SURAT

નદી કિનારે ફરવા સુરતીઓને મળશે લાંબો રૂટ: કઠોર બ્રીજથી ONGC બ્રીજ સુધી 33 કિ.મીનો રીવરફ્રન્ટ આકાર લેશે

સુરત: (Surat) સુરત શહેરમાં બેરેજના પ્રોજેક્ટને મંજૂરી મળી ગયા બાદ હવે તાપી નદીમાં પાણી બારેમાસ છલકાશે. જેથી શહેરીજનોને તાપી નદીમાં (Tapi River) કાયમ પાણી દેખાશે. જેથી હવે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના કિનારે રિવરફ્રન્ટ (River Front) બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જે રીતે સાબરમતી કિનારે સમગ્ર એરિયામાં રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવ્યું છે. તે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી તટે ડેવલપ કરવાનું આયોજન છે. કઠોર બ્રીજથી ઓએનજીસી બ્રીજ (ONGC Bridge) સુધી 33 કિ.મીના તટ પર આ રીવરફ્રન્ટ આકાર લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ એસ.પી.વી ના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ ચેરમેન તરીકે સુરતના મ્યુનિસિપલ કમિશનરને રાખવાનો નિર્ણય પણ કર્યો છે.

સુરતની જીવાદોરી સમાન તાપી નદી ના કિનારે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, તેનું ખાસ કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી. જે વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવાયો છે ત્યાં હજુ સુધી ક્રીમ વર્ગના લોકો આવતા થયા નથી. કેમકે આ રિવરફ્રન્ટ શરૂઆતથી જ અસામાજીક તત્વોના અડ્ડા તરીકે પંકાઇ ગયો છે. પરંતુ કન્વેન્શીયલ બેરેજનો પ્રોજેક્ટ સાકાર થયા પછી રાહુલરાજ મોલથી કઠોર બ્રિજ સુધી આ રિવરફ્રન્ટ ડેવલપ થયા બાદ શહેરીજનો તાપી નદીના કિનારે ફરવા પણ જઈ શકશે. ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. 10 કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એસ.પી.વી શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

એસપીવી માટે પ્રારંભિક તબક્કે 5 કરોડ રાજ્ય સરકાર અને 5 કરોડ મનપા ચૂકવશે
આ SPV માં નિયુક્ત કરવાના થતા 9 શેર હોલ્ડર્સમાંથી ત્રણ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા નામાંક્તિ કરી નિયુક્ત કરવાની પણ અનુમતિ આપી છે. આ SPV માં સુડા ના પ્રતિનિધિ ડિરેકટર તરીકે સુડાના સી.ઇ.ઓ ને રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ SPV માટેની કુલ રૂ. 10 કરોડની પેઇડ અપ કેપિટલમાં રૂ. 5 કરોડ રાજ્ય સરકારના અને રૂ. 5 કરોડ સુરત મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવે તેમજ આ હેતુ માટે આગામી વર્ષના બજેટમાં રૂ. 5 કરોડની જોગવાઇ કરવામાં આવે તેવા દિશાનિર્દેશો પણ આપ્યા છે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના રૂ. 1991 કરોડના ફેઇઝ-1 ના કામો માટે વર્લ્ડ બેન્ક પાસેથી પ્રોજેક્ટ કોસ્ટના 70 ટકા પ્રમાણે લોન મેળવવાની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપવામાં આવી છે.

Most Popular

To Top