સુરત: (Surat) અઠવા ઝોનના પાર્લે પોઈન્ટ વિસ્તારના સંગમ એપામેન્ટના એક જ ઘરમાં રહેતા પાંચ વ્યક્તિઓ શુક્રવારે કોરોના પોઝિટિવ આવતાં આ વિસ્તાર ક્લસ્ટર (Cluster) જાહેર કરી લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ સાથે 7 વ્યક્તિઓ વરાછા ઝોન-એના વરાછા વિસ્તારની વર્ષા સોસાયટીમાં પોઝિટિવ આવ્યા તો લિંબાયત ઝોનના કુંભારિયાગામના નેચરવેલીના એક જ ઘરમાં 4 વ્યક્તિઓ પોઝિટિવ આવતા આ બંને સોસાયટી (Society) ક્લસ્ટર જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઘોડદોડ રોડની એસબીઆઈ બેન્કમાં 14 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવતા બેન્ક બંધ કરાવવામાં આવી હતી. શહેરના તમામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી હવે મનપાએ (Corporation) તેની જુની સ્ટ્રેટેજી અમલમાં મુકવાનું શરૂ કરી દીધું છે તેમજ હાલમાં માત્ર વેસુ ખાતેથી વોર રૂમ ઓપરેટ થતો હતો તે હવે તમામ ઝોનમાં વોર રૂમ ધમધમતા કરી દેવાયા છે.
- 14 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવતાં ધોડદોડ રોડની એસબીઆઈ બેન્ક બંધ કરાવવામાં આવી
- હાલમાં માત્ર વેસુ ખાતેથી વોર રૂમ ઓપરેટ થતો હતો તે હવે તમામ ઝોનમાં વોર રૂમ ધમધમતા કરી દેવાયા
ભટારના આર્શિવાદ પેલેસમાં 30 કેસ મળતાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો
અઠવા ઝોનના ભટારમાં આવેલા આર્શિવાદ પેલેસમાં રહેતા 30 લોકોને કોરોના હોવાનું બહાર આવતા 24 બિલ્ડિંગના 461 ફ્લેટમાં રહેતાં 2000 જેટલા રહીશોને કલસ્ટર ઝોનમાં મુકી દેવાયા છે. આર્શિવાદ પેલેસના તમામ 6 એન્ટ્રિ-એક્ઝિટ ગેટ પણ બંધ કરી દેવાયા છે.
કોવેક્સિનનો જથ્થો નહીં આવતાં સતત બીજા દિવસે વેક્સિનેશન બંધ
માત્ર છ દિવસમાં શહેરના તમામ 15થી 18 વર્ષના બાળકોને વેક્સિનેટ કરી દેવાના લક્ષ્યાંક સાથે ઝુંબેશ ચલાવી રહેલા સુરત મનપાના તંત્ર સામે વેક્સિનનો પુરતો જથ્થો નહીં મળવાનો પડકાર ઉભો થતાં વેક્સિનેશનને બ્રેક લાગી છે, કો-વેક્સિન સપ્લાયમાં ઓટ આવી જતાં મનપા દ્વારા શુક્રવારે વિદ્યાર્થીઓનું વેક્સિનેશન બંધ રાખ્યું હતું જો કે બીજા દિવસે પણ સપ્લાઇ નહીં મળતા શનિવારે પણ રસીકરણને બંધ રાખવાની ફરજ પડશે.
શહેરમાં રિકવરી રેટ ઘટી ગયો
શહેરમાં કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા પણ વધારે ઘાતક સાબિત થઈ રહી છે. શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ જે ઝડપે વધી રહ્યા છે. તે જોતા ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાવમાં આવી રહ્યું છે. અને ત્રીજી લહેરની શરૂઆત સાથે જ રિકવરી રેટમાં પણ ખુબ જ ઝડપી ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે શહેરમાં રિકવરી રેટ 98.5 ટકા પર સ્થિર થઈ ગયો હતો. કારણકે, છેલ્લા 6 માસથી પ્રતિદિન માત્ર પાંચ-છ કેસ જ નોંધાઈ રહ્યા હતા. પરંતુ ત્રીજી લહેરની શરૂઆતની સાથે જ રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કારણકે, પ્રતિદિન નોંધાતા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ખુબ જ તફાવત નોંધાઈ રહ્યો છે. જેથી રિકવરી રેટ માત્ર એક જ અઠવાડિયામાં 98 ટકાથી 95 ટકા પર પહોંચી ચુક્યો છે.