સુરત: (Surat) ગેરકાયદે બાંધકામ માટે વગોવાયેલા કતારગામ ઝોનમાં હવે ઝોનના ઇજનેરોની તળીયા ઝાટક બદલી થયા બાદ ગેરકાયદે બાંધકામો (Illegal constructions) કરતા મિલકતદારો પર નવા અધિકારીઓએ લાલ આંખ કરી તવાઇ આણી છે. જેના ભાગ રૂપે કતારગામના રે.સ.નં. ૪૧૧ પૈકી, સી.સ.નં. ૩૭૨૨/એ/૩, ટી.પી.સ્કીમ નં. ૦૩ (કતારગામ)ના ફા.પ્લોટ નં. ૧૭૦/બી/૧ માં એટલે કે એકદમ ગીચતા ધરાવતા અનેક હીરાના કારખાનાઓ ધમધમે છે તે, નંદુડોશીની વાડીમાં છ માળનું ગેરકાયદે બાંધકામ થઇ રહ્યું હોય અગાઉ ઝોન દ્વારા નોટીસ (Notice) ફટકારાઇ હોવા છતા મિલકતદારો બાંધકામ કરી દેતા વર્ષ 2021ના જુન તેમજ ઓગષ્ટ માસમાં પણ ઝોન દ્વારા બાંધકામ અટકાવાયું હતું.
આમ છતા મિલકતદારે બાંધકામ કરી દઇ તેમાં વસવાટ ચાલુ કરી દીધો હોવાનું ઝોનના અધિકારીઓના ધ્યાને આવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તેમજ અન્ય અધિકારીઓના માર્ગદર્શનમાં આ મિલકતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તાણી બંધાયેલી પાંચ દુકાનો અને પાંચમા તથા છઠ્ઠા માળને સીલ (Seal) મારી દેવાયા હતા. તેમજ મિલકતદારે સીલીંગ અટકાવવા માટે મનપાના અધિકારીઓ સાથે દાદાગીરી કરતા મિલકતદાર વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવવામાં આવ્યો છે.
આઉટર રિંગરોડ પર ઇવા ઇન્ડ.થી પારડી સુધીનો 18 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો
સુરત: સુરતની ફરતે સાકાર થઇ રહેલા આઉટ રિંગરોડને ઝડપથી પુરો કરવા માટે મનપામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ઝડપભેર કામગીરી થઇ રહી છે. ત્યારે કતારગામ ઝોન ધ્વારા આજરોજ ટી.પી. સ્કીમ નં. ૪૬ (ગોથાણ—ભરથાણા-કોસાડ-વરીયાવ) માં આઉટર રિંગરોડ ઇવા ઈન્ડસ્ટ્રીઝથી રેલવે ટ્રેક થઈ નવી પારડી સ્ટેટ હાઈવેને જોડતો ૧૮.૦૦ મી(૬૦.૦૦ ફુટ) નો ટી.પી. રસ્તો કે જેનું ક્ષેત્રફળ ૧૪૩૧૦.૦૦ ચો.મી. (૧,૫૩,૯૭૫.૦૦ ચો. ફુટ) નો પ્રત્યક્ષ કબ્જો મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ રસ્તાની આજુબાજુમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હોવાથી ટ્રાફિક તેમજ વાહનવ્યવહારની અવર-જવરમાં વારંવાર ટ્રાફિકજામની સમસ્યા થતી હતી. પરંતુ હવે આ આઉટર રીંગરોડથી નવી પારડી સ્ટેટ હાઈવેને જોડતો લીંક રોડ ખુલ્લો થતા વાહન ચાલકોને રાહત થશે. અત્રે ઉલ્લખનીય છે કે આ રસ્તો ખુલ્લો કરવા માટે ઘણા સમયથી સ્થાનિક રહીશો, સ્થાનિક નગર સેવકો તેમજ રાજ્યકક્ષાના મંત્રીની પણ લેખિત રજુઆત હતી. તેથી આ રસ્તાની ઉપયોગિતાને ધ્યાનમાં લઈ અગ્રિમતાના રસ્તાનો પ્રત્યક્ષ કબ્જો મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે સંભવત શનિવાર સાંજ સુધીમાં તમામ રસ્તો ખુલ્લો થઇ જશે.