SURAT

શેરબ્રોકરનું અપહરણ કરાવી ક્રીપ્ટો કરન્સી ખાતામાં ટ્રાન્સફર કરાવી લેનાર આ માથાભારે પોલીસની પકડમાં

સુરત: (Surat) શહેરના પુણા સીતાનગર ખાતેથી 14 ઓગસ્ટે શેર બ્રોકરનું અપહરણ (Kidnapping) કરી તેના મોબાઈલમાંથી ટીથર કોઇન કરન્સી અને ઇસીએન કરન્સી (Currency) મળી કુલ 16 લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા તે રાજુ આહિરની પોલીસે (Police) ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • અડાજણના જયેશ પટોળીયાનું અપહરણ કરીને 16 લાખના ક્રીપ્ટો કરન્સી ટ્રાન્સફર કરાવી લેવાયા હતા
  • આ પ્રકરણમાં માથાભારે‌ મધુ આહીર, રાજુ આહીર, ચિરાગ, દરબાર સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી

પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અડાજણ એલ.પી.સવાણી સ્કુલ પાસે સ્વસ્તિક એવન્યુમાં રહેતા જયેશ લીલાભાઇ પટોળીયા શેર માર્કેટ અને ઓનલાઇન ‌ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગનું કામ કરે છે. ગત 14 ઓગસ્ટે જયેશ તેના ‌મિત્રની ઓફિસ પરથી પોતાની કાર (જીજે-૦૫-આરએમ-૬૫૫૬) માં ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે માથાભારે મધુ આહીર, રાજુ આહીર, ચિરાગ, દરબાર અને એક અજાણ્યા મળી ઝઘડાનું તરકટ રચી અપહરણ કર્યું હતું. જયેશને રસ્તા ઉપર ફરાવી ચાલુ ગાડીએ જયેશના બંને મોબાઇલ ફોન કાઢી ગળા ઉપર ચપ્પુ રાખી તેને ડરાવી ધમકાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને તેના મોબાઈલમાંથી રાજુ ભાઢેના ખાતામાં 16 લાખની કિમતની યુએસડીટી ટીથર ક્રીપ્ટો કરન્સી ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ હાઈટેક લુંટના મુખ્ય આરોપી અને જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા તે રાજુ ઝાલાભાઈ ભેઢા (રહે. નેચરવેલી હોમ, કુંભારીયા ગામ) ની ધરપકડ કરી છે.

આરોપીઓ 10 દિવસથી રેકી કરતા હતા
જયેશના ખાતામાં કરોડો રૂપિયાની કરન્સી હોવાની માહિતી રાજુ આહિરને મળી હતી. જેથી છેલ્લા 10 દિવસથી તેઓ જયેશની રેકી કરી રહ્યા હતા. જયેશના અપહરણ માટે તેની ઓફિસની બહાર સાત-સાત કલાક સુધી બેસી રહેતા હતા. ઘણી વખત જયેશ આખો દિવસ ઓફિસમાંથી નહીં નીકળે તો દિવસભર બહાર બેસીને તેની રાહ જોતા હતા. પરંતુ તેમને તક મળતી નહોતી. અંતે 14 ઓગસ્ટે તક મળતા તેનું અપહરણ કર્યું હતું.

જે દિવસે કરન્સી ટ્રાન્સફર કરી તે દિવસે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાઉન ગઈ
રાજુ આહિર અને મધુ આહિરને જયેશના ખાતામાં કરોડોની કરન્સી હોવાની વાત મળી હતી. જયેશના નજીકના માણસે તેમને માહિતી આપી હતી. પરંતુ જે દિવસે જયેશનું અપહરણ કરાયું અને જયેશના ખાતામાંથી કરન્સી ટ્રાન્સફર કરાવી તે દિવસે કરન્સીનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં તૂટી ગયો હતો. જેથી તેમને જોઈએ તેવો ફાયદો થયો નહોતો.

Most Popular

To Top