Gujarat

લાઇફ મિશન સંસ્થાના સ્થાપક સિદ્ઘયોગી રાજર્ષિ મુનિનું અવસાન, લીંમડીના જાખણ ખાતે થશે અંતિવિધિ

વડોદરા: પંચમહાલના (Panchmahal) લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજર્ષિ મુનિનું (Rajarshi Muni) 92 વર્ષની વયે નિધન (Death) થયું છે. વડોદરાની (Vadodara) ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજર્ષિ મુનિજીએ લાઈફ મિશન (Life Mission Institute) અંતર્ગત યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. તેમના અનુયાયીઓના જણાવ્યું અનુસાર આજે કાલોલના મલાવ ખાતે તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. અને આવતી કાલે લીંમડી ખાતે અંતિમવિધિ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર રાજર્ષિ મુનિને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 30 ઓગસ્ટની વહેલી સવારે 3 વાગ્યે અંતમિશ્વાસ લીધા હતા. તેમના અનુયાયીઓના જણાવ્યા પ્રમાણે રાજર્ષિ મુનિનું પાર્થિવદેહને 30 ઓગસ્ટે બપોરે 2 વાગ્યા સુધીમાં કાલોલના મલાવ ખાતે લાવવામાં આવશે. જેથી તેમના અનુયાયીઓ આશ્રમમાં અંતિમ દર્શન કરી શકશે. અને ત્યાર બાદ તેમના નશ્વરદેહને લીંબડીના જાખણ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં 31 ઓગસ્ટે સવારે 11 વાગ્યે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

રાજર્ષિ મુનિજી યોગનાં પ્રચાર-પ્રસાર માટે યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગક્ષેત્રે મહત્તવપૂર્ણ પ્રદાન બદલ સિદ્ઘયોગી સ્વામી રાજર્ષિ મુનિને પ્રધાનમંત્રી અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજર્ષિ મુનિના માર્ગદર્શન હેઠળ એક લાખથી વધુ લોકો યોગ શીખે છે. રાજર્ષિ મુનિ લકુલીશ ઇન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઇમેન્ટ મિશન (લાઇફ મિશન)ના સ્થાપક છે. આ સંસ્થાનું મુખ્ય મથક રાજરાજેશ્વરધામ લીંમડી ખાતે આવેલું છે. આ સંસ્થાનાં કેન્દ્રો અમેરિકા, કેનેડા, યુકે અને રશિયામાં પણ આવેલાં છે. રાજર્ષિ મુનીના લગભગ 36 જેટલાં અંગ્રેજી ભાષામાં પુસ્તકો પ્રકાશિત થયાં છે અને એમાંના કેટલાકનો રશિયન, ઇટાલિયન અને ચાઇનીઝ ભાષામાં પણ અનુવાદ થયા છે. મળતી માહિતી પ્રમાણે માત્ર ગુજરાતી ભાષામાં જ 116 જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. કહેવામાં આવે છે કે પીએમ મોદી સાથે તેમના ખાસ આત્મીયતા હતી. રાજશ્રી મુનીને યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજર્ષિ મુનિનું સાચું નામ યશવંતસિંહ જાડેજા હતું. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1931ના રોજ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજપૂત બોર્ડિંગ લીંબડીમાં પૂર્ણ કરી ભાવનગરની શામળદાસ કોલેજથી બી.એ.ની ડીગ્રી મેળવી હતી ત્યાર બાદ તેમણે પૂણે વિશ્વવિદ્યાલયમાંથી સમાજશાસ્ત્રમાં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 9 ફેબ્રુઆરી 1971ના રોજ કૃપાલવાનંદજી પાસેથી તેમણે દીક્ષા પ્રાપ્ત કરી યશવંતસિંહ જાડેજાથી રાજર્ષિ મુનિ બન્યા હતા. રાજર્ષિ મુનિએ સુરેન્દ્રનગર-લીંમડી નજીક જાખણ ગામે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રિદેવનું મંદિર સ્થાપ્યું છે.

Most Popular

To Top