સુરત (Surat): વરાછા પોલીસ સ્ટેશનમાં (Varacha Police Station) પોતાની કેબિનમાં હાથ પકડી ખેંચી લઈ જઈ તમાચા મારનાર એસીપી સી.કે. પટેલ (ACP CKPatel) સામે સુરતની કોર્ટે (Court) સમન્સ (Summons) ઈશ્યુ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે, એસીપી સી.કે. પટેલે પોતે એક આરટીઆઈ અધિકારી તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. સી.કે. પટેલે પોતાની ચેમ્બરમાં ધારાશાસ્ત્રીને માર માર્યો છે. જે તેઓની ફરજનો ભાગ ન હતો અને આરટીઆઈ હિયરીંગમાં આવેલા કોઈ ઈસમને માર મારવો તે કોઈ પણ સંજોગોમાં એક આર.ટી.આઈ. અધિકારીની ફરજનો ભાગ હોય શકે નહીં.
આ કેસની મળતી વિગત અનુસાર ફરિયાદી એડવોકેટ રજનીકાંત પાંચાણી એક કેસની સુનાવણી માટે તા. 13 એપ્રિલ 2021ના રોજ આરટીઆઈ અધિકારી એસીપી સી.કે. પટેલ સમક્ષ વરાછા પોલીસ સ્ટેશનમાં સવારે 11 વાગ્યે હાજર થયા હતા. ત્યારે સી.કે. પટેલે એડવોકેટ રજનીકાંત પાંચાણીને કોરોનાનું બહાનું ધરી ખુરશી પર બેસવા દીધા નહોતા. એડવોકેટ રજનીકાંત પાંચાણીએ પોતાના અસીલને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો તે અંગેના સીસીટીવી ફૂટેજના પુરાવાની આરટીઆઈ એક્ટ હેઠળ માગ કરી હતી.
ત્યારે સી.કે. પટેલે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો હતો કે આવો કોઈનિયમ નથી. અમે આરટીઆઈના કાયદાની કલમ બતાવી તો ગુસ્સે ભરાઈ કહ્યું, તારા જેવા વકીલોએ કાયદો શીખવાડવો નહીં. અધિકારીનો ગુસ્સો પારખી સુનાવણી રોકી હું કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો અને રજૂઆત પત્રમાં અધિકારીએ માસ્ક પહેર્યું નહીં હોવાનું અને ઉદ્ધત વર્તન કરવાની નોંધ લખી હતી, તે વાંચી ફરી સી.કે. પટેલ ગુસ્સે ભરાયા હતા અને મારો હાથ પકડી કેબિનમાં ખેંચી લઈ ગયા હતા. પોલીસ અધિકારીને આડા ઉભા રાખી કોલર પકડી લાફો અને મુક્કા દ્વારા મોઢા ઉપર, કાન, આંખ, પેટ અને છાતી ભાગે ગંદી ગાળો દઈ માર માર્યો હતો. 10 જેટલાં લાફા અને મુક્કા માર્યા હતા. માર મારવાનો અવાજ સાંભળી મારા અસીલ અને અન્ય પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. બાદમાં મને બહાર લઈ જવાયો હતો. મારો મિત્ર મને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. ત્યાર બાદ વરાછા પોલીસે મારી વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કર્યો હતો. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સી.કે. પટેલ વિરુદ્ધ સમન્સ કાઢ્યું છે.