Surat Main

જમાદારની ભૂલ પર સુરતના પીઆઈએ ચાલુ કોર્ટમાં કંઈક એવું કહ્યું કે જ્જનો ગુસ્સો ઓગળી ગયો અને..

સુરત : (Surat) ચેક (Check return ) રિટર્ન કેસમાં વોરંટ (Warrant) બજવણી દરમિયાન ખોટો શેરો મારીને કોર્ટમાં (Court) પરત લાવનાર રાંદેરના એએસઆઇનો ઉધડો લેવાયો હતો. આ એએસઆઇએ આરોપીના ઘરે ચા પીને પછી શેરામાં લખ્યું કે, આરોપી ઘરે મળી આવતો નથી. પરંતુ બીજા દિવસે આરોપી જાતે જ કોર્ટમાં આવી ગયો હતો. આવી બેદરકારી બદલ કોર્ટે પીઆઇને 15 હજાર અને એએસઆઇને 25 હજારનો દંડ કર્યો હતો. આ તબક્કે પીઆઇએ કહ્યું કે, હું અધિકારી છું, મારા કર્મચારીની ભૂલ, મારી ભૂલ ગણાય છે અને તેનો જવાબદાર વ્યક્તિ હું છું. પીઆઇના આ વિનમ્ર સ્વભાવથી કોર્ટ પણ પ્રભાવિત થઇ હતી. કોર્ટે દંડ કરવાનું માંડી વાળ્યું હતું અને એએસઆઇની સામે ખાતાકીય તપાસ કેમ નહીં કરવી..? તેનો ખુલાસો માંગ્યો હતો. આ રિપોર્ટ પાંચ દિવસમાં કરવા રાંદેર પીઆઇને જાણ કરાઇ હતી.

  • વોરન્ટ બજવણીમાં બેદરકારી દાખવવા માટે પીઆઈને 15 અને એએસઆઈને 25 હજારનો દંડ કોર્ટે ફટકાર્યો હતો
  • રાંદેર પીઆઈની નમ્રતાને કારણે કોર્ટે દંડ નહીં કર્યો અને એએસઆઈની સામે ખાતાકીય તપાસના આદેશ કર્યા
  • પીઆઈએ કહ્યું કે, ‘મારા કર્મચારીઓની બેદરકારીનો જવાબદાર વ્યક્તિ હું છું, બીજીવાર વોરંટ બજવણીમાં ધ્યાન રાખીશું’

આ કેસની વિગત મુજબ રિંગ રોડ ઉપર જીવનદીપ કોમ્પ્લેક્સમાં વેપાર કરતા વેપારી સુશીલભાઇ ગુલગુલિયાએ રાંદેરના પાલનપુર જકાતનાકા નજીક સોના હોટેલ પાસે રહેતા સુરેશ ચીમનભાઇ પટેલને સને-2009માં રૂ.40 હજાર હાથઉછીના આપ્યા હતા. આ રકમની સામે સુરેશભાઇએ ચેક આપ્યો હતો. પરંતુ ચેક રિટર્ન થતાં સુશીલભાઇએ વકીલ સમીર શાહ મારફતે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આ કેસમાં ચાર દિવસ પહેલાં જ સુરતની કોર્ટમાંથી સુરેશ પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરાયો હતો, અને બીજા જ દિવસે તેની બજવણી કરીને આરોપીને કોર્ટમાં હાજર રાખવાનો આદેશ કરાયો હતો. બીજી તરફ બીજા દિવસની મુદત દરમિયાન રાંદેરના એએસઆઇએ જણાવ્યું કે, ‘આરોપી ઘરે મળી આવ્યો નથી’. તેવો શેરો લખીને વોરંટ કોર્ટમાં રિટર્ન કર્યો હતો. ત્યાં કોર્ટના કર્મચારી ઉપરાંત ફરિયાદીના વકીલોએ સુરેશભાઇને ફોન કરીને કોર્ટમાં બોલાવ્યા હતા. કોર્ટના ફોનથી સુરેશભાઇ તાત્કાલિક કોર્ટમાં હાજર થયા હતા.

