સુરત: (Surat) સુરત મનપાની (Corporation) બહુ વખણાયેલી આવાસ યોજનાની (Housing scheme) સોનાની થાળીમાં લોઢાની મેખ સાબિત થઇ રહેલા વેસુના ‘સુમન મલ્હાર’ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ છેલ્લાં ત્રણ વર્ષથી તમામ નાણાં ભરાઇ ગયા હોવા છતાં હજુ સુધી આવાસનો કબજો નહીં મળતાં 360 લાભાર્થીની હાલત કફોડી થઇ ગઇ છે. કેમ કે, એકબાજુ આ લાભાર્થીઓએ લોન કરીને તમામ નાણાં મહાનગર પાલિકાને ભરી દીધાં છે. તો બીજી બાજુ આવાસોનો કબજો નહીં મળતાં ભાડેથી પણ રહેવું પડી રહ્યું છે.
- ઇજારદાર અને મનપાના તંત્ર વચ્ચે ખો-ખોની રમતમાં ‘સુમન-મલ્હાર’ના લાભાર્થીઓની હાલાકી યથાવત્
- ઇજારદારે એન્વાયરો સર્ટિ. જ નહીં મેળવ્યું હોવાથી દસ્તાવેજ નહીં થઇ શકતાં હોવાનું બહાર આવ્યું
- પ્રોજેક્ટના ઇજારદાર ‘કતીરા કન્સ્ટ્રક્શન’ દ્વારા અગાઉથી જ આ પ્રોજેક્ટ લેઇટ કરીને મનપાની છાપને બટ્ટો લગાવ્યો
આ મુદ્દે અવારનવાર ઉહાપોહ અને ઉગ્ર રજૂઆતો બાદ દિવાળી પહેલાં મેયર હેમાલી બોઘાવાલાએ સ્થળ પર જઇને લાભાર્થીઓની વ્યથા સાંભળી હતી તેમજ અધિકારીઓને બોલાવી તાકીદે ઇજારદાર પાસે અધૂરાં કામો પૂરાં કરાવી લેવા આદેશ આપ્યો હતો. જો કે, હવે મોટા ભાગનું કામ તો પૂરું થઇ ચૂક્યું છે. પરંતુ ઇજારદારે આ પ્રોજેક્ટ માટે જરૂરી એન્વાયરો સર્ટિ. જ નહીં મેળવ્યું હોવાનું બહાર આવતાં લાભાર્થીઓની મુશ્કેલીનો હજુ અંત આવે તેવું લાગતું નથી. આ પ્રોજેક્ટના ઇજારદાર ‘કતીરા કન્સ્ટ્રક્શન’ દ્વારા અગાઉથી જ આ પ્રોજેક્ટ લેઇટ કરીને મનપાની છાપને બટ્ટો લગાવ્યો છે.
જો કે, ઇજારદાર સામે ઢીલી નીતિ અપનાવી રહેલા મનપાના અધિકારીઓને કારણે 360 લાભાર્થી અટવાઇ રહ્યા છે. એન્વાયરો સર્ટિ. મેળવવાની જવાબદારી ઇજારદારની હોવા છતાં અહીં કુલ પાંચ ટાવર બની ગયા ત્યાં સુધી એન્વાયર સર્ટિ. (Environment certificate) મેળવવા બાબતે ‘કતીરા કન્સ્ટ્રક્શન’ને ફરજ ના પડાઇ એ મોટી વાત છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ‘સુમન મલ્હાર’માં એન્વાયરો સર્ટિ. બાબતે થોડો ઇસ્યુ થયેલો છે. પરંતુ તેમાં રસ્તો શોધીને લાભાર્થીઓને કબજો આપી દેવા તૈયારી કરી દેવાઇ છે. સર્ટિ. બાબતે જીબીસીબીના અધિકારીઓ સાથે પણ સંકલન કરવા આદેશ આપી દેવાયો છે. ફાળવણી બાકી છે તે ઇમારતોમાં એક એક લિફ્ટ ચાલુ થઇ જાય અને અન્ય આનુસાંગિક વ્યવસ્થા ઝડપથી કરી દઇ ફાળવણી કરવા સૂચના આપી દેવાઇ છે.