Surat Main

પટેલ સમાજ લાલધૂમ થતા સુરતમાં કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ચાલતા કપલ બોક્ષ પર તાબડતોડ પ્રતિબંધ

સુરત: (Surat) શહેરમાં દુષણ બનેલા કપલ બોક્ષ (Couple box) અને સ્પા યુવાધનને અવળા રસ્તે લઈ જઈ રહ્યા છે. આ ગંભીર મુદ્દે પાસોદરામાં એક દિકરીનો જીવ લેવાયા પછી પોલીસ કમિશનરે આંખ ખોલી છે. અને શહેરમાં કાફે, હોટલ અને રેસ્ટોરન્ટોની આડમાં ચાલતા કપલ બોક્ષ પર તથા સ્કુલ, કોલેજ અને મહિલા હોસ્ટેલ બાહર ઉભા રહેતા રોમિયો ઉપર પણ પ્રતિબંધ (Restriction) ફરમાવ્યો છે. સૌરાષ્ટ્રવાસી પટેલ આગેવાનો દ્વારા પોલીસ કમિશનર (Police Commissioner) અને ગૃહમંત્રીને કરવામાં આવેલી ગંભીર ફરિયાદો પછી પોલીસે આખરે પોતાની હપ્તાખોરી બંધ કરવાની નોબત આવી છે. પટેલ સમાજ લાલધૂમ થતા પોલીસ દ્વારા તાબડતોડ કાફે અને હોટલ અને રેસ્ટોરન્ટ પર ચાલતા કપલબોક્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

શહેરના ઘણા વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) ઉભા કરી તેમા અસામાજિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાનું જણાતા આ પ્રકારની અનૈતિક અને અસામાજિક પ્રવૃતિઓને કારણે નાની વયના યુવક- યુવતીઓ ભોગ બનતા હોય છે. આ બદીને કારણે મૃત્યુ, રેપ, અને બ્લેકમેઈલીંગના બનતા કિસ્સાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. તેમણે શહેરી વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટોના આડમાં ચાલતા કપલ બોક્ષ કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને આવી તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે સીસીટીવી કેમેરા લગાડ આદેશ કર્યો છે.

એએસઆઈ તથા તેની ઉપરના અધિકારી કાર્યવાહી કરી શકશે
સુરત કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ ASI અને તેનાથી ઉપરના દરજજાના કોઈ પણ પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે. પોલીસ કમિશનરનું જાહેરનામું આજે એટલે કે 17 ફેબ્રુઆરીથી જ શહેર વિસ્તારમાં આમલ બનશે.

સ્કુલ, કોલેજ અને મહિલા હોસ્ટેલ બાહર ઉભા રહેતા રોમિયોએ પોલીસને જવાબ આપવો પડશે
કેટલાક અનિષ્ટ તત્વો સ્કૂલ/કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, પોતાના કામે એકલી જતી મહિલાઓ-યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, અશ્લીલ શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામુ પાડી તા.17 મીથી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો/કોલેજો, ટ્યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા/ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો ફરમાવ્યા છે. ખાસ કરીને રોમિયોગીરી કરનારાઓ પર ખાસ ધ્યાન રહેશે.

50 મીટર સુધી કોઈ પણ પુરૂષોએ ઉભા રહેવું નહીં
પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા સ્કૂલ/કોલેજ/ટ્યુશન કલાસીસ/કોચીંગ ઈન્સ્ટીટ્યુટ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધી જાહેરમાર્ગ ઉપર કોઈપણ પુરૂષ પુરૂષોએ વાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ સ્થળો પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મૂકવા આવતા ઓળખપત્ર હોય તેવા જ ઓટો તથા વાન માલિક/ડ્રાઈવરો, વાલીઓ અને વાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ કે વાલીઓને મુક્તિ આપવામાં આવી છે.

Most Popular

To Top