સુરેશભાઇ કોર્ટમાં આવતાં જ કોર્ટનો સ્ટાફ, ફરિયાદીના વકીલ અને જજ પણ ચોંકી ઊઠ્યા હતા. કોર્ટે પોલીસ તપાસ ચેક કરવા માટે સુરેશભાઇને તેમનું રહેણાકનું સરનામું પૂછ્યું હતું. સુરેશભાઇએ પોતાનું લાઇટબિલ રજૂ કરી ત્યાં પાંચ વર્ષ ઉપરાંતથી રહેતા હોવાનું કહ્યું હતું. આ સાથે જ કોર્ટે રાંદેરના એએસઆઇને બોલાવ્યા હતા, ત્યારબાદ એએસઆઇને રૂ.25 હજાર અને પીઆઇ ચૌધરીને 10 હજારનો દંડ કરવાનું જાહેર કોર્ટમાં કહ્યું હતું. પરંતુ ત્યાં જ પીઆઇ ચૌધરીએ બાજી સંભાળી લીધી હતી. પીઆઇ ચૌધરીએ કોર્ટ સમક્ષ માફી માંગીને કહ્યું કે, હું પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્ટર છે, મારા પોલીસ સ્ટેશનના કર્મચારીની ભૂલ મારી ભૂલ ગણાય છે અને તેની જવાબદારી હું લઉં છું. બીજીવાર આવી ભૂલ નહીં થાય તેમ જણાવ્યું હતું. પોલીસ અધિકારીના વિન્રમ સ્વભાવથી કોર્ટ પણ પ્રભાવિત થઇ હતી. અને કોર્ટે એએસઆઇની સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા. એએસઆઇને શા માટે દંડ નહીં કરવો તે માટે મંગળવાર સુધીમાં રિપોર્ટ કરીને કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

40 હજાર મેળવવા માટે ફરિયાદીને 13 વર્ષથી ધરમના ધક્કા, પરંતુ પોલીસ કોન્સ્ટેબલોને કાંઈ પડી નથી
સુરત: એકતરફ સ્પીડી ટ્રાયલની વાતો ચાલી રહી છે, પરંતુ બીજી તરફ સુરતની કોર્ટમાં એવા અનેક કિસ્સા છે કે જેમાં વર્ષોથી કેસ જ્યાં છે ત્યાંને ત્યાં પડ્યો છે. આવા કેસ એક યા બીજા કારણોસર આગળ વધી શકતો નથી. રાંદેર પીઆઇ અને એએસઆઇને જે દંડ કરવામાં આવ્યો તે કેસ પણ 13 વર્ષ જૂનો છે. સને-2009માં રૂ.40 હજારનો આ વ્યવહાર થયો હતો. સુશીલભાઇએ સુરેશભાઇને રૂ.40 હજાર હાથઉછીના આપ્યા હતા. આ રૂપિયા પરત નહીં મળતાં કોર્ટમાં કેસ થયો હતો. રૂ.40 હજાર મેળવવા માટે સુશીલભાઇ 13 વર્ષથી કોર્ટ અને પોલીસના ધરમના ધક્કા ખાઇ રહ્યા છે. સને-2013થી જ્યારે કેસમાં નોન-બેલેબલ વોરંટ ઇસ્યુ થવા લાગ્યા ત્યાર બાદ પણ પોલીસ કર્મચારીઓએ કોઇ ગંભીરતા દાખવી ન હતી. આ કેસને ડોરમેન ફાઇલમાં મૂકી દેવાયો હતો. ડોરમેન ફાઇલ એટલે કે, જો આરોપી આવે તો તેની સામેનો કેસ ચાલે, નહીંતર કેસમાં વારંવાર વોરંટ નીકળે અને તે જ પ્રોસિઝર ચાલ્યા કરે.

Most Popular

To Top