સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાનો અમરોલી વિસ્તાર (Amroli Area) એવો છે, જ્યાં ગરીબ-મધ્યમ વર્ગથી માંડીને મૂળ સુરતી, સૌરાષ્ટ્રવાસી, પરપ્રાંતિય વગેરે પંચકુટિય વસતી વસે છે. શહેરના અન્ય વિસ્તારની સરખામણીએ આ વિસ્તારમાં વિકાસ કાર્યો ઓછા થયાં છે. અને સમસ્યાઓ સતત વકરી છે. અમરોલી ચાર રસ્તા પર તો એવી હાલત છે કે, અહીં 150 ફૂટનો રસ્તો છે. પરંતુ એક બાજુ બીઆરટીએસની રેલિંગ અને બીજી બાજુ શાકભાજી, ફળ, કટલરી-હોઝયરીની લારીઓ, તેની વચ્ચે રખડતાં ઢોર અને પાથરણાવાળાઓના કારણે અહીં માંડ 15 ફૂટનો રસ્તો રાહદારીઓ અને વાહનચાલકોને વાપરવા મળે છે. આ સમસ્યા કાયમની છે. સવારે નવ વાગ્યાથી માંડીને રાતના 9 વાગ્યા સુધી મનપાના (Corporation) ખર્ચે બનેલા સીસી રોડ, ફૂટપાથ અને સર્વિસ રોડ પર દબાણકર્તાઓનો કબજો રહે છે. અધૂરામાં પૂરું અહીં માન સરોવર ફ્લાય ઓવરબ્રિજની નીચે કેટલાક લોકો કાયમી રહેણાક તરીકે વસી ગયા છે. આમ છતાં તંત્રવાહકો ઘોર નિદ્રામાં હોય તેવી રીતે આ સમસ્યાના ઉકેલ માટે કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. તેથી અહીંના સ્થાનિક દુકાનદારો, રહેવાસીઓ તોબા પોકારી ચૂક્યા છે. અને સતત બે ટર્મથી અહીં ભાજપને (BJP) જાકારો મળી રહ્યો છે. આમ છતાં શાસકોની ઊંઘ ઊડતી નથી.
ટ્રાફિક પોલીસ ચોકીની સામે જ રસ્તા પર દબાણો અને પોલીસ આંખ આડા કાન કરે છે
અમરોલી ચાર રસ્તા પર દબાણોના ન્યૂસન્સને નાથવામાં મનપાનું તંત્ર તો ઉણું ઊતરી જ રહ્યું છે. પરંતુ અહીં ફ્લાય ઓવરબ્રિજની નીચે જ ટ્રાફિક પોલીસ ચોકી છે. ત્યાં કાયમ પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં પોલીસ પણ રસ્તા પર ટ્રાફિકજામ માટે જવાબદાર એવા દબાણકર્તાઓ સામે કોઇ પગલાં ભરતી નથી. તેથી ન્યૂસન્સથી તોબા પોકારતી પ્રજા હવે કોની પાસે જવું તે બાબતે માથું ખંજવાળી રહી છે.
અહીં દબાણના ન્યૂસન્સનું કારણ ફેરિયાઓ માટે વ્યવસ્થાનો અભાવ
વર્ષોથી અમરોલી ચાર રસ્તા દબાણકર્તાઓનું મથક છે. અહીં આસપાસના વિસ્તારમાં સામાન્ય વર્ગથી માંડીને એકદમ ગરીબ વર્ગના લોકો રહે છે. જે અહીં ઊભા રહેતાં સસ્તા શાકભાજીવાલા અને અન્ય ચીજવસ્તુનો વેપાર કરતા નાના વેપારી વર્ગ પાસેથી ખરીદી કરે છે. આ એવા લોકો છે. જેને અહીંથી દૂર ખરીદી માટે જવું પરવડે તેમ નથી, એટલે જ અહીં દબાણકર્તાઓને પૂરતો વેપાર મળી જતો હોય તે લોકો અહીંથી દૂર જવા તૈયાર નથી. અહીં આજુબાજુમાં મનપા દ્વારા અહીંના ફેરિયાઓનો સમાવેશ થાય તેવી શાકમાર્કેટનું આયોજન થાય તો અહીંનું ન્યૂસન્સ હલ થઇ શકે તેવી શક્યતા છે.
દબાણોના કારણે દુકાનદારોનો ધંધો છીનવાય છે : શૈલેશભાઇ (સ્થાનિક દુકાનદાર)
અમરોલી ચાર રસ્તા ખાતે છેલ્લાં 15 વર્ષથી દુકાન ચલાવતા શૈલેષભાઇએ જણાવ્યું હતું કે, આ દબાણકર્તાઓ અહીં લાખો રૂપિયાની દુકાન ખરીદીને ધંધો કરતા દુકાનદારોનો ધંધો છીનવી રહ્યા છે. મહાનગર પાલિકાએ આ દબાણકર્તાઓને કોઇ પણ રીતે અહીંથી હટાવવા જોઇએ. અમે વેરો ભરીએ છીએ. મનપા અને સરકારના નિયમોનું પાલન કરીએ અને અમારો ધંધો લારી-ગલ્લાવાળા છીનવી જાય તે કેવી રીતે યોગ્ય કહેવાય ?
પોલીસ બંદોબસ્ત મળતો નથી તેથી દબાણ હટતાં નથી : ઝોનલ અધિકારી
કતારગામ ઝોનના ઝોનલ અધિકારી આર.વી.ગામીતે અહીંનાં દબાણોનાં ન્યૂસન્સ બાબતે પૂછતાં જણાવ્યું હતું કે, વાસ્તવિકતા એ છે કે અહીં મોટા પાયે દબાણનું ન્યૂસન્સ છે. વચ્ચે ચાર પાંચ દિવસ એસઆરપી મૂકી હતી ત્યારે આ ન્યૂસન્સ કાબૂમાં આવી ગયું હતું. કાયમી ધોરણે અહીં બે-ચાર પોલીસ મુકાય તો પણ દબાણકર્તાઓને કાબૂમાં રાખવા મુશ્કેલ છે. તેથી અમરોલી પી.આઇ. સાથે આ બાબતે પત્રવ્યવહાર થયો છે. જો સતત એકાદ અઠવાડિયું પોલીસ બંદોબસ્ત મળે તો દબાણકર્તાઓને ખદેડી શકાય અને ત્યાર બાદ થોડા દિવસ એસઆરપી મૂકીને દબાણકર્તાઓને કાબૂમાં રખાય તો ઉકેલ જણાય છે. આ માટે મેં પ્રયાસો શરૂ કર્યા છે.