સુરત: (Surat) શહેરમા ચૂંટણી પછી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા તીવ્ર ગતિએ વધતા ચિંતિત મનપા તંત્ર દ્વારા ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટોમાં (Diamond Market) વેપારીઓ (Traders) સાથે બેઠક યોજી બે-બે દિવસ બંધ રાખવા માટે આદેશ આપ્યો હતો. જોકે ડાયમંડ યુનિટના સંચાલકો મનપા કમિશ્નરના આદેશને ઘોળીને પી ગયા હતા. રવિવારે (Sunday) 30 ટકાથી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટો ચાલુ રહ્યા બાદ સોમવારે પણ બન્ને હીરાબજારોમાં 40 ટકા જેટલા નાના અને મોટા યુનિટો ચાલુ રહ્યા હતા.
કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે મનપા પ્રશાસને કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. બન્ને ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો જોડાયા હોવાથી જો અહીં સંક્રમણ ફેલાય તો મુશ્કેલી સર્જાઇ શકે છે જેને ધ્યાને લઇ પાલિકાએ પહેલાથી પૂર પહેલા પાળ બાંધવાની નીતિ અપનાવી છે. મનપા કમિશનરે ગુરૂવારે ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદારો સાથે મિટિંગ કરી હતી. જેમાં શનિ-રવિ ટેક્ષટાઇલ માર્કેટ અને રવિ-સોમ ડાયમંડ યુનિટો બંધ રાખવા માટે નિર્ણયો લેવામાં આવ્યા હતા. મનપા કમિશનરે આદેશ આપ્યા બાદ કાપડ માર્કેટમાં અમલ કરવામાં આવ્યુ હતુ પરંતુ ડાયમંડ યુનિટના સંચાલકો મનપા કમિશનર અને ડાયમંડ એસોસિયેશનના અપીલને ઠુકરાવી કારખાનાઓ બન્ને દિવસ ચાલુ રાખ્યા હતા.
રવિવારે પણ 30 ટકાથી વધુ હીરાના ખાતાઓ ધમધમતા રહ્યા હતા. જયારે સોમવારે પણ આજ પરિસ્થિતિ જોવા મળી હતી. આજે પણ મહિધરપુરા, વરાછા, કાપોદ્રા, કતારગામ સહિતના વિસ્તારોમાં 4૦ ટકાથી વધુ ડાયમંડના યુનિટો ચાલુ જોવા મળ્યા હતા. ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુભાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે મનપા કમિશનર દ્વારા આપવામાં આવેલા આદેશો અને ડાયમંડ એસો. દ્વારા બે દિવસ તમામ યુનિટો બંધ રાખવાના આપવામાં આવેલા આદેશો બાદ પણ ૨૫થી ૩૦ ટકા ખાતાઓ ચાલુ હોવાની ફરિયાદો મળી છે.
પાલિકાના કર્મચારીઓને ધક્કે ચડાવ્યા
નંદુડોશીની વાડીમાં હીરાના કારખાના અને દુકાનો બંધ કરાવવા પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતાં. જેનો વિરોધ કરતાં રત્નકલાકારો અને દુકાનદારોએ પાલિકાના અધિકારીઓને વિરોધ કર્યો હતો. સાથે જ આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, અમારા રોજગાર ધંધા માંડ પાટે ચડ્યા છે ત્યાં રોજગારી પર પાટું મારવામા આવી રહ્યું છે. હીરાના મોટા કારખાના ધમધમે છે જ્યારે નાના યુનિટને જ બંધ કરાવવામાં આવે છે.