SURAT

લોનના હપ્તા નહીં ભરનારને સુરતની કોર્ટે 1 વર્ષની સજા ફટકારી

સુરત(Surat): લેભાગુ, ઠગો લોન (Loan) લીધા બાદ હપ્તા ભરતા નથી. આવા ચીટરોની શાન ઠેકાણે લાવતો ચૂકાદો સુરતની કોર્ટે (Surat District Court) આપ્યો છે. એક સહકારી બેન્ક સાથે ઠગાઈના કેસમાં સુરતની કોર્ટે ચીટરને 1 વર્ષની સજા ફટકારતો હૂકમ કર્યો છે.

આ કેસની મળતી વિગત મુજબ સુરતની ધી વરાછા કો-ઓપરેટીવ બેન્કમાંથી (The Varacha Co Operative Bank) જાત જામીનની લોન લેનાર ભરત બચુ વેકરીયાએ લોનના હપ્તા ભર્યા નહોતા. બેન્ક લોન ન ચૂકવવાનો હેતુ હોય તેમ તે બેન્કની નોટીસને ગણકારતો ન હતો. આખરે વારંવારની ઉઘરાણી પછી પણ વરાછા બેન્કમાં લોનની રકમના હપ્તા જમા ન કરાવનારા ભરત બચુ વેકરીયાના એકાઉન્ટમાં બેન્કે હપ્તાનો ચેક જમા કરાવ્યો હતો. ભરત વેકરીયાના એકાઉન્ટમાં પૂરતી રકમ ન હોવાના લીધે ચેક નોટ સફિશ્યન્ટ બેલેન્સના શેરા સાથે રિટર્ન થયો હતો.

ચેક રિટર્ન થયા બાદ ધી વરાછા કો.ઓપરેટીવ બેન્કે કાયદાની મદદ લીધી હતી. બેન્કે એડવોકેટ જે. એચ. વસોયા મારફત ભરત બચુ વસોયાને નોટીસ મોકલી નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં કોર્ટે એડવોકેટ જે. એચ. વસોયાની બેન્ક તરફી દલીલો અને રેકોર્ડ પરના પૂરાવાઓને ધ્યાનમાં લઇને આરોપી ભરત બચુ વેકરીયાને એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

આ ઉપરાંત જે તારીખે ચેક રિટર્ન થયો ત્યારથી લોનની જેટલી રકમ બાકી રહેતી હતી તેના પર 13 ટકા વ્યાજ સાથેનો દંડ ફટકારીને રકમ જમા કરાવવા હુકમ કર્યો હતો. કોર્ટે એવું પણ નોંધ કરી હતી કે, જો આરોપી 6 અઠવાડીયામાં રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહેશે તો તેને વધુ ત્રણ માસની જેલની સજા ભોગવવી પડશે.

Most Popular

To Top