કાર લેવા માટે આવે છે. ત્યારે તેમની ઉપર પ્રભાવ પાડવા માટે શોખ ખાતર આ હથિયાર તેણે મંગાવ્યું હોવાની કબૂલાત કરી હતી.

જેમાં એક પિસ્ટલ ભુવાએ લખનસીંગ ચૌહાણ નામના ચીકલીગર (રહે.પ્રિયંકા સોસાયટી, પરવટ ગામ) પાસેથી લીધી હતી. અને બીજી પિસ્ટલ એભલ ઉર્ફે ચિરાગ રબારી (રહે.જુનાગઢ) પાસેથી વેચાતી લીધી હતી. પોલીસે બંને હથિયાર અને કાર્ટીઝ મળીને કુલ 40,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પિસ્ટલ વેચનાર બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top