સુરત: (Surat) ઉધના ખાતે મોબાઈલની દુકાન (Mobile Shop) ધરાવતા સમાધાન પાટીલે મિત્રનું ક્રેડિટ કાર્ડ (Credit Card) વાપરવા લઈ તેમાંથી 3.65 લાખ અને બીજા પણ 5 લોકો પાસેથી કુલ 29.01 લાખની રકમ મેળવી દુકાન બંધ કરી નાસી જતા ઉધના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- મિત્રોના ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી મોબાઈલશોપના ધારકે કુલ 29.01 લાખની છેતરપિંડી કરી દુકાન બંધ કરી ફરાર
- મિત્રએ સમાધાન પાટીલના નામના આ ઠગને વિશ્વાસથી ક્રેડિટ કાર્ડ વાપરવા આપ્યું અને 3.65 લાખનું કરી ગયો
પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા 28 વર્ષીય કિરણ પ્રમોદભાઈ ગૌડા વીવો કંપનીમાં સેલ્સ મેન તરીકે નોકરી કરે છે. તેને ઉધના પોલીસ સ્ટેશનમાં સમાધાન મુકુંદા પાટીલ (રહે, ઓમનગર રંગીલાપાર્ક બાજુમાં ડિંડોલી) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કિરણ ગૌડાએ તેના મિત્રના કહેવાથી પહેલી નોકરી છોડીને સમાધાન પાટીલની ઉધના ચીકુવાડી કોમ્પલેક્સમાં આવેલી એસ.કે. ટેલિકોમ સર્વિસ નામની દુકાનમાં નોકરી શરૂ કરી હતી. બાદમાં બે મહિનામાં તેની સાથે મિત્રતા થતા સમાધાન પાટીલે કિરણનો ક્રેડિટકાર્ડ વાપરવા માંગ્યો હતો.
કિરણે મિત્રતામાં તેને કાર્ડ આપી દેતા સમાધાન પાટિલે 6 માર્ચ 2023ના રોજ કિરણના ઈંડુસેંડ બેંકનો ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને 80 હજાર તથા 6 થી 9 માર્ચ દરમિયાન કિરણના કોટક બેંકના ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને 95 હજાર, 11 માર્ચે આઈ.ડી.એફ.સી બેંકનો ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને 95 હજાર, એસ.બી.આઈ બેંકનો ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને 95 હજાર ઉપાડી લીધા હતા. જુદા જુદા સ્વાઈપ મશીનથી સ્વાઈપ કરીને જે-તે સ્વાઈપ મશીનથી લિંક બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી કુલ 3.65 લાખ ઉસેટી લીધા હતા. બાદમાં આ બીલો ભર્યા વગર દુકાન બંધ કરી ભાગી ગયો હતો.
કિરણ ગૌડા સિવાય આ સમાધાન પાટીલે સંતોષ સુર્યકુમાર રાઉતના 4.76 લાખ, ભરત રાજેન્દ્ર કટ્ટકમના 3.40 લાખ, ક્રાંતિકુમાર રામાસ્વામી દુર્ગેય લકુમના 2.70 લાખ, જેટલી રકમ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને લીધી હતી અને તેના બીલો ભર્યા નહોતા. આ સિવાય આકાશ વિજય પાટીલ પાસેથી ઉછીના લીધેલા 4.50 લાખ તથા યોગેશ માણેકચંદ જૈન પાસેથી ઉછીના લીધેલા 10 લાખ મળીને કુલ 29.01 લાખની છેતરપિંડી કરી હતી. અને દુકાન બંધ કરી ભાગી ગયો હતો.