સુરત: (Surat) કોલકાતામાં કુરિયર સર્વિસનું કામ કરતા યુવકની સામે સુરતના સિગારેટના વેપારીએ (Trader) પોલીસમાં (Police) અરજી કરતાં તેની અદાવત રાખી યુવકે સુરતના વેપારીને રૂ.2.96 લાખનું ડુપ્લિકેટ પાર્સલ (Duplicate Parcel) મોકલાવીને ફોન કરી કહ્યું હતું કે, મારી સામે થયેલી અરજી પરત ખેંચીને તમારું ઓરિજનલ પાર્સલ મેળવી લો. સુરતના વેપારીએ અરજી પરત ખેંચી લીધા બાદ પણ પાર્સલ નહીં મળતાં પોલીસમાં ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી શુભ વાટિકામાં રહેતા ભાવિક અશોક ગઢિયા ઉધના મેઇન રોડ ઉપર ‘માં એન્ટરપ્રાઇઝ’ના નામે હોલસેલમાં સિગારેટનો વેપાર કરે છે. ભાવિકભાઇ સિગારેટનો સામાન ખરીદવા માટે કોલકાતા ગયા હતા અને ત્યાંની જીપીઆઇ કંપનીમાંથી માલબરો એડ્વાન્સ સિગારેટ તથા માલબરો લાઇટ સિગારેટ તેમજ માલબરો કોમ્પેક ખરીદવાનું નક્કી કર્યું હતુ. ભાવિકભાઇએ સુરત આવીને રૂ.14.78 લાખ આરટીજીએસ ટ્રાન્સફર કર્યા હતા. તેમણે સામાન માટે જસ્ટ ડાઇલમાં પાસ કરતા મંગલમ એક્સપ્રેસ લોજિસ્ટિકની બિલ્ટી જોવા મળી હતી, જેમાં ભરત દુબે નામના યુવકનો નંબર હતો. ભાવિકભાઇએ દીપકભાઇને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ દીપકે કહ્યું કે, હાલમાં માલ નથી આવે ત્યારે મોકલી આપીશું. આ દરમિયાન કંપનીમાંથી ફોન આવ્યો હતો અને ત્રણ સિગારેટ પૈકી માલબરો એડ્વાન્સ અને માલબરો લાઇટ સિગારેટ મળી હતી.
આ માટે ભરત દુબેને ફોન કરીને ત્રણ પાર્સલ કરવા માટે કહ્યું હતું. એક પાર્સલના રૂ.2.96 લાખ એવા ત્રણ પાર્સલને પેક કરીને ભરત દુબેએ હાવડા એક્સપ્રેસમાં મોકલ્યા હોવાનું ભાવિકભાઇને કહ્યું હતું. પરંતુ ભાવિકભાઇને કોઇ પાર્સલો મળ્યાં જ ન હતાં. ભાવિકભાઇએ તેમના સંબંધી ભાઇ મારફતે હાવડાની પાર્સલ ઓફિસમાં તપાસ કરાવતાં ત્યાં કોઇ પાર્સલો મોકલ્યાં જ નહીં હોવાની વિગતો બહાર આવતાં ભરત દુબેની સામે કોલકાતા પોલીસમાં અરજી થઇ હતી. આ અંગે ભાવિકભાઇએ ડાયરેક્ટ કંપનીમાં વાત કરીને ભરત દુબેની સામે ફરિયાદ કરી હતી. ત્યારબાદ ભરત દુબેએ ભાવિકભાઇને સામેથી ફોન કરીને ત્રણેય પાર્સલો મોકલી આપ્યાં હતાં.
સુરતમાં તપાસ કરતાં ત્રણ પૈકી એક પાર્સલમાં ડુપ્લિકેટ સિગારેટનો માલ હતો. આ દરમિયાન ભરત દુબેએ ભાવિકભાઇ ફોન કરીને કહ્યું કે, તમે જે મારી સામે પોલીસમાં ફરિયાદ કરી છે તે તમે પાછી ખેંચો લો. ત્યારબાદ જ તમને ઓરિજનલ પાર્સલ મળશે. ભરતની વાત માનીને ભાવિકભાઇએ સુરતથી ડુપ્લિકેટ પાર્સલ પરત મોકલ્યું હતું અને કેસ પણ પરત ખેંચી લીધો હતો. ભાવિકભાઇએ 30 વાર ભરત દુબેને વિનંતી કરી છતાં પણ ભરત દુબેએ રૂ.2.96 લાખનું એક પાર્સલ નહીં મોકલતાં આખરે પોલીસ ફરિયાદ થઇ હતી.