સુરત: (Surat) કાનપુરથી આવેલી મહિલાને તથા તેને રિસીવ કરવા આવેલા પતિને ચપ્પુના ઘા ઝીંકી ભેસ્તાન સ્ટેશન (Railway Station) પર અફરાતફરીનો માહોલ સર્જનાર આરોપીઓ સામે રેલવે પોલીસે (Police) ગુનો દાખલ કર્યો હતો. આજે લોકલ ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ચારેય આરોપીઓ રત્નકલાકાર છે.
- મહિલા સાથે ચાલુ ટ્રેનમાં કોચમાં બેસવા બાબતે ઝઘડો કરી ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી આપી હતી
- પતિ સવારે ભેસ્તાન સ્ટેશન પર લેવા ગયો ત્યારે બોલાચાલી કરી દંપત્તિને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
ગોડાદરા ખાતે રહેતા ચંદ્રશેખર સીંગની પત્ની ચાંદની ઉત્તરપ્રદેશ કાનપુર ગઈ હતી. કાનપુરથી ઉદ્યોગકર્મી એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવતી વખતે ચાલુ ટ્રેનમાં કોચમાં બેસવા બાબતે અજાણ્યા યુવકો સાથે ઝઘડો થયો હતો. યુવકોએ ટ્રેનમાં ગાળાગાળી કરીને ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી આપી હતી. ચાંદનીએ તેના પતિને ફોન કરીને જાણ કરતા તે સવારે ભેસ્તાન સ્ટેશન પર લેવા માટે ગયા હતા. ચાંદની સાથે ટ્રેનમાં રકઝક કરનારાઓની ભેસ્તાન સ્ટેશન પર તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં અજાણ્યાઓએ સ્ટેશન પર ધસી આવીને ચાંદની અને તેના પતિ તથા પતિ સાથે આવેલા સંબંધી પુનીત સીંગ (ઉ.વ.25) ઉપર ચપ્પુના ઘા ઝીંક્તા તેમને નવી સિવિલમાં ખસેડાયા હતા.
આ ઘટનામાં રેલવે પોલીસે ચાર રત્નકલાકારોને ઝડપી પાડ્યા છે. પવનસિંહ રાજનરાયન સિંહ (ઉ.વ.22, રહે. ઓમકાર ચેમ્બર્સ, (રેલગાડી બિલ્ડીંગ) કતારગામ તથા મુળ રાયબરેલી, ઉતરપ્રદેશ), કામતાનાથ ઉર્ફે સોનુ ઉર્ફે ગોલુ બ્રજકિશોર ઠાકુર (ઉ.વ.22), વિવેકસિંહ રામઔતાર સિંહ ઠાકુર (ઉ.વ.26) તથા વિશાલસિંહ ઉર્ફે સાગર કપ્તાનસિંહ ઠાકુર (ઉ.વ.21) ને ઝડપી પાડ્યા હતા.
લિંબાયતમાં ભરબપોરે અસામાજીક તત્ત્વોની તલવારો લઇને સોસાયટીમાં તોડફોડ
સુરત: લિંબાયત વિસ્તારમાં ગઈકાલે બપોરે કેટલાક અસામાજીક તત્ત્વો દ્વારા તલવારો જેવા હથિયારો લઇને સોસાયટીમાં તોડફોડ અને ગાળાગાળી કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. લિંબાયત પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 17 તારીખે લિંબાયત ઓમનગર સોસાયટી પાસે જાહેરમાં કેટલાક અસામાજીક તત્વો બપોરે ઝઘડો કરતા હતા. ઝઘડા બાબતે વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. લિંબાયત પોલીસે આ વિડીયોના આધારે તપાસ કરીને નીઝામ, અકરમ, નાઝીમ, જુને (રહે, ઓમનગર લિંબાયત), જાવેદ બીલ્લા, જબ્બાર પાર્સલ, અસ્પાક, જીશાન, તથા બીજા અજાણ્યાઓની સામે આજે ફરિયાદ દાખલ કરી હતી.